કાનાવી, ચેન્નાવીર (જ. 26 જૂન 1928, હોમ્બલ, કર્ણાટક) : કન્નડ ભાષાના કવિ અને વિવેચક. ‘જીવધ્વનિ’ નામના તેમના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. કર્ણાટક યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડ તથા અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. 1952માં તેઓ પ્રકાશન બોર્ડ તથા અભ્યાસેતર પ્રવૃત્તિના બોર્ડમાં સેક્રેટરી તરીકે જોડાયા અને 1956માં તેના નિયામક બન્યા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં કન્નડ ભાષાના અતિથિ પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી હતી. 35 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે 11 કાવ્યસંગ્રહો અને 3 વિવેચનસંગ્રહો પ્રગટ કરવા ઉપરાંત અનેક કાવ્યસંચયોનું સંપાદન કર્યું છે. મુંબઈ સરકાર તથા મૈસૂર રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી અનુક્રમે 1954 તથા 1956માં તેઓ સાહિત્ય અકાદમીની સામાન્ય સમિતિના તથા કન્નડ ભાષા માટેના સલાહકાર બૉર્ડના સભ્ય હતા.

વાસ્તવિકતા તથા આદર્શવાદ વચ્ચેનો સુભગ સમન્વય, વેદનાગ્રસ્ત માનવસમુદાય માટેની અનુકંપા, કલાત્મક અભિવ્યક્તિ તેમજ શૈલીની સાદગી જેવી વિશેષતાઓને કારણે પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘જીવધ્વનિ’ કન્નડ સાહિત્યમાં મહત્વના પ્રદાનરૂપ લેખાયો છે.

મહેશ ચોકસી