કાનાલેતો, ઍન્તૉનિયો (જ. 1697, વેનિસ; અ. 1768, વેનિસ, ઇટાલી) : નગરચિત્રણા (city scapes) માટે જાણીતો અઢારમી સદીનો ઇટાલિયન ચિત્રકાર. પિતા બર્નાદો રંગમંચ માટેના પાછળના પડદા(backdrops)નો ચિત્રકાર હતો. ભાઈ ક્રિસ્તૉફોરો સાથે કાનાલેતોએ પણ વેનિસ નગરના રંગમંચ માટે પાછળના પડદા ચીતરવાથી પોતાની કારકિર્દી આરંભી. સાન કાસિયાનો અને સાન્તાન્જેલો થિયેટરો માટે કાનાલેતાએ પ્રસિદ્ધ સંગીતકાર ઍન્તૉનિયો વિવાબ્દીના ઑપેરા ‘ઇન્કોરોનાઝિયોને દિ દારિયો’, ચેલેરીના ઑપેરા ‘પેનેલોપે લા કાસ્તા’, પોલારોલોના ઑપેરા ‘ફાર્નાસે’ અને ઓર્લાન્દીનીના ઑપેરા ‘આન્તિજોને’ના પાછળના પડદા ચીતર્યા. પણ આજે તેમાંથી એકેય બચ્યા નથી. બોલાન્યાના સ્ટેજ-ડિઝાઇનર પરિવાર બિબિયેનાથી કાનાલેતો પ્રભાવિત હતો અને તે પ્રભાવ અનુસાર અતિશયોક્તિયુક્ત વાઇડ ઍંગલના પરિપ્રેક્ષ્યમાં તે સ્થાપત્યને ચિત્રિત કરતો હતો. 1716માં લંડનથી વેનિસ પરત આવેલા નિસર્ગચિત્રકાર માર્કો રીચીનાં નિસર્ગચિત્રોથી પણ તે પરિચિત હતો. રીચી તેનાં નિસર્ગચિત્રોમાં પ્રાચીન ખંડેરોનો પણ સમાવેશ કરી લેતો હતો.

સ્કેચ કરી સ્ટુડિયોમાં આવીને નહિ, પણ પૂરું ચિત્ર સ્થળ પર જ ખુલ્લામાં બેસીને જ ચીતરનાર પ્રથમ ચિત્રકારોમાંનો એક કાનાલેતો હતો.

પણ કાનાલેતોને ઑપેરા અને નાટકોના દિગ્દર્શકો અને લેખકો સાથે બહુ ફાવ્યું નહિ. એ લોકોની મેલોડ્રામેટિક અને તરંગી માગણીઓથી થાકીને કાનાલેતો 1719માં નિસર્ગચિત્રણા કરવા માટે રોમ ચાલ્યો ગયો. આમ છતાં, રંગમંચ માટેનું કામ તો ચાલુ જ રહ્યું. રોમમાં 1720માં સ્કાર્લેતીના બે ઑપેરા માટે પાછળના પડદા ચીતરવામાં કાનાલેતોએ પિતાને મદદ કરેલી. એણે પછી રોમમાં કોલોસિયમ, પેન્થિયૉન અને રોમન બાથ્સ જેવાં પ્રાચીન ખંડેરો ચીતરવાં શરૂ કર્યાં. આ સમયે વિવિયાનો કોદાત્ઝી નામના ઇટાલિયન ચિત્રકારે વેનિસ નગરને વિષય બનાવીને નગરચિત્રણા કરવી શરૂ કરેલી અને તેનાથી કાનાલેતોનો ભત્રીજો બર્નોર્દો બેલોતો નામનો ચિત્રકાર પણ પ્રભાવિત થયો. માર્કો રીચી અને કોદાત્ઝી ઉપરાંત વાન વિટેલ નામના ડચ નિસર્ગ ચિત્રકારની અસર પણ કાનાલેતો ઉપર પડી. પરિણામે કાનાલેતોએ હવે હળવા રંગોમાં ચિત્રણા કરવી શરૂ કરી. વળી એણે એટલી બધી સ્પષ્ટતાથી દૂરનાં મકાનો અને ક્ષિતિજોનું નિરૂપણ કરવા માંડ્યું કે જાણે વાતાવરણ સ્ફટિક જેવું સંપૂર્ણ પારદર્શક હોય. આમ વાતાવરણમાં રહેલ મૂળભૂત અર્ધપારદર્શકતાને ધ્યાનમાં લીધા વિના એણે નગરચિત્રણા કરી હોવાને કારણે એ ચિત્રોમાં સ્ફટિક જેવી સ્પષ્ટતા દેખાય છે, ધૂંધળાપણું ગાયબ રહે છે. દેખાતું ર્દશ્ય ચોકસાઈથી આલેખી લેવા માટે તે ‘કૅમેરા ઑબ્સ્ક્યુરા’ (અંધારો ડબ્બો) નામના ઉપકરણને સાથે લઈને વેનિસ નગરની નહેરો, સાંકડી ગલીઓ અને અલગ અલગ ચોકમાં ફરતો હતો. (કૅમેરા ઑબ્સ્ક્યુરામાં એક કાણાવાળો ડબ્બો, બહિર્ગોળ પારદર્શક કાચ અને અંતર્ગોળ અરીસા હોય છે.) આ પદ્ધતિએ કાનાલેતોએ વેનિસ નગરનાં ઘણાં ર્દશ્યો ચીતરવા માંડ્યાં. વેનિસમાંથી માંસ અને માછલી નિકાસ કરવાના ધંધામાં પડેલા વેનિસવાસી બ્રિટિશ વેપારી જૉસેફ સ્મિથે 1730થી કાનાલેતોનાં વેનિસનું નિરૂપણ કરતાં નગરચિત્રો ખરીદીને બ્રિટનમાં મોટે પાયે નિકાસ કરવી શરૂ કરી. વેનિસની મુલાકાતે આવતા બ્રિટિશ પ્રવાસીઓએ પણ કાનાલેતોનાં ચિત્રો ખરીદવાનું શરૂ કર્યું. 1744 પછી તો સ્મિથ કાનાલેતોનાં મોટાભાગનાં ચિત્રો ખરીદી લેતો અને લગભગ તેનો ઇજારદાર બની ગયો, કાનાલેતોએ કયાં ર્દશ્યો અને તે કેવી રીતે ચીતરવાં તે પણ તે જ નક્કી કરતો. કાનાલેતોને પોતે ચૂકવેલી રકમ કરતાં કંઈ કેટલી મોટી રકમ તે છૂટક ખરીદનાર પાસેથી પડાવીને મોટો નફો રળતો હતો. કાનાલેતો આ હકીકત જાણતો હતો પણ તે લાચાર હતો. ઇતિહાસકાર હૉરેસ વાલ્પોલે કહે છે કે કાનાલેતોનું સ્પષ્ટ શોષણ થઈ રહ્યું હતું. પણ વેનિસ નગરનાં ર્દશ્યોનું બજાર તત્કાલીન ઇટાલીમાં નહિવત્ હોવાથી તેની પાસે આ સિવાય બીજો રસ્તો નહોતો. 1738થી તેના ભત્રીજા બર્નાર્દો બેલોતોએ તેને મદદનીશ તરીકે ચિત્રકામમાં મદદ કરવી શરૂ કરી. અત્યાર સુધીમાં કાનાલેતો તેની કારકિર્દીની ટોચે પહોંચી ગયો હતો અને બ્રિટનમાં તેમની નામના થઈ હતી. આ તબક્કા સુધીનાં તેનાં શ્રેષ્ઠ ચિત્રો નીચે મુજબ છે :

1. કામ્પો સેન્ટ જિયાકૉમેતો (વેનિસ)

2. બાચિનો દિ સેન્ટ માર્કો, લૂકિન્ગ નૉર્થ (વેનિસ)

3. ગ્રાન્ડ કૅનાલ : ધ સ્ટોનમૅસન્સ’ યાર્ડ (વેનિસ)

4. સાંતા મારિયા દેલ્લ કારિતા ફ્રૉમ ઍક્રૉસ ધ ગ્રાન્ડ કૅનાલ (વેનિસ)

5. ગ્રાન્ડ કૅનાલ : લૂકિન્ગ નૉર્થ ઈસ્ટ ફ્રૉમ ધ પાલાત્ઝો બાલ્બી ટુ ધ રિયાલ્તો બ્રિજ (વેનિસ)

6. ગ્રાન્ડ કૅનાલ : ધ રિયાલ્તો બ્રિજ ફ્રૉમ ધ નૉર્થ (વેનિસ)

7. રિસેપ્શન ઑવ્ ધ ઇમ્પીરિયલ ઍમ્બેસેડર, કાઉન્ટ ગ્વીસેપે દિ બોલોન્યા, ઍટ ધ ડૉજ પૅલેસ (વેનિસ)

8. ધ બૂચિન્તોરો રિટર્નિંગ ટુ ધ મોલો ઑન એસેન્શન ડે (વેનિસ)

9. કોર્ટયાર્ડ વિથ ફિગર્સ (વેનિસ)

10. ધ ડોગાના ઍન્ડ ધ ગ્વીદેચા કેનાલ (વેનિસ)

11. ધ ક્વે ઑવ્ ધ ડોગાના (વેનિસ)

12. ધ મોલો લૂકિંગ વેસ્ટ : ધ ફૉન્તેગેતો દેલ્લ ફારિના (વેનિસ)

13. રેગાતા ઑન ધ ગ્રાન્ડ કૅનાલ (વેનિસ)

14. ડ્યુકલ પૅલેસ ફ્રૉમ ધ બાચિનો દિ સેન્ટ માર્કો (વેનિસ)

15. સેન્ટ ગ્વીસેપે દિ કાસ્તેલો (વેનિસ)

16. સેન્ટ એપોસ્તોલી : ચર્ચ ઍન્ડ કામ્પો (વેનિસ)

17. પિયાત્ઝા સેન્ટ માર્કો, લૂકિંગ વેસ્ટ ઍલોન્ગ વિથ ધ સૅન્ટ્રલ લાઇન (વેનિસ)

18. બાચિનો દિ સેન્ટ માકૉર્, લૂકિન્ગ ઈસ્ટ (વેનિસ)

19. ચર્ચ ઍન્ડ સ્કુઓલા દિ સેન્ટ રોકો (વેનિસ)

20. ધ ડોજ વિઝિટિંગ ધ ચર્ચ ઍન્ડ સ્કુઓલા દિ સેન્ટ રોસો (વેનિસ)

પ્રત્યેક વર્ષે સોળમી ઑગસ્ટે તેમજ સાન્તા રોચ કૉન્ફ્રાતેર્નિતી ચર્ચમાં પ્રાર્થના માટે આવતા તે પ્રસંગનું નિરૂપણ કાનાલેતોના ચિત્ર ‘ધ ડોજ વિઝિટિંગ ધ ચર્ચ ઍન્ડ સ્કુઓલા સેન્ટ રોસો(વેનિસ)’માં છે. આ ચિત્ર કાનાલેતોનાં અન્ય ચિત્રોથી એટલા માટે નોખું તરી આવે છે કે એમાં એના બીજાં ચિત્રોમાં જોવા મળતું વેનિસની નહેરો અને ગલીઓના રોજિંદા જીવનનું આલેખન નથી. એમાં વેનિસના સ્થાનિક ઉત્સવનું રંગીન અને હર્ષોલ્લાસભર્યું આલેખન જોવા મળે છે. ભડક પીળા અને ગુલાબી વસ્ત્રોમાં સજ્જ ડોજ, સફેદ વિગ અને લાલ વસ્ત્રોમાં સજ્જ સેન્ટ માર્કસ કેથીડ્રલના પાદરીઓ, સફેદ વસ્ત્રોમાં સજ્જ વેનિસની બાનુઓ, હેટ તથા શંકુ આકારની ટોપીઓ પહેરેલા વેનિસના પુરુષો, તલવાર સાથે વેનિસના શ્રીમંતો, કામ પડતું મૂકી તમાશો નિહાળી રહેલા વેનિસના મજૂરો તથા આજુબાજુનાં મકાનોમાંની બારીઓમાં લળીને બહાર ઝૂકીને જોઈ રહેલી મહિલાઓ – ઉનાળાની આહલાદક લહેરખીઓમાં સૌ જાણે હિંડોળા ખાતાં નજરે પડે છે.

ચિત્ર ‘બાચિનો દિ સાન માર્કો (વેનિસ)’ કાનાલેતોની માસ્ટરપીસ કૃતિ ગણાય છે. આધુનિક ફોટોગ્રાફિક અને સિનેમેટોગ્રાફિક પદ્ધતિએ ચીતરેલું આ ચિત્ર જાણે વાઇડ અગલ લેન્સ વડે ઝડપ્યું હોય તેવું દેખાય છે. કૅમેરા ઑબ્સ્ક્યુરા સાથે લઈ ફરતો કાનાલેતો બહિર્ગોળ અરીસા પણ સાથે રાખતો હોવાથી આ શક્ય બન્યું છે. સાન માર્કો નામના સ્થળેથી ઉપર આકાશમાં ચઢીને જોતાં પુન્તા દેલ્લા ક્વીદેચ્યા સ્થળ કેવું દેખાય તેનો સમગ્ર ચિતાર કાનાલેતોએ આ ચિત્રમાં તાર્દશ કર્યો છે. વચ્ચે રહેલું નીતર્યાં પાણીનું સરોવર, પાછળ રહેલાં વહાણો, મકાનો, ચર્ચો અને આકાશ માટે અરીસાનું કામ કરી પ્રતિબિંબ રજૂ કરે છે. પણ આ હવાઈ શ્ય (areal view) તૈયાર કરવા તેણે કલ્પનાનો આધાર લીધો હશે, કારણ કે સાન માર્કોમાં એ વખતે કોઈ બહુમાળી ઇમારત નહોતી કે હજી નહોતાં શોધાયાં વિમાન અને હેલિકૉપ્ટર.

1746માં કાનાલેતો વેનિસ છોડી બ્રિટન રહેવા આવ્યો અને દસ વરસથી પણ વધુ સમય સુધી અહીં રહ્યો. પચાસ વરસની ઉંમરે તેણે ભરેલું આ પગલું ઘણું સાહસિક હતું. આ પહેલાં તેણે વેનિસથી રોમ સુધીના માત્ર બે જ પ્રવાસો ખેડેલા.

સ્મિથની ચુંગાલમાંથી મુક્ત થઈ પોતાના ગ્રાહકોનો પ્રત્યક્ષ પરિચય કેળવવા ઉપરાંત બીજું પણ એક કારણ આ માટે જવાબદાર હતું : વેનિસ પર તાજેતરમાં ઑસ્ટ્રિયાએ કબજો જમાવતાં સ્થાનિક અર્થતંત્ર નબળું પડ્યું હતું. તેથી કલાના સ્થાનિક ગ્રાહકોના અભાવમાં સમકાલીન વેનેશિયન ચિત્રકારો માર્કો રીચી, ત્યાપોલો, પેલેગ્રીની અને બેલોતોની જેમ કાનાલેતોએ પણ નવા બજારની શોધમાં ઇટાલી બહાર નીકળવું પડ્યું. અઢારમી સદીમાં વેનિસનો દરિયાઈ વેપાર રૂંધાયો હોવાથી હવે તે અગાઉ જેટલું સમૃદ્ધ નગર રહ્યું નહોતું. ત્યાં ગરીબી વધી રહી હતી પણ પ્રવાસન-ઉદ્યોગ ધીમે ધીમે વિકસી રહ્યો હતો.

લંડનમાં કાનાલેતોને ભવ્ય પ્રતિષ્ઠા મળી નહિ; ઊલટાનું મુલાકાતી ખરેખર જ ખ્યાતનામ ઇટાલિયન ચિત્રકાર કાનાલેતો જ છે તે અંગે બ્રિટિશ પ્રજામાં વિતંડાવાદ ફેલાયો. તેથી છાપાંઓમાં જાહેરાતો છપાવી કાનાલેતોએ જાહેર જનતાને પોતાના લંડનસ્થિત સ્ટુડિયોમાં આમંત્રણ આપી આ વિવાદનો અંત આણ્યો; પણ બ્રિટિશ જનતા અકડુ નીકળી. કાનાલેતોએ ચીતરેલાં વેનિસનાં ર્દશ્યો પસંદ કરનારી આ પ્રજાએ કાનાલેતોએ જ ચીતરેલાં લંડનનાં ર્દશ્યો નાપસંદ કર્યાં. સમકાલીન બ્રિટિશ નિસર્ગચિત્રકાર કૉન્સ્ટેબલે પણ કાનાલેતોએ ચીતરેલાં લંડનનાં નગરચિત્રો અંગે ઘસાતી ટીકા કરી અને કલા દ્વારા કાનાલેતો લંડનનું ઇટાલિયનીકરણ કરી રહ્યો છે તેવો આરોપ મૂક્યો. છતાં હકીકત એ છે કે ઇટાલીના પ્રખર તડકા કરતાં લંડનનો આછોપાતળો મૃદુ તડકો અને ધુમ્મસભર્યાં વાદળિયા વાતાવરણને આલેખવા માટે કાનાલેતો પૂરેપૂરો સજ્જ સાબિત થયો; પરંતુ બ્રિટિશ પ્રજા કાનાલેતોનાં વેનિસ-નગરર્દશ્યોથી કદાચ એટલી બધી ટેવાઈ ગઈ હતી કે તેને આ નવો ફેરફાર માફક આવ્યો નહિ. તેણે લંડનનાં બે નગરર્દશ્યો ચીતર્યાં : ‘ધ ટેમ્સ ઍન્ડ ધ સિટી ઑવ્ લંડન ફ્રૉમ રિચ્મોન્ડ હાઉસ’ ચિત્રમાં ટેમ્સને આવરી લેતું લંડનનું વિહંગાવલોકન નિરૂપાયું છે; જ્યારે ‘વેસ્ટમિન્સ્ટર ઍબી વિથ એ પ્રોસેશન ઑવ્ નાઇટ્સ ઑવ્ ધ બાથ’માં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા પ્રખ્યાત મકાન વેસ્ટમિન્સ્ટર ઍબીને કાનાલેતોએ બ્રિટિશ સાંસ્કૃતિક પ્રણાલીઓ ધ્યાનમાં લઈને આલેખ્યું છે. લીલોતરીભર્યા બ્રિટિશ વગડા અને વાદળિયા આકાશને પણ કાનાલેતોએ તેનાં નવાં ચિત્રોના વિષય બનાવ્યાં. તેમાં મુખ્ય છે :

1. ‘એન્વીક કૅસલ’

2. ‘બેડ્મિન્ટન પાર્ક’

3. ‘વૉલ્ટન બ્રિજ’

4. ‘વિન્ડ્સર : એટૉન કૉલેજ ચૅપલ’

5. ‘લંડન : રૅનેલેગ, ઇન્ટિરિયર ઑવ્ ધ રોટુન્ડા’

6. ‘વૉરિક કૅસલ’

અઢારમી સદીના બ્રિટનનું અત્યંત હૂબહૂ આલેખન કાનાલેતોએ કર્યું એ વિશે આજે કોઈ બેમત નથી. તેનો કોઈ સમકાલીન બ્રિટિશ ચિત્રકાર પણ આ કામ કરી શક્યો નથી તે હકીકત કાનાલેતોના કાર્યના મૂલ્યમાં વધારો કરનારી છે. પોતાના યજમાન રાષ્ટ્રની સંસ્કૃતિ, ગરિમા, વ્યક્તિત્વ અને આત્માને આત્મસાત્ કરવામાં એ સફળ થયો છે.

અગિયાર વરસ બ્રિટનમાં રહીને કાનાલેતો 1756માં વેનિસ પાછો ફર્યો. પાછા ફરીને હજી એ બીજાં અગિયાર વરસ જીવ્યો. ઇટાલીની જનતાએ તેને ઉમળકાથી વધાવી લીધો. વેનિસની ‘આર્ટ અકાદમિયા’એ તેનું બહુમાન કર્યું અને પરિપ્રેક્ષ્ય(perspective)ના પ્રાધ્યાપક તરીકે તેની નિમણૂક કરી; પણ હવે તેણે ચીતરેલાં ચિત્રોમાં પરિપ્રેક્ષ્ય પર એટલો બધો ભાર મુકાયેલો જોવા મળે છે કે તે બધી કલાકૃતિઓ સંપૂર્ણ પ્રતીતિજનક જણાતી નથી. આ ચિત્રો છે :

1. ‘કૅપ્રિચિયો : કોલોનેડ ઓપનિંગ ઑન ટુ ધ કોર્ટયાર્ડ ઑવ્ એ પૅલેસ’

2. ‘પિયાત્ઝા સેન્ટ માર્કો : લૂકિંગ ઈસ્ટ ફ્રૉમ ધ સાઉથ-ઈસ્ટ કૉર્નર’

3. ‘સેન્ટ માર્કો : ધ ઇન્ટિરિયર’

અઢારમી સદીમાં ઝાનેતી, આલ્ગારોતી અને ચાર્લ્સ દ બ્રોસેએ કાનાલેતોની પુષ્કળ પ્રશંસા કરી; પણ ઓગણીસમી સદીના રંગદર્શિતાવાદી માહોલમાં કાનાલેતોની કલા શુષ્ક જણાઈ. ઓગણીસમી સદીના ટોચના કલાવિવેચક અને ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પ્રણેતા જૉન રસ્કિને કાનાલેતોની સૌથી વધુ કડવી ટીકા કરી. રસ્કિને તેના પુસ્તક ‘મૉડર્ન પેઇન્ટર્સ’(1843-60)માં કાનાલેતોને ઔદ્યોગિક મધ્યમ વર્ગનો મનોરંજક, કલ્પનાશક્તિહીન અને કંટાળાજનક ચિત્રકાર ગણાવ્યો.

પ્રભાવવાદી કલા ચળવળે ફ્રાન્ચેસ્કો ગ્વાર્દીને મહત્વનો ગણ્યો, પણ કાનાલેતોને નહિ; પણ ઓગણીસમી સદીના ચિત્રકારો  ટર્નર, વ્હિસ્લર અને માનેને કાનાલેતોની કલા માટે અહોભાવ હતો.

વીસમી સદીમાં દામેરિની અને ફિયોકોએ ભલે કાનાલેતોને અગત્યનો ગણ્યો નહિ, પણ પિત્તાલુગા, વી. મોશીની અને ડબ્લ્યૂ. જી. કૉન્સ્ટેબલે અઢારમી સદીના સૌથી મહાન ચિત્રકારોમાં તેની ગણના કરી.  1964માં તુરીનમાં અને 1967માં વેનિસમાં કાનાલેતોનાં ચિત્રોનાં મોટાં પ્રદર્શનો યોજાયાં હતાં.

અમિતાભ મડિયા