કારા સમુદ્ર

January, 2006

કારા સમુદ્ર : યુરોપીય રશિયા અને એશિયા ખંડના સાઇબીરિયાના પ્રદેશની ઉત્તરે આવેલા આર્ક્ટિક સમુદ્રના ભાગરૂપ બંને ખંડોને જોડતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 760 00’ ઉ. અ. અને 800 00’ પૂ. રે.. નોવાયા ઝેમલ્યા, ફ્રાન્ટસા જોસીફા અને સવેરનાયા ઝેમલ્યા ટાપુઓ વચ્ચે આ સમુદ્ર આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 8,88,000 ચોકિમી., લંબાઈ 480 કિમી. અને પહોળાઈ 320 કિમી.. મહત્તમ ઊંડાઈ 620 મીટર. ઓબ અને યેનેસી નદીઓ આ સમુદ્રને મળે છે. ઉનાળામાં માત્ર બે મહિના માટે યેનેસી નદી ઉપયોગમાં લેવાય છે. આ સમુદ્રમાં ધુમ્મસ, તોફાનો થતાં હોવાથી તથા બરફ થીજી જતો હોવાથી વહાણવટા માટે તે બિનસલામત છે. આ સમુદ્રકાંઠે ડીસન અને નોવી બંદરો આવેલાં છે. વહેલ અને સીલ માછલીઓ પકડનારાઓની હોડીઓ આઇસબ્રેકરનો ઉપયોગ કરીને કામ કરી શકે છે.

શિવપ્રસાદ રાજગોર