કાર્થેજ : ઉત્તર આફ્રિકાનું ભૂમધ્ય સમુદ્રકિનારે ટ્યૂનિસ નજીક આવેલું પ્રાચીન ફિનિશિયન વાણિજ્યકેન્દ્ર અને બંદર. પશ્ચિમ એશિયાના ટાયર શહેરના ફિનિશિયન લોકોએ આ શહેરની ઈ. પૂ. 814 કે 813માં સ્થાપના કરી હતી એમ મનાય છે, પણ પુરાવશેષ ઉપરથી આ શહેર ઈ. પૂ. 750થી વધારે પ્રાચીન જણાતું નથી. પશ્ચિમ ભૂમધ્ય કિનારાના આફ્રિકાના દેશો અને સ્પેન સાથે વેપાર ખેડવા માટે આ મધ્યસ્થ સ્થળની ફિનિશિયનોએ પસંદગી કરી હતી. ફિનિશિયન ભાષામાં તેનું નામ Kart-Hadasht છે, જેનો અર્થ ‘નવું શહેર’ થાય છે. ગ્રીકો તેને ‘કરચેડોન’ તરીકે અને રોમનો તેને ‘કાર્થેગો’ તરીકે ઓળખતા હતા. ટાયરના રાજાની બહેન ડીડો તેના પતિનું ખૂન થતાં અહીં આવી પ્રથમ શાસનકર્તા બની હતી.

કાર્થેજ

ઇજિપ્ત, ક્રીટ અને માઇનેસિયન ગ્રીકો વચ્ચેની હરીફાઈને કારણે કાર્થેજનો ઉદય થયો હતો. કાર્થેજવાસી કુશળ વેપારી અને વહાણવટીઓ હતા. પશ્ચિમ ભૂમધ્ય સમુદ્ર તથા આટલાન્ટિક મહાસાગરના કિનારાના આફ્રિકન અને યુરોપી દેશોનું તેમને સારું જ્ઞાન હતું. તેઓ ગાલીચા, ભરતકામવાળું કાપડ, જાંબુડી રંગ, ઝવેરાત, માટીનાં વાસણો અને ચામડાંની બનાવટોના વિનિમય દ્વારા સોનું, રૂપું અને કલાઈ મેળવતા હતા. ઈ. પૂ. 580 પછી સિસિલીમાં કાર્થેજે તેનાં થાણાં સ્થાપ્યાં અને ગ્રીકોનો સામનો કર્યો અને સાર્ડિનિયા પણ કબજે કર્યું. ઈ. પૂ. 540 પછી પ્રથમ એટ્રુસ્કન લોકો અને પછી રોમન લોકો સાથે તેમનો મૈત્રીભર્યો સંબંધ બંધાયો. રોમનોએ મેસિનાની સામુદ્રધુની સુધીનો પ્રદેશ કબજે કરતાં અને કાર્થેજવાસીઓએ સિસિલીનું મેસિના શહેર કબજે કરતાં તેમની સાથે ઘર્ષણ થયું અને ઈ. પૂ. 267 પછી પ્રથમ પ્યૂનિક વિગ્રહ થયો. કાર્થેજવાસીઓની વસ્તી થોડી હોવાથી તેમણે ભાડૂતી સૈનિકોની ભરતી કરી હતી. ઉત્તર આફ્રિકાનો સિરેનેથી જિબ્રાલ્ટર સુધીનો અને સ્પેનનો કેટલોક પ્રદેશ કાર્થેજવાસીઓએ કબજે કર્યો હતો. રોમ સાથે ઈ. પૂ. 218માં બીજી વખત યુદ્ધ થયું. મહાન હૅનિબાલે હાથીઓ સાથે મોટું લશ્કર યુરોપની ભૂમિ પર ઉતાર્યું પણ રોમનો સાથેના યુદ્ધમાં હાર થતાં તેમને સ્પેન છોડવું પડ્યું. કાર્થેજે મહાસત્તા તરીકે તેનું સ્થાન ગુમાવ્યું પણ તેની આર્થિક ઉન્નતિ ચાલુ રહી હતી. આ કારણે રોમનોને તેમનો ભય સતત સતાવતો હતો અને તેમણે ત્રીજી વખત ઈ. પૂ. 147માં યુદ્ધ જાહેર કરી ઈ. પૂ. 146માં તેનો સંપૂર્ણ નાશ કર્યો.

ઈ. પૂ. 122માં રોમનોએ જૂના શહેરના સ્થળે નવું કાર્થેજ વસાવ્યું અને જુલિયસ અને ઑગસ્ટસ સીઝરના સમયમાં તે ફરી સમૃદ્ધ થયું અને રોમ પછીના બીજા નંબરના સમૃદ્ધ શહેર તરીકે તેની ગણના થતી હતી.

ઈસુના બીજા સૈકા દરમિયાન વિદ્યાકેન્દ્ર તથા ખ્રિસ્તી ધર્મના મહત્વના કેન્દ્ર તરીકે તેની ગણના થતી હતી. અહીં ઘણા વિદ્વાનો અને પ્રખ્યાત ધર્મગુરુઓ થઈ ગયા હતા. ઈ. સ. 439માં તે આફ્રિકાના વાન્ડાલોના કબજા નીચેના પ્રદેશની રાજધાનીનું શહેર અને ખ્રિસ્તી ધર્મનું મજબૂત કેન્દ્ર હતું. ઈ. સ. 697-698માં મુસલમાન આરબ આક્રમણકારોએ આ શહેરનો સંપૂર્ણ નાશ કર્યો.

કાર્થેજ બંદર  અવશેષોના રૂપમાં

શહેર ફરતો રોમનોએ કોટ બાંધેલ હતો અને અંદર ભવ્ય મહાલયો હતાં. તેનો 35-36 કિમી.નો ઘેરાવો હતો. બંદરની સાંકડી નાળમાં 200 જેટલાં વહાણોનું સમારકામ થઈ શકે તેવું તેનું બારું હતું. બગીચા, ઉદ્યાનો, મંદિરો અને સુંદર મકાનોથી તે શોભતું હતું.

શાસનકર્તા રાજવી વંશપરંપરાગત આ પદ ધારણ કરતો હતો. પાછળથી રાજાની વરણી કરવામાં આવતી હતી. અમીરોની બનેલી સેનેટ અને સામાન્ય લોકોની બનેલી સભા રાજ્યનો વહીવટ સંભાળતી હતી. ઈ.સ.ની ત્રીજી સદી પછી રાજાને દૂર કરી બે મૅજિસ્ટ્રેટો નીમવાની પ્રથા શરૂ થઈ હતી. ફોરમ અને સેનેટ ન્યાય ચૂકવવાનું કામ સંભાળતાં હતાં.

શિવપ્રસાદ રાજગોર