કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક મુશ્કેલી પડેલી પણ આ સંઘર્ષનો તેમણે મક્કમતાપૂર્વક સામનો કર્યો. પિતાની ઇચ્છા દીકરો ભણીને પ્રેસ્બિટેરિયન ચર્ચનો પાદરી થાય એવી હતી. તેથી ટૉમસને એડિનબરો યુનિવર્સિટીમાં ભણવા મૂકેલો પરંતુ ત્યાં કંઈક જુદો જ ઘાટ ઘડાયો.

ટૉમસ કાર્લાઇલ

1821માં કાર્લાઇલે જર્મન ભાષા-સાહિત્યનો અભ્યાસ આદર્યો. તેમણે અનુવાદ અને વિવેચનનું કામ એવી લગનથી કર્યું કે જર્મની સાથે સહજ અનુબંધ રચાઈ ગયો. શીલરનો આદર્શવાદ, નોવાલિસનો રહસ્યવાદ તથા ઝ્યા પૉલ રિશ્ટરનો વિનોદ તેમને પૂરેપૂરા સ્પર્શી ગયા હતા છતાં મનમાં મહત્તા તો ગટેની જ વસી હતી. તેમણે લખેલું શીલરનું જીવનચરિત્ર 1823-24માં ‘લંડન મૅગેઝિન’માં અને 1825માં સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ થયું. ગટેરચિત ‘વિલ્હેમ મેઇસ્ટર’સ એપ્રેન્ટિસશિપ’ તથા ‘વિલ્હેમ મેઇસ્ટર’સ ટ્રાવેલ્સ’ના કાર્લાઇલે કરેલા અનુવાદ અનુક્રમે 1824 તથા 1827માં પ્રગટ થયા. 1833-34માં ‘સાર્ટર રેસાર્ટસ’ ‘ફેઝર’સ મૅગેઝિન’માં પ્રગટ થયું. જર્મન તત્વજ્ઞાન તથા સાહિત્યની તેમણે ઝીલેલી ઊંડી અસર આ પ્રખ્યાત કૃતિમાં પૂરેપૂરી વ્યક્ત થઈ છે. આત્મકથા અને જર્મન તત્વજ્ઞાનનું એમાં મિશ્રણ થયું છે. સેતાન પ્રત્યે તિરસ્કાર છે પણ ઈશ્વર પ્રત્યેના અનુરાગનું વિધાયક સ્વરૂપ એમાં પ્રગટ્યું નથી. તેમ છતાં વ્યંગ્યરચિત શૈલી અને કાવ્યાત્મક ગદ્ય જેવાં કાર્લાઇલની શૈલીનાં મુખ્ય લક્ષણો તેમાં જોવા મળે છે. 1834માં તેમની મહત્વાકાંક્ષી કૃતિ ‘ધ હિસ્ટરી ઑવ્ ફ્રેન્ચ રેવોલ્યૂશન’નો તેમણે પ્રારંભ કર્યો અને 1837માં તે ગ્રંથ પ્રગટ થયો. આ ગ્રંથના પ્રથમ ભાગની હસ્તપ્રત જે. એસ. મિલને જોવા આપી હતી ત્યારે આકસ્મિક રીતે તે અગ્નિમાં હોમાઈ ગયેલ હતી. પરંતુ અસામાન્ય ધૈર્ય અને ખંતથી કાર્લાઇલે એ હસ્તપ્રત ફરીથી લખીને તૈયાર કરી. આ મહાગ્રંથથી તેમને અપાર પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ મળ્યાં. ખુદ કાર્લાઇલે પણ આવી સફળતાની ધારણા રાખી ન હતી.

આ જ રીતે ‘ચાર્ટિઝમ’ (1839), ‘હીરોઝ ઍન્ડ હીરોવર્શિપ’ (1841), ‘પાસ્ટ ઍન્ડ પ્રેઝન્ટ’ (1843), ‘ઑલિવર ક્રૉમવેલ્સ લેટર્સ ઍન્ડ સ્પીચિઝ’ (1845), ‘લૅટર-ડે પૅમ્ફલેટ્સ’ (1850) અને ચૌદ વર્ષના પરિશ્રમ પછી તૈયાર થયેલી ફ્રેડરિકની (1858થી ’65 દરમિયાન 6 ગ્રંથોરૂપે પ્રગટ થયેલી) સુદીર્ઘ જીવનકથા જેવી તમામ રચનાઓમાં એક જ ઉન્મેષ અને એકસરખું વિચારબીજ ધબકતાં જોવા મળે છે. નિબંધોમાં કટાક્ષકાર તથા તત્વદ્રષ્ટા તરીકેના તેમના સામર્થ્યની પ્રતીતિ થાય છે. અનિષ્ટોને કાર્લાઇલ ઝનૂનથી વખોડે છે. ભૌતિકવાદ, ઉપયોગિતાવાદ તથા ધનવૈભવના વ્યામોહના પ્રવાહ સામે તેમણે પુણ્યપ્રકોપ ઠાલવ્યો છે. તેમની શ્રદ્ધા લોકસમૂહમાં નહિ, પણ વિભૂતિઓ (heroes) પર ઠરેલી છે અને તેથી બલિષ્ઠ એ જ ઇષ્ટ એવું સમીકરણ તારવતાં કાર્લાઇલ ખચકાતા નથી.

1826માં તેમણે જેન વેલ્શ સાથે લગ્ન કર્યું હતું અને 1866માં પત્નીનું અવસાન થતાં પોતાનું આયખું ખંડિત બની ગયું એવો એમનો પોતાનો એકરાર છે. એ હૃદયવિદારક ઘા પડ્યા પછી તેમની કલમમાંથી કોઈ ગણનાપાત્ર કૃતિ સર્જાઈ નહિ. પરંતુ પોતાનાં વિલક્ષણ સર્જનો વડે યુગસમસ્તના આત્માને આંદોલિત કરતો કાર્લાઇલનો બળવાન અવાજ ઓગણીસમી સદીના લેખકોમાં નોખો તરી આવે છે.

જયન્ત પંડ્યા

મુગટલાલ પોપટલાલ બાવીસી