કાર્ડેમમ ટેકરીઓ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પાલઘાટની દક્ષિણે આવેલી એલચીના વાવેતર અને ઉત્પાદન માટે જાણીતી ટેકરીઓની હારમાળા. તે પશ્ચિમ ઘાટનો ભાગ છે તથા કેરળ અને તમિલનાડુ રાજ્યો વચ્ચેની સરહદે આવેલી છે. પાલઘાટથી કેપ કોમોરિનથી થોડે દૂર સુધી તેની લંબાઈ 280 કિમી. છે; પાલઘાટ પછીથી કન્યાકુમારી સુધીની ટેકરીઓ કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખાય છે એટલે કે કમ્બમ નદીખીણથી દક્ષિણનો ભાગ આવરી લે છે. દક્ષિણ છેડા તરફની પહોળાઈ 32 કિમી. અને ઉત્તર છેડાની પહોળાઈ 136 કિમી. છે. અન્નામલાઈ ટેકરીઓ તેની પશ્ચિમી શાખા અને પાલની ટેકરીઓ તેની પૂર્વીય શાખા બને છે. એર્નાકુલમ અને કોટ્ટયમ જિલ્લાઓમાં વાયવ્યથી અગ્નિકોણ સુધી તે વિસ્તરેલી છે. તેની સરેરાશ ઊંચાઈ 900થી 1000 મી. છે; પણ પૂર્વ તરફનાં કેટલાંક શિખરો 1370 મી. ઊંચાં છે. સૌથી ઊંચું આસીમુડી શિખર 2658 મી. ઊંચું છે. ઇલાયચી ઉપરાંત અહીં ચા, કૉફી, સાગ અને વાંસ પણ થાય છે. દક્ષિણની ગિરિમાળા વચ્ચે આવેલા શેનકોટાહ ઘાટમાંથી ક્વિલોન અને પશ્ચિમ કિનારાને તિરુચેન્ડુર તથા તુતીકોરિનને જોડતા સડકમાર્ગ તથા રેલમાર્ગ પસાર થાય છે તેમજ પશ્ચિમ ઘાટને કોરતો કોંકણ રેલમાર્ગ પણ અહીંથી પસાર થાય છે. આ ટેકરીઓને કારણે થોડા કિમી.ને અંતરે આવેલાં સ્થળોનાં તાપમાન અને વરસાદમાં તફાવત પડી જાય છે. આ ટેકરીઓમાંથી નીકળતી મુખ્ય નદી પેરિયાર ઉપરના બંધથી તમિલનાડુના સૂકા પ્રદેશને સિંચાઈ માટે પાણી મળે છે અને ઉદ્યોગોને જળવિદ્યુત પ્રાપ્ત થાય છે.

શિવપ્રસાદ રાજગોર