કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો પૌરાણિક ઉલ્લેખ છે. ઉલ્કાપુરી કે અવાખલના સુદર્શન ઋષિના પુત્રનું શબ આ સ્થળે અર્દશ્ય થયું તેથી આ સ્થળ કાયાવરોહણ, કાયાવિરોહણ, કારોહણ કે કાયાવતાર તરીકે ઓળખાવા લાગ્યું અને તેના ઉપરથી હાલનું કારવણ નામ બન્યું છે.
પાશુપત સંપ્રદાયના પ્રસ્થાપક ભગવાન લકુલીશની આ પ્રાકટ્ય-ભૂમિ છે. ભગવાન લકુલીશને શિવના અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઓળખાવ્યા છે. તેના વાયુપુરાણ, કૂર્મપુરાણ વગેરેમાં ઉલ્લેખો છે.
અહીંથી તાંબાના પંચમાર્ક સિક્કા, કુશાન રાજા વીમ કડફીસીસનો (ઈ. સ. 40-78) સિક્કો, તથા આંધ્રવંશના શાતકર્ણીના સીસાના સિક્કા મળ્યા છે. અહીંની 15’’ x 9’’ x 3’’ માપની મોટા કદની ઈંટો ગુપ્તકાળ જેટલી પ્રાચીન છે. સ્ત્રીની મુખાકૃતિવાળો સુંદર રોમન કૅમિયો ભારતનો રોમ સાથેનો ભરૂચ મારફત સંપર્ક હતો એમ સૂચવે છે. ઈ. સ. 656નું સેન્દ્રક રાજા અલ્લશક્તિનું દાનશાસન કાયાવતાર કે કારવણમાંથી ફરમાવેલું છે. ઈ. સ. 706ના ગુર્જર નૃપતિવંશના જય ભટ્ટ ત્રીજાના દાનશાસનમાં આ રાજાની છાવણીના સ્થાન તરીકે તેનો ઉલ્લેખ છે. કેશગુંફનવાળી સુંદર તાપસીની પ્રતિમા, આઠમી સદીની કાર્તિકેયની મૂર્તિ, નંદીને અઢેલી રહેલાં ઉમા-મહેશ્વરની મૂર્તિ, ગુર્જર પ્રતિહાર યુગની નૃત્યની મુદ્રાવાળી કુમારીની મૂર્તિ, નવમી સદીની સૂર્યની ઊભી મૂર્તિ વગેરે પ્રાચીન અવશેષોરૂપે મળ્યાં છે.
કાયાવરોહણમાં હાલ વૈજનાથ મહાદેવ, ભુવનેશ્વરી માતા, રાજરાજેશ્વર ને બિલકેશ્વર મહાદેવ, મોરલીધર, રામજી મંદિર, રણછોડજીનું મંદિર, સોમનાથ મહાદેવ, બાલાજી મંદિર, બાબુલનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, નીલકંઠેશ્વર અને મંગલેશ્વર મહાદેવ, ભાથીજીની દેરી, કોટેશ્વર, ગણપતિ મંદિર, રામનાથ, કામનાથ, કાલિકા માતા, કેદારનાથ, વેરાઈ માતા, લકુલીશ મહાદેવ, જાગનાથ મહાદેવ, નાના બાલાજી, જબરેશ્વર, એકાદશ રુદ્ર મહાદેવ, બળિયાદેવ, આશાપુરી, બિલ્વાઈ માતા, લિંબજા માતા, કબીર મંદિર, સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર વગેરે અનેકવિધ સંપ્રદાયોનાં મંદિરો આવેલાં છે.
કાયાવરોહણમાં નજરે પડતાં શિવલિંગોમાં મોટાભાગનાં શિવલિંગોનો ઉપરનો રુદ્ર (ગોળાકાર) ભાગ ઉપરાંત મધ્યનો વિષ્ણુભાગ (અષ્ટકોણાકાર) તથા નીચેનો બ્રહ્મભાગ (ચોરસ) જોવા મળે છે, જે પ્રાચીનતાની સ્પષ્ટપણે પ્રતીતિ કરાવે છે. આવાં શિવલિંગો ઉપરાંત કૃપાલ્વાનંદજીએ બ્રહ્મેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું છે.
આ સ્થાનક મોટું શૈવતીર્થ અને શક્તિપીઠ છે. વિશ્વામિત્ર ઋષિએ તપોબળથી તેને કાશી જેવું મોક્ષધામ બનાવ્યું હતું એવી લોકોક્તિ છે.
તળાવને કિનારે સમાધિમંદિરોની દીવાલો ઉપર સલાટી શૈલીનાં ભીંતચિત્રો છે.
તમાકુ અને કપાસ મુખ્ય પાક હોઈ અહીં જિન પ્રેસ અને તમાકુની ખળીઓ છે. તે વેપારી કેન્દ્ર ઉપરાંત શૈક્ષણિક કેન્દ્ર છે. અહીં બાલમંદિર, બે પ્રાથમિક અને બે માધ્યમિક શાળાઓ, સેન્ટ્રલ બૅંકની શાખા વગેરે છે.
જી. પ્ર. અમીન
શિવપ્રસાદ રાજગોર