કારિકા : થોડા શબ્દોમાં ઘણો જ શાસ્ત્રાર્થ વ્યક્ત કરનાર શ્લોક. છંદોબદ્ધ હોવાથી તેને સ્મરણમાં રાખવી સહેલી પડે છે. કારિકામાં પદ્યની જેમ સ્મરણ કરવાની અને સૂત્રની જેમ ઘણી બાબતો થોડા શબ્દોમાં કહેવાની સુવિધા હોય છે. સંસ્કૃતનું કારિકા-સાહિત્ય ઘણું વિશાળ, ગંભીર અને મહત્વનું છે. નાગાર્જુન (ઈ. સ.ની બીજી સદી)ની શૂન્યવાદનું પ્રતિપાદન કરનારી ‘માધ્યમિક કારિકાઓ’ સહુથી પ્રાચીન પ્રતિનિધિ ગ્રંથ છે. નાગાર્જુને કારિકાશૈલીએ ‘યુક્તિષષ્ઠિકા’ ‘વિગ્રહવ્યાવર્તિની’ કે ‘શૂન્યતાસપ્તતિ’ નામની કૃતિઓ પણ રચી છે. નાટ્યશાસ્ત્રકાર ભરત મુનિની ભરતસૂત્રોને નામે જાણીતી નાટ્યકારિકાઓ પ્રસિદ્ધ છે. આમાંની ઘણી મૌલિક કારિકાઓ તો નાગાર્જુન કરતાં પણ પ્રાચીન જણાય છે. સાંખ્યદર્શન પર ઈશ્વરકૃષ્ણે રચેલી ‘સાંખ્યકારિકા’, વ્યાકરણશાસ્ત્ર પર ભર્તૃહરિની કારિકાઓ, સાહિત્યશાસ્ત્ર પર મમ્મટની 143 કારિકાઓ અને તેના પરની સ્વરચિત વૃત્તિને કારણે સમગ્ર ગ્રંથ કાવ્ય-પ્રકાશ ને નામે જાણીતો છે, ન્યાયશાસ્ત્ર પર વિશ્વનાથ પંચાનને રચેલી ‘કારિકાવલી’ કે ‘ભાષાપરિચ્છેદ’ નામે વિશેષ જાણીતી છે અને સ્વયં લેખકે તેના ઉપર ‘ન્યાયમુક્તાવલી’ નામની વૃત્તિ દર્શન-સાહિત્યમાં અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે વગેરે સંસ્કૃત સાહિત્યની અમૂલ્ય કારિકા-રચનાઓ છે.

પ્રવીણચંદ્ર પરીખ