કાલભોજ (ઈ.સ. 734થી ઈ.સ. 753) : મેવાડના ગુહિલોત વંશનો પ્રતાપી રાજા. તે બાપા રાવળને નામે ઓળખાતો. અભિલેખોમાં આવતી વંશાવળીઓમાં આ નામનો કોઈ રાજા દેખા દેતો નથી. પંડિત ગૌ. હી. ઓઝા બાપારાવળને આ વંશના આઠમા રાજા કાલભોજનું ઉપનામ હોવાનું માને છે, જ્યારે ડૉ. ભાંડારકર એને નવમા રાજા ખુમ્માણ પહેલાનું અપર નામ હોવાનું ધારે છે. તેરમી સદીથી ઉપલબ્ધ થતા ઉત્તરકાલીન લેખોમાં બાપા રાવળને ગુહિલ વંશનો સ્થાપક કહ્યો છે. ઈ.સ. 725-738 દરમિયાન મેવાડના પ્રદેશ પર સિંધના અરબો હુમલા કરી અશાંતિ કરવા લાગ્યા ત્યારે આ ગુહિલોત રાજાએ એમનો વીરતાથી સામનો કરી એમને મેવાડના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા. ચિતોડમાં એ સમયે મોરી કુલની સત્તા હતી તે અરબોએ પડાવી લીધી ત્યારે પડોશના પ્રદેશના આ રાજાએ અરબોને ચિતોડમાંથી હાંકી કાઢી એનો ગઢ પોતાને કબજે લીધો. વિપ્રકુલનો આ વીર રાજવી પ્રજાજનોમાં ‘બાપ’ (બાપા) તરીકે લોકપ્રિય થયો ને રાજા તરીકે ‘રાવલ’ કહેવાયો. આમ મેવાડને અરબોના ઉપદ્રવમાંથી બચાવનાર આ રાજા ‘બાપા રાવલ’ તરીકે લોકપ્રિય થયેલો. સદીઓ બાદ અગાઉના રાજાઓનો વૃત્તાંત વિસ્મૃત થતાં ગુહિલ વંશનો એ આદ્ય પ્રતાપી રાજવી ગણાતાં એ વંશનો સ્થાપક મનાયો. બાપા રાવલ આનંદપુર(વડનગર)નો વિપ્ર હોવાનું સંભવે છે.
ભારતી શેલત