કાઝ્લાયેવ, મુરાદ

January, 2006

કાઝ્લાયેવ, મુરાદ (જ. 1931, ડાઘેસ્તાન, આઝરબૈજાન) : આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. વૈજ્ઞાનિક પિતાની અનિચ્છા છતાં બાકુ કૉન્ઝર્વેટરીમાં કાઝ્લાયેવ સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ડાઘેસ્તાની લોકસંગીતની ધૂનો અને સૂરાવલિઓ તેમજ લય પહેલેથી જ તેમના માનસનો કબજો જમાવી ચૂકેલાં. તેમણે આગળ જતાં આમાંથી પ્રેરણા લઈ મૌલિક નવસર્જન કર્યું. ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘ડાઘેસ્તાન’ (1955), ‘કૉન્સર્ટ લૅઝિન્કા’ (1956), ‘ઑરિયન્ટલ બૅલેડ’ (1960) અને ‘આફ્રિકન કન્ચર્ટો’ (1964) જેવી તેમની પ્રારંભિક કૃતિઓ લોકપ્રિય થઈ તે કદાચ તેમાં પહેલા ડાઘેસ્તાની સંગીતના જોશને કારણે. 1964 પછી તેમને જાઝ સંગીતમાં ઊંડો રસ જાગ્યો. તેથી પછીની કૃતિઓ બૅલે ‘માઉન્ટન ગર્લ’ (1972), ‘કન્ચર્ટો ફૉર બ્રાસ, વિન્ડ ઍન્ડ પર્કુશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ (1974) તથા ઑર્કેસ્ટ્રલ સ્વીટ ‘અર્બાટ સ્ટ્રીટ ઍટ નાઇટ’માં જાઝ લયનો સમન્વય આઝરબૈજાની અને ડાઘેસ્તાની સૂરાવલિઓ સાથે થયેલો જોવા મળે છે. એ પછી કાઝ્લાયેવે ઘણાં પિયાનો-સૉનાટા અને સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ લખ્યાં.

1965માં વિયેના ઇન્ટરનેશનલ મ્યુઝિક કૉમ્પિટિશનમાં કાઝ્લાયેવની કૃતિ ‘કૉન્સર્ટ લેઝિન્કા’ને સુવર્ણચંદ્રક મળ્યો. લિપઝિક ખાતેના આંતરરાષ્ટ્રીય સંગીતસમારોહમાં તેમની કૃતિ ‘શ્કેર્ઝો (Scherzo) ફૉર વાયોલિન્સ ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ને ભલે કોઈ ઇનામ મળ્યું નહિ, પણ તેને શ્રોતાઓએ બેહદ ઉમળકાથી વધાવી લીધી. પ્રાહા ખાતે 1966માં યોજાયેલા ‘ધ થર્ડ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑવ્ જાઝ મ્યૂઝિક’માં તેમની કૃતિ ‘આફ્રિકન કન્ચર્ટો’ને બીજું ઇનામ ઉપરાંત ‘જૅરોસ્લાવ જૅર્ઝિક’ એવૉર્ડ પણ પ્રાપ્ત થયાં હતાં.

1974 પછી કાઝ્લાયેવે ડાઘેસ્તાનની લાક પ્રજાના લોકસંગીતનો ઊંડો અભ્યાસ કર્યો. એની ફલશ્રુતિ રૂપે તેમણે બૅલે ‘સિમ્ફૉનિક ડાન્સ પિક્ચર્સ’ લખ્યો. પછી ડાઘેસ્તાની કવિ રસૂલ ગૅમ્ઝાટૉવનાં કાવ્યોને સંગીતબદ્ધ કરતી લાંબી કૃતિ ‘ધ બર્થ ઑવ્ એ સૉન્ગ’ લખી; જેમાં ગાયકવૃંદ અને ઑર્કેસ્ટ્રાનો ઉપયોગ છે. એ બાદ મહાન રશિયન કવિઓ ઍલેક્ઝાન્ડર પુશ્કિન અને એમ. લેમૉન્તૉયનાં કાવ્યોને પણ સંગીતમાં ઢાળ્યાં; સોલો ગિટાર અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિ ‘લિરિકલ નૉવેલે’ લખી. બે ‘મ્યૂઝિકલ’ નાટકો ‘માય બ્રધર પ્લેઝ ધ ક્લેરિનેટ’ અને ‘એ મિલિયન ન્યૂલી વેડ્ઝ’ માટે ગીતો સંગીતમાં ઢાળ્યાં.

1977માં સેંટ પીટર્સબર્ગ ખાતે સોવિયેત સંઘના સંગીતકારોના મેળાવડામાં કાઝ્લાયેવની ઑર્કેસ્ટ્રા માટેની સિમ્ફનિક ફૅન્ટસી ‘ધ મૉર્ન ઑવ્ રશિયા’નું પ્રથમ વાદન થયું. 1967માં ડાઘેસ્તાની સરકારે ધ સ્ટેટ પ્રાઇઝ ઑવ્ ડાઘેસ્તાનથી અને 1970માં સોવિયેત સરકારે ગ્લિન્કા સ્ટેટ પ્રાઇઝથી તેમને નવાજેલા.

અમિતાભ મડિયા