કાર્નેગી, ઍન્ડ્રુ (જ. 25 નવેમ્બર 1835, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ; અ. 11 ઑગસ્ટ 1919, લેનોકસ, યુ.એસ.) : પુરુષાર્થી ઉદ્યોગપતિ અને દાનવીર. 1848માં સ્કૉટલૅન્ડ છોડી કુટુંબ સાથે અમેરિકા આવ્યા અને એલેઘેની(પેન્સિલવેનિયા)માં સ્થાયી થયા. સામાન્ય કેળવણીને કારણે જીવનની શરૂઆત જિન, તાર-ઑફિસમાં મામૂલી નોકરીથી કરી. 1859માં પેન્સિલવેનિયા રેલવેમાં પશ્ર્ચિમ વિભાગના વડા બન્યા. સ્લીપર-કોચની

ઍન્ડ્રુ કાર્નેગી

વ્યવસ્થા સૌપ્રથમ તેમણે કરી. ઉદ્યોગીકરણને કારણે લોખંડ અને પોલાદની માગ વધશે તે બાબત ખ્યાલમાં રાખીને તેમણે આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. 1888માં કોલસા અને લોખંડની ખાણો સહિત લોખંડનું વિશાળ કારખાનું, 680 કિમી. રેલવે અને સરોવરમાં ચાલતી સ્ટીમરોની હારમાળા ઉપર તેમણે અધિકાર જમાવ્યો. 1901માં તેમણે આ બધા ઉદ્યોગોને યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટીલ કૉર્પોરેશન તરીકે એકત્ર કરીને જીવનનાં બાકીનાં વર્ષો મિલકતના સદુપયોગ માટે સમર્પ્યાં. ‘ગૉસ્પેલ ઑવ્ વેલ્થ’ના તેમના નિબંધમાં તેમણે લખ્યું છે : ‘શ્રીમંત વ્યક્તિએ વધારાની મિલકત સમાજના કલ્યાણમાં વાપરવી જોઈએ.’ આ બાબત તેમણે અક્ષરશ: પાળી બતાવી. વિવિધ સંસ્થાઓ, પુસ્તકાલયો વગેરેને તેમણે કુલ 35 કરોડ ડૉલરનું દાન કર્યું. એમણે સ્થાપેલી સંસ્થાઓમાં કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પિટ્સબર્ગ, કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વૉશિંગ્ટન, (ઓછી ખેડાયેલ જ્ઞાનવિજ્ઞાનની શાખાઓમાં સંશોધન-મદદ માટે) કાર્નેગી ફાઉન્ડેશન ફૉર એડવાન્સમેન્ટ ઑવ્ ટીચિંગ, કાર્નેગી એન્ડાઉમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસ અને કાર્નેગી કૉર્પોરેશન ઑવ્ ન્યૂયૉર્ક જેવી સંસ્થાઓ મુખ્ય છે. તેમણે સંગીતના કાર્યક્રમો માટે કાર્નેગી હૉલની સ્થાપના કરી હતી.

વાસુદેવ યાજ્ઞિક