કાલાસ, મારિયા (જ. 2 ડિસેમ્બર 1923, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.; અ. 16 સપ્ટેમ્બર 1977, પૅરિસ, ફ્રાંસ) : ઑપેરાની વિખ્યાત શાસ્ત્રીય સોપ્રાનો(ઊંચા તાર સપ્તકોમાં)-ગાયિકા. મૂળ નામ મારિયા સેસિલિયા સોફિયા આના કાલોગેરોપૂલૉસ. માતા સાથે 1937માં અમેરિકા છોડી મારિયા ગ્રીસ ગઈ અને ત્યાં ઍથેન્સ કૉન્ઝર્વેટરીમાં સોપ્રાનો-ગાયિકા એલ્વિરા દે હિદાલ્યો હેઠળ સોપ્રાનો-ગાયનનો અભ્યાસ કર્યો. ઍથેન્સમાં બે ઑપેરા ‘કાવાલેરિયા રુસ્તિકાના’ તથા ‘બોકાચિયો’માં તેણે સોપ્રાનો-ગાયન કર્યું. 1945માં અમેરિકા પાછાં ફરી ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન ઑપેરા કંપનીમાં ગાયિકા તરીકે પ્રવેશ મેળવ્યો; પરંતુ તુરત જ તે પદનો ત્યાગ કરી ઇટાલી જઈને ત્યાંની પ્રસિદ્ધ ઑપેરા કંપની લા સ્કાલામાં ગાયિકા તરીકે જોડાઈ. ‘લા જ્યોકોન્ડા’ (La Gioconda), ‘ઇ પુરિતાની’, ‘ટૉસ્કા’ અને ‘નૉર્મા’એ ઑપેરાઓમાં તેણે ગાયું. અમેરિકા જઈ શિકાગો ઑપેરા કંપનીના અને ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન ઑપેરા કંપનીના ‘નૉર્મા’ ઑપેરામાં તેણે ગાયું. ગાવામાં કઠિન હોય તેવાં પાત્રો કાલાસે ગાયાં. અવાજને સહેલાઈથી બહેલાવવાની તેની શક્તિથી શ્રોતાઓ અને વિવેચકો આફરીન હતા. ગાતી વેળા તે અભિનય પણ ઉત્કૃષ્ટ કરતી. ફ્રેંચ, જર્મન અને ઇટાલિયન ભાષાનાં ઘણા ઑપેરામાં તેણે ગાયું. ઑપેરા-સ્વરનિયોજકો બેલિની, રોસિની, દોનિઝેતી અને ચેરુબિનીના અલ્પપરિચિત ઑપેરાઓમાં અઘરી ગાયકીઓ ગાઈને તેણે તે ઑપેરાઓને લોકપ્રિય બનાવ્યા. 1956થી તેણે સમગ્ર યુરોપમાં અને અમેરિકામાં યાત્રાઓ કરતાં રહીને ગાયું.

અમિતાભ મડિયા