કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા

January, 2006

કારાવાજિયો, માઇકૅલેન્જેલો મેરિસી દા (જ. 28 સપ્ટેમ્બર 1573, કારાવાજિયો, વેનિસ નજીક, ઇટાલી; અ. 18 જુલાઈ 1610, પોર્તેકોલે, તુસ્કની, ઇટાલી) : અંધારાથી ભરપૂર, અત્યંત ગમગીન, ભેંકાર અને નાટ્યાત્મક ધાર્મિક ચિત્રો ચીતરવા માટે જાણીતો ઇટાલિયન બરોક-ચિત્રકાર. હકીકતમાં આ પ્રકારનાં ચિત્રો ચીતરવાની શરૂઆત તેણે કરી હોવાથી અને પછીથી ગ્વેર્ચિનો, એલ ગ્રેકો, રેમ્બ્રાં આદિએ તેનું અનુસરણ કર્યું હોવાથી તે બરોક-ચિત્રકલાનો પ્રણેતા ગણાય છે. સમગ્ર યુરોપિયન ચિત્રકલામાં તે સૌથી વધુ મૌલિક તેમજ વિવાદાસ્પદ સર્જક ગણાયો છે.

ઉત્તર ઇટાલીના જે નાનકડા નગરમાં તે જન્મ્યો તે નગરનું નામ ‘કારવાજિયો’ જ તેનું પોતાનું નામ પણ બની રહ્યું. કારવાજિયો નગરના સ્થપતિ ફેર્મો મેરિસીનો તે પુત્ર હતો. જન્મસમયે નામ ‘માઇકેલૅન્જેલો’ પાડવામાં આવેલું. અગિયાર વરસની ઉંમરે કારાવાજિયોએ અનાથ થઈ જતાં મિલાનના ચિત્રકાર સિમોની પેતેર્ઝાનો હેઠળ ચિત્રકલાની તાલીમ લેવી શરૂ કરી. આ તાલીમ પૂરી કરીને તે આશરે 1590માં રોમ ગયો. રોમમાં શરૂઆતમાં જોરદાર પ્રકાશ અને છાયાથી આલેખિત આત્મચિત્રોની શ્રેણી ચીતરી. રેનેસાંસ-કલાના છેલ્લા તબક્કા ‘મૅનેરિઝમ’ પ્રત્યે તેને પહેલેથી જ ચીડ હોય તેવું જણાય છે; કારણ કે મૅનેરિઝમ-કલાપ્રવાહમાં જે આદર્શીકૃત સૌંદર્ય ધરાવતા ચહેરા નજરે પડે છે તેને સ્થાને કારાવાજિયોએ પોતાની આસપાસના માહોલમાંથી દેખાવમાં સાવ સામાન્ય અને ઘણી વાર તો કદરૂપા એવા મૉડેલ પસંદ કરવાં શરૂ કર્યાં. કલાના ભવ્ય ભૂતકાળ અને પુરોગામી લગભગ બધા જ મહાન કલાકારો તરફનો પોતાનો તિરસ્કાર તેણે છૂપો રાખેલો નહિ. રોમ આવી શરૂઆતમાં તો તેણે જુદા જુદા પ્રતિષ્ઠિત ચિત્રકારોના સ્ટુડિયોમાં મદદનીશ તરીકે જોડાવું શરૂ કર્યું, પણ ક્યાંય તે થોડા મહિનાથી વધુ ટકી શક્યો નહિ. છૂટક-ફૂટકળ કામ વડે તેણે ગુજારો કર્યો. આખરે પોપના માનીતા કાર્ડિનલ ફ્રાન્સેસ્કો દેલ મૉન્તેની નજરમાં તે વસી ગયો. દેલ મૉન્તેએ પોતાના ઘરમાં જ તેની ખાવા-પીવાથી રહેવાની મફત સગવડ કરી આપી. અત્યાર સુધીમાં કારવાજિયોએ રોમમાં ચીતરેલાં ચાળીસ કૅન્વાસથી દેલ મૉન્તે પ્રભાવિત થયો હતો. તેમાં પ્રકાશ અને છાયા ઉપરાંત માનવ-લાગણીઓનું પણ જબરદસ્ત-બળૂકું આલેખન હતું. પ્રકાશ અને છાયાનું તેણે કરેલું આલેખન સહેજ પણ પ્રાકૃતિક નથી, ઊલટું, તે અંધારા રંગમંચ પર અમુક પાત્રો પર પડતા સ્પૉટલાઇટ જેવું અદ્દલ જણાય છે, અને આ જ કારણે તેનાં ચિત્રોનો નાટ્યાત્મક પ્રભાવ વધી જાય છે.

કારાવાજિયોનું એક ધાર્મિક ચિત્ર : ‘ધ કૉલિન્ગ ઑવ્ સેંટ મૅથ્યુ’

દેલ મૉન્તેએ રોમમાં કોન્તારેલી ચૅપલ માટે ચિત્રો ચીતરવાનું કામ કારાવાજિયોને સોંપ્યું. આ માટે સેન્ટ મૅથ્યૂના જીવન પર આધારિત વિશાળ કદનાં ત્રણ ચિત્રો તેણે ચીતર્યાં : ‘સેન્ટ મૅથ્યૂ ઍન્ડ ધી એન્જલ’, ‘ધ કૉલિન્ગ ઑવ્ સેન્ટ મૅથ્યૂ’ તથા ‘ધ મર્ટીર્ડમ ઑવ્ સેન્ટ મૅથ્યૂ’. ત્રણેય ચિત્રો કોન્તારેલી ચૅપલમાં ખુલ્લાં મુકાતાં કારાવાજિયોની નાટ્યાત્મક ક્ષણને પ્રકાશ વડે ઉજાગર કરવાની તાકાતથી સૌ દર્શકો મોંમાં આંગળાં નાંખી ગયા; પણ કોન્તારેલી ચૅપલ તથા સેન્ટ લુઈજી દેઈ ફ્રાન્ચેસીના પાદરીઓએ ચિત્ર ‘સેન્ટ મૅથ્યૂ ઍન્ડ ધી એન્જલ’ સામે વાંધો પાડ્યો. ચીતરવામાં આવેલા સેન્ટ મૅથ્યૂ શારીરિક લક્ષણો ઉપરથી એક સાવ સામાન્ય કંગાળ મજૂર જેવા દેખાતા હતા; કાદવકીચડથી લથપથ એમનાં પગનાં મોટા કદનાં તળિયાં ચિત્રમાંથી જાણે બહાર ધકેલાઈ આવીને દર્શકને લાત મારી રહ્યાં હોય તેવાં દેખાતાં હતાં; અને ખાસ તો એ કે બાજુમાં શાંતિથી ઊભા રહેવાને બદલે દેવદૂત સેન્ટ મૅથ્યૂના હાથના પંજાને એક જાડા થોથામાં ધક્કો મારી ઘુસાડી રહ્યો હતો, જાણે કે સેન્ટ મૅથ્યૂ સાવ અભણ અને નિરક્ષર હોય ! પાદરીઓ એ વાત સમજી શક્યા નહિ કે એક અજાણ્યા દેવદૂતને આમ ચીતરીને કારાવાજિયો ક્રાઇસ્ટનું જ અનુસરણ કરી રહ્યો હતો, કારણ કે ખુદ ક્રાઇસ્ટે જ રસ્તામાંથી મૅથ્યૂને ઊંચકી લાવીને બચાવેલા. અન્ય બે ચિત્રો પણ પ્રભાવક છે. ‘ધ કૉલિન્ગ ઑવ્ સેન્ટ મૅથ્યૂ’માં કર ઉઘરાવતા ટૉલ-કલેક્ટરની ઑફિસમાં ટેબલ પર વરણાગિયાઓની સંગતમાં-જમાતમાં બેઠેલા સેન્ટ મૅથ્યૂ સિક્કા ગણવામાં મશગૂલ છે ત્યારે અચાનક બારણું ખૂલતાં પ્રકાશના ધોધની સાથે દોડતા પ્રવેશતા ક્રાઇસ્ટનું આલેખન છે. પણ નાટ્યાત્મકતાની ટોચ તો સેન્ટ મૅથ્યૂ સાથે ક્રાઇસ્ટની પરસ્પરને મળતી ર્દષ્ટિના આલેખન વડે સિદ્ધ થઈ છે; જેના પ્રતાપે સેન્ટ મૅથ્યૂની ર્દષ્ટિ આગળના માયાના પડદા ઓગળી જતા દેખાય છે. ‘ધ મર્ટીર્ડમ ઑવ્ સેન્ટ મૅથ્યૂ’માં સેન્ટ મૅથ્યૂના વધની ક્ષણે ભાગી જતા શિષ્યનું આલેખન છે. કાળા ડિબાંગ અંધકારમાં ટૉર્ચ વડે પડતા પ્રકાશમાં આ ત્રણેય ચિત્રો આલેખિત હોવાને કારણે તેમની કથનાત્મક ચોટ ખૂબ જ વધી જાય છે. પાદરીઓના વિરોધ છતાં ચોવીસ વરસના કારાવાજિયોની નામના સમગ્ર ઇટાલીમાં પ્રસરી ગઈ. સમગ્ર સમકાલીનોને તેણે ઝાંખા પાડી દીધા. અન્ય દેવળો અને અંગત માલિકી માટેનાં ચિત્રોની વરદીઓનો ધોધ વરસવો શરૂ થયો.

સેન્ટ ઑગુસ્તિનો ચર્ચ માટે તેણે ચીતરેલું ચિત્ર ‘મેડોના દિ લોરેતો’ ઘૂંટણિયે પડતા બે વૃદ્ધોનાં ‘ગંદા પગ અને પરસેવાથી તરબતર ગંધાતી ટોપીઓ’ને કારણે વખોડાયું. ટોપીઓ જોતાં જ તેમાંથી પરસેવાની ગંધ આવી શકે તેટલી હૂબહૂ વાસ્તવિકતા તે ચીતરી શકતો તે હકીકત અહીં સિદ્ધ થાય છે. કાર્મેલાઇટ સંપ્રદાય માટે ચીતરેલું ચિત્ર ‘ડેથ ઑવ્ ધ વર્જિન’ એટલા માટે વખોડાયું કે તેમાં મૃત વર્જિન માતા મેરી ગમાર ગામડિયણ જેવી દેખાય છે અને ખાસ તો તે જાણે ડૂબીને મરી ગઈ હોય એમ એનું પેટ ફૂલીને ઢમઢોલ થયેલું આલેખિત થયું છે. 1607માં પ્રસિદ્ધ ચિત્રકાર અને રાજદૂત પીટર પૉલ રુબેન્સની સલાહ માનીને માન્તુઆના ડ્યૂકે આ ચિત્ર ખરીદી લીધેલું.

વીસમી સદીના કલાઇતિહાસકાર મોરિત્ઝિયો કાલ્વેસી કારાવાજિયોનાં આલેખનોમાંના કાળા પડછાયા અને અંધકારને ઑર્થોડૉક્સ ચર્ચ સામેના તેણે પોકારેલા બળવા તરીકે ઘટાવે છે. સત્તરમી સદીના ઇટાલિયન ચિત્રકાર ફ્રાન્ચેસ્કો આલ્બાનીએ કહેલું, ‘કારાવાજિયો ચિત્રોમાં રંગો પૂરવાને બદલે માંસમજ્જા, લોહી અને ચામડીને દળ્યા-ખાંડ્યા પછી ભરે છે !’ કારાવાજિયોની આલેખિત માનવ-આકૃતિઓની જીવંતતાની પ્રશંસા આ ટકોરમાં અભિપ્રેત છે.

ચિત્ર ‘મેડોના ઍન્ડ ધ સર્પન્ટ’માં માતા મેરી પાખંડી સર્પના મસ્તક પર પગની પાની મૂકે છે તે ર્દશ્યના આલેખનમાં કારાવાજિયોએ મેરીના પગની પાની ઉપર ક્રાઇસ્ટને પોતાની પાની મૂકી, નીચે તરફ દબાણ કરી સર્પનું મસ્તિષ્ક ચગદી નાખતા દર્શાવ્યા છે. મેરી આ કૃત્યમાં જવાબદાર નથી એવું દર્શાવી તેની પવિત્રતા ઉપર કારાવાજિયો આંચ આવવા દેવા માગતો નથી, એવું અર્થઘટન કરી શકાય.

પાદરીઓ દ્વારા કરવામાં આવતા વિરોધ છતાં કારાવાજિયોની સફળતા વધતી ગઈ. તેની ખ્યાતિ અને ચિત્રોની માગ સાથે તેની ધનસંપત્તિ પણ વધી ગઈ. પણ, તેણે પોતાનો મૂળ ક્રાંતિકારી સ્વભાવ છોડ્યો નહિ. ઊલટાનો તેનો તોફાની સ્વભાવ વધતો ગયો. 1600માં એક ચિત્રકારે કારાવાજિયો ઉપર મુક્કા મારવાનો આક્ષેપ મૂક્યો. 1601માં કારાવાજિયોએ એક સૈનિકને ઘાયલ કર્યો. બીજા એક ચિત્રકારની ફરિયાદને આધારે 1603માં કારાવાજિયોને કેદ કરવામાં આવ્યો. ફ્રેન્ચ રાજદૂતે વચ્ચે પડીને તેને છોડાવ્યો. 1604ના એપ્રિલમાં શાકભાજી ભરેલો એક થાળ કારાવાજિયોએ એક વેઇટર ઉપર છુટ્ટો ફેંક્યો. એ જ વર્ષે ઑક્ટોબરમાં રોમન ગાર્ડ ઉપર તેણે પથ્થરમારો કર્યો. આખરે 1605ના મેમાં તેની ફરીથી ધરપકડ થઈ; પણ જેલમાં એક કેદીની ધોલાઈ કરી તે જુલાઈની ઓગણત્રીસમીએ કેદ તોડી નાસી છૂટ્યો. 1606ના મેની ઓગણત્રીસમીએ કારાવાજિયો રોમમાં ટેનિસ રમી રહ્યો હતો. સ્કોર બાબતે ઝઘડો થતાં તેણે રાનુચિયો તોમાસોનીનું ખૂન કર્યું. પોતે શું કર્યું છે તેનું ભાન થતાં ગભરાયેલો કારાવાજિયો ઘાયલ હાલતમાં રોમ છોડી નાસી છૂટ્યો અને કારાવાજિયો નગરના ડ્યૂકની જાગીર પર શરણ શોધ્યું. ત્યાંથી નાસતાં-ભાગતાં તે 1607માં નેપલ્સ પહોંચ્યો. અહીં ફ્લેમિશ ચિત્રકાર લુઇ ફિન્સોને એક ધાર્મિક ચિત્ર ચીતરવાની તેને વરદી આપતાં કારાવાજિયોએ ચિત્ર ‘મૅડોના ઑવ્ ધ રોઝરી’ ચીતર્યું; તેમજ મૉન્તે દેલ્લા મિસેરિકોર્દિયા ચૅપલ માટે ચિત્ર ‘ધ સેવન વકર્સ ઑવ્ મર્સી’ ચીતર્યું. આ ચિત્ર કારાવાજિયોના ઉત્તર કાળનાં ચિત્રોમાં સર્વોત્તમ (માસ્ટરપીસ) ગણાયું છે.

1608માં કારાવાજિયો નેપલ્સથી માલ્તા ગયો જ્યાં એક ખ્યાતનામ કલાકાર તરીકે તેનું સ્વાગત થયું. અહીં તેણે ઘણાં ચિત્રો ચીતર્યાં. માલ્તા કથીડ્રલ માટે ચીતરેલું ચિત્ર ‘ધ બિહેડિન્ગ ઑવ્ સેન્ટ જૉન, ધ બૅપ્ટિસ્ટ’ ખૂબ વખણાયું. અગાઉ કાળા ડિબાંગ અનંત ભેંકાર અંધકારની પૃષ્ઠભૂમિકામાં તે અગ્રભૂમિકામાં ઊભેલી માનવ-આકૃતિઓ પર પડતો પ્રકાશ ચીતરતો તેને સ્થાને આ ચિત્રમાં અને હવે પછીનાં બીજાં ચિત્રોમાં અગ્રભૂમિકામાં રહેલી માનવઆકૃતિઓ પાછળ તરત જ અડીખમ ઊભેલી ઊંચી દીવાલ જોવા મળે છે. ધરપકડથી બચવા માટે પોતે હાલ જે ભાગેડુ જીવન જીવી રહ્યો હતો એમાંથી ઉદભવતી અકળાવનારી અને વ્યાકુળ મન:સ્થિતિના રૂપક-પ્રતીક રૂપે આ દીવાલને જોવાનું વલણ વ્યાપક છે. મનોવિજ્ઞાનીઓના મતે, ગમે ત્યારે ધરપકડ થઈ જવાની તેના મનમાં રહેલા ભય અને ઓથાર આ દીવાલ દ્વારા વ્યક્ત થાય છે. માલ્તાના ચર્ચે ‘નાઇટ ઑવ્ માલ્તા’ ખિતાબથી કારાવાજિયોને નવાજ્યો; પણ પછી કાં તો રોમથી સમાચાર આવ્યા હોવા જોઈએ કે કારાવાજિયો ખૂની છે અથવા તો માલ્તામાં તેણે કોઈ નવો ગુનો આચર્યો હોવો જોઈએ, જેના લીધે ચર્ચે આપેલો ખિતાબ પાછો ખેંચી લેવામાં આવ્યો અને કારાવાજિયોને કેદમાં પૂરી દેવામાં આવ્યો. છતાં, કારાવાજિયો તો આ કેદ પણ તોડીને ભાગી ગયો.

ભાગીને 1608ના ઑક્ટોબરમાં સિસિલીના સિરેક્યુસે બંદરે ઊતર્યો. અહીં પણ તેની ખ્યાતિએ તેનો પીછો છોડ્યો નહિ. અહીં સાન્તા લુચિયા ચર્ચ માટે તેણે કરુણાંત ચિત્ર ‘ધ બેરિયલ ઑવ્ સેન્ટ લ્યુસી’ ચીતર્યું. વ્યાકુળતા અને ભયથી તે મુક્તિ પામી શક્યો નહિ. 1609માં તે મેસિના ભાગ્યો, જ્યાં તેણે ‘ધ રિઝરૅક્શન ઑવ્ લાઝારુસ’ અને ‘ધી ઍડોરેશન ઑવ્ શેફર્ડ્ઝ’ ચિત્રો ચીતર્યાં. ત્યાંથી તે પાલેર્મો ભાગ્યો અને ઑરેતોરિયો દિ સેન્ટ લૉરેન્ઝો ચૅપલ માટે તેણે ચિત્ર ‘ઍડોરેશન વિથ સેન્ટ ફ્રાંસિસ ઍન્ડ સેન્ટ લૉરેન્સ’ ચીતર્યું. અત્યંત કઠિન અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા કારાવાજિયોની કલા એક પછી એક ચિત્રમાં વધુ ને વધુ ઉત્કર્ષ પામી રહી હતી. નાટ્યાત્મક ચોટ ઉપરાંત ઉત્તર જીવનનાં આ બધાં ચિત્રોમાં તો અત્યંત કોમળ અને ઋજુ મનોભાવો વ્યક્તિઓના મોં પર ચિત્રિત જોવા મળે છે.

છુપાતાં નાસતાં ફરવાની કારાવાજિયોની સ્થિતિ-ભાગદોડ માત્ર પોપ દ્વારા માફી મળે તો જ અટકે એમ હતી. 1609માં નેપલ્સમાં ઉત્તરે પગ મૂકતાં કારાવાજિયોને સમાચાર મળ્યા કે પોપે તેને માફ કર્યો છે. 1609ના ઑક્ટોબરમાં નેપલ્સ પાસેના એક ધાબામાં એ બેઠો હતો ત્યારે એની ઉપર ઘાતકી હુમલો થયો. રોમમાં એવી અફવા પહોંચી કે આ ઘાતકી હુમલાથી કારાવાજિયો અવસાન પામ્યો. લાંબો સમય પથારીવશ રહ્યા પછી તે સાજો થઈને વહાણમાં બેસીને 1610ના જુલાઈમાં પોપના રાજ્ય(Papal state)થી ઘેરાયેલા ઇટાલીમાં આવેલા સ્પેનના તાબામાંના બંદર પોર્તેર્કોલે ગયો; પણ ત્યાં સ્પૅનિશ લશ્કરે ભૂલમાં તેની ધરપકડ કરીને કેદમાં પૂર્યો. ત્રણ દિવસ પછી ગોટાળો સમજાતાં લશ્કરે તેને મુક્ત કર્યો. કારાવાજિયો બંદરે આવ્યો પણ તેણે જોયું કે પોતાનું વહાણ તો પોતાનો સામાન લઈને હજી હમણાં જ બંદર છોડીને સમુદ્રમાં જઈ રહ્યું છે. દરિયાકિનારે જ તે રેતીમાં ફસડાઈ પડ્યો. થાક, નિરાશા અને બદનસીબથી તે ઘેરાઈ ગયો હતો. થોડા દિવસથી તેને તાવ આવતો હતો. થોડા દિવસ પછી તે મલેરિયાથી મૃત્યુ પામ્યો. હજી તેણે સાડત્રીસ વરસની ઉંમર પણ પૂરી નહોતી કરી.

અત્યંત લાગણીશીલ અને ક્રાંતિકારી પ્રકૃતિના કલાકાર કારાવાજિયોએ ધાર્મિક પ્રસંગોનાં આલેખનો માટે નાટ્યાત્મક ક્ષણો ચૂંટી; એટલું જ નહિ, પણ એમાં ગાઢ અંધકારમાં કોઈ એક જ બિંદુએથી ફેંકાતો મશાલ જેવો પ્રકાશ ચાક્ષુષ અનુભૂતિમાં પ્રાસંગિક નાટ્યાત્મકતાને ઑર ઓપ આપતો જણાય છે. આ ચિત્રો જોતાં તેનો સર્જક ઊંડી ધાર્મિક અને નૈતિક શ્રદ્ધા ધરાવતો હોવો જોઈએ એવી લાગણી થયા વિના રહેતી નથી.

અમિતાભ મડિયા