કાર્દમક વંશ (ઈ.સ.ની 1લી સદીથી ચોથી સદી) : પશ્ચિમ ભારતનાં ક્ષત્રપ કુળોમાંનું એક. કન્હેરી ગુફાના એક લેખમાં રુદ્ર(દામા)ની પુત્રી પોતે કાર્દમક વંશની હોવાનું જણાવે છે. ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્રની ટીકામાં પારસિક(ઈરાન)માં આવેલી કર્દમા નદીમાં ઉત્પન્ન થતાં કાર્દમિક મોતીની નોંધ છે. કલ્હણની ‘રાજતરંગિણી’માં કર્દમરાજનો ઉલ્લેખ છે. મહાભારતના વિરાટપર્વમાં કર્દમિલ નામના સ્થળનો નિર્દેશ છે. બીજા એક મત મુજબ સિદ્ધપુર પ્રદેશ પૂર્વકાળમાં કર્દમ તરીકે જાણીતો હતો, કારણ કે કર્દમ ઋષિનો અહીં આશ્રમ હતો. રામાયણના ઉત્તરકાંડમાં એક રાજવંશને કાર્દમેય કે કાર્દમ નામે ઓળખાવ્યો છે.

આ બધા નિર્દેશો વ્યક્તિવિશેષ અને સ્થળવિશેષના છે, જેને આધારે વિવિધ વિદ્વાનો ક્ષહરાત વંશ પછીના પશ્ચિમી ક્ષત્રપોના કુળને કાર્દમક વંશ તરીકે ઓળખાવે છે. પરંતુ આ બધી અટકળો છે અને સમયની ર્દષ્ટિએ મળતા સાહિત્યિક નિર્દેશો દૂરના છે. આથી આ કુળને કાર્દમક વંશ કહેવા સારુ વધુ સીધા પુરાવા ન મળે ત્યાં સુધી આ રાજાઓમાંના સૌપ્રથમ રાજા ચાષ્ટનના નામ ઉપરથી ‘ચાષ્ટન વંશ’ના રાજાઓ તરીકે ઓળખાવવાની પદ્ધતિ વધારે સરળ અને ભારતીય ઇતિહાસની પરંપરાની દ્યોતક છે.

કાર્દમક રાજવંશના પશ્ચિમ ક્ષત્રપોના ઈ. સ. 78થી 304 દરમિયાન વીસ રાજાઓએ સંયુક્ત રાજપ્રથાથી રાજ્ય કરેલું એમ એમના સિક્કાઓ અને પંદર શિલાલેખોથી સૂચવાયું છે. ટસામોતિક આ રાજકુળનો પ્રથમ જ્ઞાત પુરુષ હતો. છેલ્લો જ્ઞાત રાજવી વિશ્વસેન હતો. ચાષ્ટન પરાક્રમી રાજા અને રુદ્રદામા પહેલા ઉદારચરિત રાજવી હતા. ચાષ્ટન આ રાજકુળનો પ્રથમ રાજવી હોઈ આ કુળ ચાષ્ટન રાજવંશ તરીકે ઓળખાય તે સ્વાભાવિક છે.

સિક્કાઓ-શિલાલેખોના આધારે આ રાજ્યનો વિસ્તાર પૂર્વમાં અનૂપથી પશ્ચિમમાં સમુદ્રતટ સુધી, ઉત્તરમાં પુષ્કરથી દક્ષિણમાં નર્મદાતટ પર્યંત હતો. રાજધાની ઉજ્જૈન હતી.

રસેશ જમીનદાર