કાર્તવીર્ય સહસ્રાર્જુન : પૌરાણિક પરંપરા અનુસાર હૈહય રાજવંશી કૃતવીર્યનો પુત્ર અર્જુન. તે ચક્રવર્તી સમ્રાટ હતો. દત્તાત્રેયની સેવા કરીને હજાર હાથ મેળવ્યા તેથી તે ‘સહસ્રાર્જુન’ નામે ઓળખાયો. તેની રાજધાની માહિષ્મતી (મધ્યપ્રદેશનું ચુલી માહેશ્વર કે માંધાતા ટાપુ) હતી. નર્મદા અને સમીપના સાગરપ્રદેશ પર કાર્તવીર્ય અર્જુનનું વર્ચસ્ હતું. એ જ પ્રદેશમાં ભૃગુકુળના ઋષિઓનો પણ વસવાટ હતો. પાતાલ પ્રદેશના અસુર અને નાગલોકો પર પણ સમ્રાટનો પ્રભાવ હતો. તેણે કર્કોટક નાગ પ્રજા પર શાસન જમાવ્યું. લંકાના રાવણને અર્જુને વશ કર્યો. રાજાનો સંઘર્ષ ભૃગુકુળના રાજા જામદગ્ન્ય (પરશુરામ) સાથે થયો, જે સહસ્રાર્જુન માટે વિધ્વંસકારી નીવડ્યો. અનુશ્રુતિ પ્રમાણે અગ્નિદેવની વિનંતીથી કાર્તવીર્યે વન તથા વસ્તીમાં આગ લગાડી; તેમાં વસિષ્ઠનો આશ્રમ પણ ભસ્મીભૂત થયો. એથી વસિષ્ઠ ઋષિએ સહસ્રાર્જુનને શાપ આપ્યો કે રામ જામદગ્ન્ય તેના હજાર હાથ સમરાંગણમાં કાપશે. ભૃગુકચ્છના ભૃગુઓ અને નર્મદાના અધિપતિ અને સાગરસમ્રાટ સહસ્રાર્જુન વચ્ચે સંઘર્ષ થયો અને રાજા પરશુરામે સહસ્રાર્જુનનો વધ કર્યો.
સુમના શાહ