કાટ્ઝ, બર્નાર્ડ (સર) (જ. 26 માર્ચ 1911, લિપઝિગ, જર્મની; અ. 20 એપ્રિલ 2003, લંડન, યુ. કે.) : પ્રસિદ્ધ જર્મન વિજ્ઞાની. સન 1970ના 2 ભાગના નોબેલ પારિતોષિકના વિજેતા. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા ક્ષેત્રનું આ પારિતોષિક તેમણે સ્વીડનના ઉલ્ફવૉન યુલર અને યુ.એસ.ના જુલિયસ ઍક્સેલ્રોડની સાથે સહભાગીદારીમાં મેળવ્યું હતું. તેમણે ચેતાતંતુના છેડાઓ પર થતા એસિટિલ કૉલિન જેવા ચેતાસંદેશવાહક(neuro-transmitter)ના સંગ્રહ, વિમોચન (release) અને નિષ્ક્રિયીકરણ(inactivation)નો અભ્યાસ કરીને ચેતા-અંતર્ગ્રથન(nerve synapse)માં ચેતા-આવેગના વહનની પ્રક્રિયા અને પ્રવિધિ (mechanism) સમજાવવા માટેનાં સંશોધન કર્યાં.
તેઓ રશિયન યહૂદી વંશના હતા. તેઓ મૅક્સ કાટ્ઝ અને યુજિની રેવિનોવિડ્ઝના એક માત્ર પુત્ર હતા. તેમણે 1921થી 1929 વચ્ચે લિપઝિગની આલ્બર્ટ જિમ્નેશિયમમાં શાળાશિક્ષણ મેળવ્યું. તેમણે મેડિકલ ડિગ્રી અને ગાર્ટન પ્રાઇઝ 1934માં લિપઝિગ યુનિવર્સિટી(જર્મની)માં પ્રાપ્ત કર્યાં. તે પછી તેઓ લંડન યુનિવર્સિટીમાં ગયા અને 1943માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1938-42 સુધી તેઓ બીટ મેમૉરિયલ રિસર્ચ ફેલો હતા. સન 1939માં તેઓ સિડની હૉસ્પિટલ, ઑસ્ટ્રેલિયામાં કાર્નિજ રિસર્ચ ફેલો તરીકે જોડાયા જ્યાં તેમણે એક્લિસ અને કુફર સાથે કાર્ય કર્યું. સન 1941માં તેમણે ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું અને સન 1942માં તેની વાયુસેનામાં રડાર-અફસર તરીકે જોડાયા. સન 1946માં તેઓ ઑસ્ટ્રેલિયાથી પાછા ફરીને સિડની યુનિવર્સિટી કૉલેજમાં એ. વી. હિલના અન્વેષક એકમમાં મદદનીશ નિયામક તરીકે જોડાયા. ત્યાં તેઓ રૉયલ સોસાયટી દ્વારા હેન્રી હેડ રિસર્ચ ફેલો બન્યા. સન 1950માં તેઓ ફિઝિયૉલૉજી વિષયમાં પ્રવાચક (reader) બન્યા અને સન 1952માં તેઓ લંડનની યુનિવર્સિટી કૉલેજમાં જૈવભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા અને ત્યારે તેઓની રૉયલ સોસાયટીના ફેલો તરીકે વરણી થઈ. સન 1961થી સન 1969 સુધી તેમને વિવિધ સન્માનો મળ્યાં જેમાં પ્રમુખ સન્માનો હતાં – લંડનની રૉયલ કૉલેજના ફેલો (1961), ફેલ્ડબર્ગ ફાઉન્ડેશન એવૉર્ડ (1965), રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશ્યનસનો બેલી ચંદ્રક અને રૉયલ સોસાયટીનો કોપ્લિ ચંદ્રક (1967), રૉયલ ડેનિશ એકૅડેમી ઑવ્ સાયન્સ ઍન્ડ લેટર્સના વિદેશી સભ્ય (1968) તથા એકૅડેમિયા નૅશનલ લિન્સી અને અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સના વિદેશ સભ્ય (1969). સન 1967માં તેઓ એગ્રિકલ્ચર રિસર્ચ કાઉન્સિલના સભ્ય બન્યા અને સન 1964માં તેઓ રૉયલ સોસાયટીના જૈવશાસ્ત્રીય મંત્રી બન્યા હતા.
સન 1945માં તેઓ માર્ગ્યુરાઇટ પેન્લી સાથે પરણ્યા અને તેનાથી તેમને 2 બાળકો પ્રાપ્ત થયાં – ડેવિડ અને જોનાથન.
હરિત દેરાસરી
શિલીન નં. શુક્લ