કાલમેઘ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Andrographis paniculata (Burom f.) Wall ex Nees (સં. ભૂનિંબ, ગુ. કરિયાતું, દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલામેથી; હિં. કાલમેઘ, કિરાયત; બં. કાલમેઘ; ક. નેલાબેરુ, મલા. કિરિયાત્તુ, નેલાવેપ્પુ; ત. નીલાવેમ્બુ; તે. નીલાવીમુ; અં. ધ ક્રિએટ) છે. તેના સહસભ્યોમાં કાળી અંઘેડી, ગજકરણી, મોટો ખડશેલિયો, પીળો કાંટાશેળિયો વગેરેનો સમાવેશ થાય છે.

તે ટટ્ટાર એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને હિમાચલ પ્રદેશથી આસામ અને મિઝોરામનાં મેદાનોમાં અને દક્ષિણ ભારતમાં બરડાના વિસ્તારમાં તે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જોવા મળે છે. પ્રકાંડ ઘેરું લીલું, 0.3 મી.થી 1.0 મી.ની ઊંચાઈ અને 2 મિમી.થી 6 મિમી. વ્યાસ ધરાવતું, ચોરસ અને શાખિત હોય છે. તે ગાંઠેથી સહેજ ફૂલેલું હોય છે. પર્ણો સાદાં, અરોમિલ (glabrous), 8.0 સેમી. સુધી લાંબાં અને 2.5 સેમી. પહોળાં અને ભાલાકાર હોય છે. પુષ્પો નાનાં, સફેદ રંગનાં, દ્વિઓષ્ઠી (bilabiate) અને કક્ષીય કે અગ્રીય કલગી (raceme) કે પુષ્પગુચ્છ (panicle)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, રેખીય-લંબચોરસ (linear-oblong), બંને છેડેથી અણીદાર, 1.9 સેમી. લાંબું અને 0.3 સેમી. પહોળું ઉપચતુષ્ક (sub-quadrate) અને પીળાશ પડતું બદામી હોય છે.

આ વનસ્પતિનું ઔષધ ‘કાલમેઘ’ કે ‘લીલા કરિયાતા’ તરીકે જાણીતું છે. તેનો ઘરગથ્થુ દવાના મુખ્ય ઘટક તરીકે ઉપયોગ થાય છે, અને કડવા, બલ્ય અને જ્વરહર (fabrifuse) ગુણધર્મો ધરાવે છે. તે ભારતીય ઔષધકોશમાં અધિકૃત ઔષધ છે અને આયુર્વેદ અને સમચિકિત્સા(homoeopathy)માં વપરાય છે.

કાલમેઘ યૂથી (gregarious) છે અને ભેજવાળી છાંયડો ધરાવતી પડતર જમીનમાં અને શુષ્ક જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેનું વાવેતર પણ કરવામાં આવે છે. તે પ્રકાશાપેક્ષી છે. બીજ મે-જૂનમાં ઉગાડવામાં આવે છે. રોપાઓ 60 સેમી. × 30 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. શુષ્ક સમયગાળામાં બેથી ત્રણવાર સિંચાઈ કરવામાં આવે છે. તેનું પુષ્પનિર્માણ ઑગસ્ટ-નવેમ્બરમાં થાય છે. સમગ્ર વનસ્પતિ ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન પરિપક્વ બને ત્યારે તેની ઔષધ માટે લણણી કરવામાં આવે છે. તેને છાંયડે સૂકવી વેચવામાં આવે છે. સૂકાં કે તાજાં પર્ણો અથવા વનસ્પતિનાં અંગોનો ઔષધ મેળવવા ઉપયોગ કરાય છે. કેટલીક વખત મૂળ સહિતની સમગ્ર વનસ્પતિને ઉપયોગમાં લેવાય છે. આ વનસ્પતિ શુદ્ધ ચિરેટા (Swertia chirayita Karst.) સાથે ભળી જાય છે, પરંતુ કાલમેઘ તેના પ્રકાંડના લીલા રંગ, અનેક સંમુખ ગોઠવાયેલી શાખાઓ અને તેનાં ભાલાકાર સંમુખ પર્ણો દ્વારા તે ચિરેટાથી અલગ ઓળખી શકાય છે.

કાલમેઘ સ્તંભક (astringent), વેદનાહર (anodyne), બલ્ય (tonic) અને વિષરોધી (alexipharmic) ગુણધર્મો ધરાવે છે. તે મરડો, કૉલેરા, મધુપ્રમેહ, ક્ષય, ફ્લૂ, શ્વસનીશોથ (bronchitis), સોજા અને ખૂજલી, મસા અને પરમિયો(gonorrhoea)માં ઉપયોગી છે. તેનો કાઢો રુધિર શુદ્ધ કરનાર છે. તેનો સુસ્ત યકૃત અને કમળામાં ઉપયોગ કરવામાં આવે છે. તે SG-I શ્વિત્રાદિલેપ નામના આયુર્વેદિક ઔષધનું મુખ્ય ઘટક છે અને પ્રાથમિક શ્વિત્ર (vitiligo) નામના ત્વચાના રોગ પર અસરકારક છે. દ્રવસંમર્દિત (macerated) પર્ણો અને રસ ઇલાયચી, લવિંગ અને તજ સાથે મિશ્રિત કરી તેની ગોળીઓ બનાવવામાં આવે છે અને નવજાત શિશુઓને પેટમાં ચૂંક આવે ત્યારે અથવા જઠરની અન્ય તકલીફોમાં આપવામાં આવે છે. પર્ણોનો કાઢો કે આસવ નબળાઈ અને અર્જીણ(dyspepsia)માં ઉપયોગી છે. પર્ણો અને મૂળ જ્વરહર, બલ્ય, ક્ષુધાપ્રેરક (stomachic), પિત્તરેચક (cholagogue) અને કૃમિહર (anthelmintic) છે. મૂળનું મધ્યાર્કયુક્ત દ્રાવણ (tincture) બલ્ય, ઉત્તેજક અને મૃદુરેચક (aperient) હોય છે.

કાલમેઘની કાર્યવિધિમાં ઉત્સેચકનું પ્રેરણ (induction) હોવાની સંભાવના છે. વનસ્પતિનો નિષ્કર્ષ Salmonella typhi સામે પ્રતિ-વિષમજ્વર (anti-typhoid) અને Helminthosporium sativum સામે પ્રતિફૂગ(anti-fungal)-પ્રક્રિયા દર્શાવે છે. લવણજળ અને ઈથરમાં બનાવેલા પ્રરોહના નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus સામે પ્રતિજૈવિક સક્રિયતા દાખવે છે અને તેનો સલ્ફ્યુરિક ઍસિડ, ઍસિટેટ બફર અને ઈથરમાંથી મેળવેલો નિષ્કર્ષ Escherichia coli સામે પ્રતિકાર કરે છે.

સમગ્ર વનસ્પતિના શુષ્ક નમૂનાના એક રાસાયણિક વિશ્લેષણ પ્રમાણે તે એન્ડ્રોગ્રેફોલાઇડ 0.6 %, 14-ડીઑક્સિ-11-ઑક્સોએન્ડ્રોગ્રૅફોલાઇડ (C20H28O5) 0.12 %, 14-ડીઑક્સિ-11, 12-ડાઇડીહાઇડ્રૉએન્ડ્રોગ્રૅફોલાઇડ (C20H30O4) 0.06 %, 14-ડીઑક્સિએન્ડ્રોગ્રૅફોલાઇડ (C20H30O4) 0.02 % અને કડવાશરહિત ઘટક, નિયૉએન્ડ્રો ગ્રૅફોલાઇડ (C26H40O8) 0.005 % ધરાવે છે. પર્ણોમાં એન્ડ્રોગ્રૅફોલાઇડ (1 %) હોય છે. પર્ણના પેટ્રોલિયમ ઈથરના નિષ્કર્ષમાંથી α, β-અસંતૃપ્ત લૅક્ટોન, હોમોએન્ડ્રોગ્રૅફોલાઇડ (C22H32O3), એન્ડ્રોગ્રૅફોસ્ટેરોલ (C23H38O), એન્ડ્રોગ્રૅફેન (C40H82), એન્ડ્રોગ્રૅફોન (C32H64O), મીણ અને હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા બે ઍસ્ટર અલગ કરવામાં આવ્યા છે.

મૂળ એપિજેનિન-7, 4′-ડાઇ-ઓ-મિથાઇલ ઈથર, એન્ડ્રોગ્રૅફોલાઇડ અને 5-હાઇડ્રૉક્સિ-7, 8, 2′, 3′-ટેટ્રામિથોક્સિફ્લેવૉન (C19H18O7, ઉત્પાદન, 0.006%), મૉનોહાઇડ્રૉક્સિટ્રાઇમિથાઇલફ્લેવૉન, એન્ડ્રોગ્રૅફિન (C18H16O6) અને ડાઇહાઇડ્રૉક્સિ-ડાઇમિથૉક્સિફ્લેવૉન, પેનિકોલિન (C17H14O6) અને α-સિટોસ્ટેરોલ ધરાવે છે.

Andrographis echioides Nees (ગુ. કાળું કરિયાતું; હિં. બિરકુબેત; મ. બંચિમની; મલા., તા. ગોપુરમ્ થાંગી) ટટ્ટાર, રોમિલ, 60 સેમી. સુધીની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેનાં પર્ણો લંબચોરસ અથવા ઉપવલયાકાર અને કુંઠાગ્ર (obtuse) હોય છે. પુષ્પો અસંખ્ય, ગુલાબી કે સફેદ દલપુંજમાં નીચેના ઓષ્ઠ પર ઘેરા જાંબલી ટપકાંવાળાં હોય છે અને કક્ષીય કલગી(raceme)માં ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, રોમિલ અને બહુબીજમય હોય છે. આ જાતિ ઉષ્ણકટિબંધીય ભારતના શુષ્ક પ્રદેશોમાં થાય છે. તેના ઔષધ-ગુણધર્મો કાલમેઘ જેવા જ હોય છે. તે ઇકિયોઇડિનિન (0.017 %) અને ઇકિયોઇડિન ધરાવે છે.

A. serpyllifolia wight તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં 900 મી.ની ઊંચાઈ સુધી થાય છે. A. wightiana Arn. ex Nees કેરળ તામિલનાડુ અને કર્ણાટકમાં 750 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ