કાનાઝાવા : જાપાનના હોન્શુ ટાપુની સાઈ નદી ઉપર આવેલું ઇશિકાવા જિલ્લાનું વહીવટી મથક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 20¢ ઉ. અ. અને 139° 38¢ પૂ. રે.. તેની નૈર્ઋત્યે કામાકુરા, અગ્નિ તરફ યોકોસુકા અને પૂર્વ તરફ ટોકિયોની ખાડી આવેલાં છે. અહીં શિયાળો ઠંડો, ભીનો અને ધુમ્મસવાળો હોય છે. હિમવર્ષા ખૂબ થાય છે. આકાશ મોટાભાગે વાદળથી ઘેરાયેલું રહે છે. ઉનાળો ગરમ અને ભેજવાળો હોય છે. શિયાળા અને ઉનાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 1° સે. અને 25° સે. રહે છે. વાર્ષિક વરસાદ 1500થી 2000 મિમી. મુખ્યત્વે શિયાળામાં પડે છે. ચોખા, બટાકા, સોયાબીન, ઘઉં તથા જવ મુખ્ય પાક છે. મલબેરી વૃક્ષો ખૂબ હોવાથી રેશમી કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. ચિનાઈ માટીનું કામ તથા લાખકામ, ધાતુના વરખ બનાવવાનો ઉદ્યોગ તેમજ સુતરાઉ, ગરમ, રેયૉન અને નાયલૉન કાપડના ઉદ્યોગ વિકસ્યા છે.
1583 પૂર્વે કાનાઝાવાના સ્થળે યામાઝાકી ગામ હતું. સોળમી સદીમાં આ સ્થળ અને કાંગા પ્રાંત મૈઠા કુટુંબના શાસન નીચે હતાં. 1871માં આધુનિક જાપાનના વિકાસ સાથે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તે કારણે કાનાઝાવા સમૃદ્ધ બન્યું. શહેર આસપાસની ટેકરીઓ ઉપરથી 55 કિમી. દૂર આવેલા હાકુસાન પર્વત(2700 મી.)ની ઝાંખી થાય છે. અહીં કાનકુરાન બાગ તથા નાટ્યઘર જોવાલાયક છે. 1949માં કાનાઝાવા વિશ્વવિદ્યાલય સ્થપાયું હતું. આ વહીવટી મથકનો વિસ્તાર 468.64 ચોકિમી. જ્યારે વસ્તી 4,66,029 (2018) છે.
શિવપ્રસાદ રાજગોર