કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે..

કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને કાલી નદીના મુખ ઉપર તથા અરબી સમુદ્રને કાંઠે આવેલું છે.

સમુદ્રકિનારે હોવાથી ઉનાળામાં 30.560 સે. તથા શિયાળામાં 21.110 સે. તાપમાન રહે છે. વરસાદ 3,125 મિમી. પડે છે. અંદરના ઘાટ વિસ્તારમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં સાગ, બળતણનું લાકડું અને વાંસ પુષ્કળ મળે છે. નદીમાર્ગે તે કારવાર લવાય છે. કિનારાના મેદાનમાં નાળિયેર, કાજુ, સોપારી, બાજરી, જુવાર, મરચાં અને ફળઝાડ થાય છે. કારવારના પીઠપ્રદેશમાં 37,087 ચોકિમી. પ્રદેશનો સમાવેશ થાય છે, જે કર્ણાટક રાજ્યના 31 % જેટલો છે. બેલગામ, હુબલી અને ડાંડેલીનાં ઔદ્યોગિક શહેરો તથા હોસ્પેટ-બેલારીની લોખંડની ખાણો, ઇજનેરી કારખાનાં, કાપડની મિલો, તેલ અને ચોખાની મિલો, બીડી, પ્લાયવુડ અને કાગળનાં કારખાનાં, જળવિદ્યુતમથક વગેરે પીઠપ્રદેશમાં આવેલાં છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ (મુંબઈ-કન્યાકુમારી માર્ગ) અને રાજ્યકક્ષાના માર્ગો દ્વારા તે ઉપર જણાવેલાં અગત્યનાં શહેરો સાથે જોડાયેલું છે. મુંબઈ-કારવાર વચ્ચે બોટવ્યવહાર છે.

ખેતી ઉપરાંત મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. સાર્ડીન, કૅટફિશ, મેકેરેલ તથા સૂકી માછલીની નિકાસ થાય છે.

કારવારનો ઇતિહાસ ભાતીગળ છે. બિજાપુરના સુલતાનના સમયમાં તે દેસાઈનું થાણું અને મહત્વનું વેપારી કેન્દ્ર હતું. 1638માં અંગ્રેજોએ ત્યાં વેપારી કોઠી નાખી હતી. પોર્ટુગીઝ તથા ડચોની પણ કોઠી હતી. શિવાજીએ કારવાર ઉપર બે વાર ચડાઈ કરી હતી. 1697માં મરાઠાઓએ તેને ફરી ઉજ્જડ કર્યું હતું.

કારવારનો કિનારો વનશ્રી તથા શુભ્ર રેતીપટને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. 1987માં મુંબઈ અને કોચીન વચ્ચેનું નૌકામથક દરિયાકાંઠા નજીક સ્થપાયું છે તથા મધ્યમ કક્ષાના બંદર તરીકે તેનો વિકાસ થઈ રહ્યો છે તેથી તેની અગત્ય વધી છે.

શિવપ્રસાદ રાજગોર