કાલા-આઝાર : રેતમાખી (sand fly) દ્વારા ફેલાતા લિશમેનિયા ડોનોવાની નામના પરોપજીવીના ચેપથી થતો રોગ. તેમાં લાંબા સમય સુધી વારંવાર તાવ આવે છે, બરોળ અને યકૃત મોટાં થાય છે, વજન ઘટે છે, ચામડીનો રંગ ગાઢો થાય છે તથા રુધિરકોષઅલ્પતા (pancytopenia – લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો) થવાથી શરીર ફિક્કું, કાળું થઈ જાય છે અને વજન ઘટે છે. કાળી પડતી ચામડી અને તાવને કારણે તેને કાલા-આઝાર કહે છે. તેને અવયવી લિશમેનિયતા (viceral leishmaniasis), કાળી માંદગી (black sickness), સાહિબનો રોગ, ડમ-ડમ તાવ, બ્રુડવાન તાવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. બિહાર, આસામ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, ભૂમધ્ય સમુદ્રના વિસ્તારો, ચીન, રશિયા અને પૂર્વ આફ્રિકામાં તેનો ઉપદ્રવ મુખ્યત્વે જોવા મળે છે.

માદા ફ્લેબોટોમાઇન રેતમાખી ચેપવાહક (vector) છે. લોહીમાં પ્રવેશ્યા પછી પરોપજીવ (parasite) યકૃત, બરોળ અને અસ્થિમજ્જા(bone marrow)ના તનુતન્ત્વી અંતશ્ચ્છદીય (reticuloendothelial) કોષોમાં પ્રવેશે છે અને સંખ્યાવૃદ્ધિ કરે છે. સામાન્ય રીતે કિશોર અને યુવાનો તેનાથી રોગગ્રસ્ત થાય છે. તેમને ખૂબ જ તાવ આવે છે, તાવ વારંવાર ઊતરીને ચડે છે. દરેક વખતે યકૃત, બરોળ વૃદ્ધિ પામતાં જાય છે. તેથી ક્યારેક તે સાવ સામાન્ય (અવિષમ) પણ થઈ જાય છે, પરંતુ પાછો ઊંચે ચડે છે. આવા તાવને અંતરિયાળ (intermittent) તાવ કહે છે. જો તાવ ઊતરીને સાવ સામાન્ય ન થાય તો તેવા ચઢ-ઊતર થતા તાવને પુનરાવર્તી (remittent) તાવ કહે છે.

દીર્ઘકાલી કિસ્સાઓમાં સ્નાયુ-અપક્ષય (wasting), સોજા, ક્યારેક લોહી વહેવું, ઝાડા, ઉધરસ, પાંડુતા (anaemia), રુધિરકોષઅલ્પતા તથા ચામડીમાં ત્વકીય અતિવર્ણકતા (hyper-pigmentation) જોવા મળે છે. ત્વકીય અતિવર્ણકતાને કારણે ચામડી કાળી પડે છે. સુદાન અને આફ્રિકામાં લસિકાગ્રંથિઓ પણ મોટી થાય છે.

કાલા-આઝારનો રોગ મટ્યા પછી એક અથવા વધુ વર્ષો બાદ ચામડીમાં લિશમેનિયતાનો વિકાસ થાય છે. તે સમયે અવર્ણક બિન્દુસ્થાનો (depigmented macules), રક્તિમ ફોલ્લીઓ (erythematous papules) અથવા ગંડિકાઓ (nodules) થાય છે. ચામડી પર રંગ વગરનાં નાનાં બિંદુઓ થાય ત્યારે તેને અવર્ણક બિન્દુસ્થાનો કહે છે. લાલાશ પડતી ફોલ્લીઓને રક્તિમ ફોલ્લીઓ કહે છે. ક્યારેક મુખગ્રાસી વિકાસ (cancrusaris) થાય છે અને તે સમયે બે હોઠ જ્યાં મળે તે ખૂણા પર વિકસતું ચાંદું પડે છે. ક્યારેક આ દર્દીઓમાં પ્રતિરક્ષાલક્ષી સંકુલો(immune complex)થી થતો મૂત્રપિંડશોથ (nephritis), ફેફસાંનો ક્ષય કે યકૃતકાઠિન્ય (liver cirrhosis) થાય છે.

સારવાર : પેન્ટાવેલન્ટ એન્ટીમોનીનાં સંયોજનો મુખ્ય ઔષધો છે. સોડિયમ સ્ટીબોગ્લુકોનેટનાં 15 ઇન્જેક્શન અપાય છે અને તેની પૂરતી અસર ન થાય તો પેન્ટામિડિન આઇસોથાયોનેટનાં 10થી 15 ઇન્જેક્શન પણ અપાય છે. દવા ઝેરી છે અને તે ક્યારેક અતિસંવેદનશીલતાજન્ય આઘાત (hypersensitivity shock), મધુપ્રમેહ, મૂત્રપિંડ કે યકૃતને ઈજા જેવી આડઅસરો કરે છે. ઔષધરોધી (drug-resistant) કિસ્સાઓમાં ઍમ્ફોટેરિસીન-બી નામની ઍન્ટિબાયૉટિક પણ સફળતાપૂર્વક વપરાયેલી છે. જેમને સારવાર ન અપાઈ હોય તેવા દર્દીઓમાં મૃત્યુદર 80 %થી 90 % છે.

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ