કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, પાકિસ્તાન; અ. 21 જાન્યુઆરી 1943, જૂન સખર, પાકિસ્તાન) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેમનાંમાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીર ખડતલ, તે યુવાન કબડ્ડી રમતનો ભારે શોખીન હતો. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ (ઑગસ્ટ 1942) ત્યારે તરુણ હેમુ કાલાણી શહીદ ભગતસિંહને અનુસરવા અને તેની પ્રતિમૂર્તિ બનવા ઉત્સુક હતો. તેની રગેરગમાં માતૃભૂમિ વાસ્તે મરી ફીટવાની તમન્ના હતી.
હેમુ કાલાણી અને તેના સાથીઓને જાણવા મળ્યું કે રોહડીથી લશ્કરની એક સ્પેશિયલ ટ્રેનમાં સૈનિકો, દમનથી આઝાદીની લડતને કચડી નાખવા આવે છે. તે જાણીને એ લબરમૂછિયા યુવકોનું લોહી ઊકળી ઊઠ્યું. તેઓએ તે ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો.
સખર બિસ્કિટ મૅન્યુફૅક્ચરિંગ કંપની નજીકથી પસાર થતી રેલવેલાઇનમાંથી તેઓ ફિશપ્લેટો કાઢવા ગયા; પરંતુ તે વખતે જ પોલીસો તેમને જોઈ ગયા. અન્ય સાથીઓ નાસી ગયા; પરંતુ હેમુને નાસી જવામાં કાયરતા લાગી. એ શૂરવીર યુવક પકડાઈ ગયો.
તે સમયે સિંધમાં માર્શલ લૉનો અમલ હતો. હેમુને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. કેસ ચાલ્યો. અનેક પ્રતિષ્ઠિત લોકો તેનો કેસ સાંભળવા અદાલતમાં જતા. તેને ફાંસીની સજા કરવામાં આવી. કેટલાક નેતાઓએ તરુણ વયના તે યુવકને બચાવવા અનેક પ્રયાસો કર્યા. દયાની અરજી પણ કરવામાં આવી; પરંતુ નિરર્થક. ફાંસીની સજા અફર રહી.
ફાંસી આપવાની હતી, તે દિવસે સવારે તેણે ભગવદગીતાનો પાઠ કર્યો. ભગવદગીતાના ગ્રંથને તથા માતૃભૂમિને નમસ્કાર કરીને તે ફાંસીને માંચડે ચડી ગયો ! તેના અંતિમ શબ્દો હતા, ‘અંગ્રેજો, ક્વીટ ઇન્ડિયા, ભારત માતા કી જય.’
ફાંસી અપાયા બાદ જવાહરલાલ નેહરુ તથા અનેક જાણીતા આગેવાનો તેનાં માતાપિતાને આશ્વાસન આપવા, તેને ઘેર ગયા હતા.
બંસીધર શુક્લ
જયકુમાર ર. શુક્લ