કાર્દૂચી, જૉઝૂએ (જ. 27 જુલાઈ 1835, વાલ દિ કાસ્તેલ્લો, પિસા નજીક, ડચી ઑવ્ લુક્કા, ઇટાલી; અ. 16 ફેબ્રુઆરી 1907, બોલોના, ઇટાલી) : ઇટાલિયન કવિ. 1906ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા ડૉ. માઇકેલ કાર્દૂચી ડૉક્ટર અને ઇટાલીની એકતા માટેના છૂપા રાજકીય સંગઠનના સભ્ય હતા. માતા બુદ્ધિશાળી અને આધુનિક વિચારમાં સન્નારી હતાં. દક્ષિણ ટસ્કની પ્રાંતના મારેમ્માના વેરાન પ્રદેશમાં તેમનું બાળપણ વીત્યું. પિતાએ લૅટિન ભાષા અને સાહિત્યના સંસ્કાર અને રુચિ જૉઝૂએમાં રેડ્યાં. આ અરસામાં હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’ અને વર્જિલના ‘ઇનિડ’; ટૅસોના ‘જેરૂસલેમ’, રોલ્લિનના રોમના ઇતિહાસ અને થિયરના ફ્રાન્સની રાજ્યક્રાન્તિ પરના વિચારો વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. તે સમય રાજકીય તણાવનો હતો. વિસંવાદિતા અને દમનના દિવસોમાં કવિની આગ ઝરતી કલ્પનાએ પ્રાચીન સ્વાતંત્ર્ય અને ઇટાલીની એકતાને આત્મસાત્ કર્યાં હતાં. ભાઈબહેનો અને મિત્રો સાથે ઘરઆંગણે રમાતી રમતોમાં જૉઝૂએ ક્રાન્તિની રમતો ગોઠવતા. આમાં એકમેક વચ્ચે તડાફડી થતી. ક્રાન્તિ અને આંતરયુદ્ધ રોજબરોજની ઘટના હતી. જૉઝૂએ પોતાના કાલ્પનિક સીઝર પર પથ્થરો ફેંકતાં અચકાતા નહિ. પ્રજાસત્તાક તંત્રના રક્ષણ માટે પોતાની ટોળી સીઝરને ભગાડતી; પરંતુ બીજે દિવસે પેલો સીઝર નાના દેશદાઝવાળા નાયક જૉઝૂએને દબડાવવામાં પાછી પાની કરતો નહિ. માતૃભૂમિ માટેના આ સંસ્કાર કવિમાં જીવનભર રહ્યા હતા.

જૉઝૂએ કાર્દૂચી

1849માં પરિવાર સાથે જૉઝૂએ ફ્લૉરેન્સમાં ગયા અને ત્યાંની શાળામાં અભ્યાસ કરવા લાગ્યા. અભ્યાસક્રમ ઉપરાંત અહીં તેઓ લિયૉપાર્દી, શિલર અને બાયરનની કવિતા વાંચતા. કટાક્ષથી ભરપૂર સૉનેટ તેમણે લખ્યાં. પાછળથી પિઝાની સ્કુઓલા નૉર્મેલ સુપિરિયરમાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. સાન મિનિઆતોમાં તેઓ વક્તૃત્વકલાના શિક્ષક બન્યા. જોકે તેમના ક્રાન્તિકારી વિચારોને લીધે સરકારી તંત્રે તેમને પ્રાથમિક શાળાના શિક્ષકપદેથી પદભ્રષ્ટ કર્યા હતા. પિસ્તોઈઆના લાઇસિયમમાં તેઓ ગ્રીક ભાષા ભણાવતા હતા. છેવટે યુનિવર્સિટી ઑવ્ બોલૉનામાં પ્રાધ્યાપક તરીકે તેમણે લાંબા સમય સુધી કાર્ય કરેલું. ઇટાલીના કેટલાક સાહિત્યકારો સાથે તેમને અણબનાવ થયેલો. બોલોનામાં પ્રાધ્યાપકપદેથી તેમને કામચલાઉ દૂર કરવામાં આવેલા. તેમના ભાઈ દાન્તેએ આપઘાત કરેલો. જોકે આ કપરા સમયમાં તેમની પત્ની સહિત પરિવારે ભારે દિલાસો પાઠવીને કવિને ટકાવી રાખેલા.

જૉઝૂએ જીવનભર ઇટાલીના સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે ઝૂઝતા દેશભક્ત રહેલા. ઇટાલીની નવી સરકારે તેમને નિર્ભ્રાન્ત કરેલા અને નવું ઇટાલી તેમના સ્વપ્નનું ઇટાલી ન હોવાં છતાં ઇટાલીનું પવિત્ર સ્વાતંત્ર્ય વિજયી બન્યું હતું તેનો તેમને વિશેષ રાજીપો હતો.

‘જુવેનિલિયા’ (1863) યુવાનીનું સર્જન છે. એમાં કવિએ ફૉબસ અપોલો અને ડિયાના ટ્રિવિયાની સ્તુતિ તો કરી જ છે પણ સાદ્યંત દેશદાઝથી ભરપૂર અભિવ્યક્તિની સાથે કૅથલિક ચર્ચ અને પોપની સત્તા સામે ભયંકર ધિક્કારની લાગણી પણ વ્યક્ત કરી છે. તેમાંનાં ગીતોમાં રોમની પ્રાચીન ભવ્યતા, ફ્રાન્સની રાજ્યક્રાન્તિનાં પ્રતીકો અને ગેરિબાલ્ડી અને મેઝિનીની ભવ્યગાથાઓ રજૂ થયાં છે. જોકે ઇટાલીની સાંપ્રત દશા જોઈ તેમણે નિરાશાના નૈમિષારણ્યમાં ભ્રમણ કર્યું છે. ઇટાલીની એકતા માટે ઝૂઝતા રાજવી વિક્ટર ઇમેન્યુયેલનાં યશોગાન ગાતું ગીત તેમણે પણ રચ્યું છે. સૉનેટકાવ્ય ‘મેગેન્તા’ અને ‘ઇલ પ્લેબિસિતો’માં વિક્ટરની પ્રશંસા કરી છે. ‘સેવોય ક્રૉસ’નું કાવ્ય કદાચ આ સંગ્રહનું ઉત્તમ કાવ્ય છે.

‘લેવિયા ગ્રેવિયા’ (1668) (‘લાઇટ ઍન્ડ હેવી’)માં ‘પોયેટ્સ ઑવ્ ધ વ્હાઇટ પાર્ટી’ જેવાં કાવ્યોમાં અતીત અને સાંપ્રતની ઘટનાઓને વણી લીધી છે. ‘રાઇમ નુવે’ (1877) (‘ન્યૂ રાઇમ્સ’), ‘ઑડી બાર્બેર’ (1877-79) (‘ધ બાર્બેરિયન ઑડ્ઝ’) નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. પહેલામાં ‘અલા રિમા’ (‘ટૂ રાઇમ’) સંગીતબદ્ધ કાવ્ય છે.

રાજકારણની શેહશરમમાં તણાઈ જઈને લોકસ્વાતંત્ર્યના આ મહાન કવિએ ‘ટુ ધ ક્વીન ઑવ્ ઇટાલી’ અને ‘લ્યુટ ઍન્ડ લાયર’ જેવાં ભલી રાણી અને રાજકુમારીને ઉદ્દેશીને કાવ્યો રચવામાં કદાપિ નાનમ અનુભવી નથી.

જૉઝૂએને ઇટાલીની સરકારે સેનેટર બનાવેલા અને તેમને જીવનપર્યન્ત પેન્શન બાંધી આપેલું. નાદુરસ્ત તબિયતને લીધે કવિ ‘નોબેલ પારિતોષિક’ સ્વીકારવા માટે સ્ટૉકહોમમાં હાજર રહી શક્યા ન હતા.

જી. એલ. બિકરસ્ટેથે તેમનાં કાવ્યોનો અનુવાદ અંગ્રેજીમાં 1913માં કર્યો છે.

યોગેશ જોશી

વિ. પ્ર. ત્રિવેદી