કાઝી દૌલત (જ. 1600, સુલતાનપુર; અ. 1638) : મધ્યકાલીન બંગાળી કવિ. આરાકાનનો રાજા નિરાશ્રિત બનીને આવેલો અને બંગાળમાં રહેલો. ઘણાં વર્ષો બંગાળમાં ગાળેલાં હોવાથી એ બંગાળી ભાષા તથા સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો. એણે પોતાનું રાજ્ય ફરી જીતી લીધું. પછી ત્યાં બંગાળીને સાંસ્કૃતિક ભાષા તરીકે અપનાવી, જેને પરિણામે આરાકાનમાં બંગાળી સાહિત્યની રચના થવા લાગી. એમાં પહેલો કવિ દૌલત કાઝી હતો. એણે રાજસ્થાનીમાં અત્યંત પ્રચલિત લોકકથા લોહચન્દ્રાણીની બંગાળી પદ્યમાં પાંચાલી (આખ્યાન) શૈલીમાં રચના કરી હતી.
એ કથામાં ગોહારનો રાજા લોહ મયના જોડે સુખી દાંપત્યજીવન ગુજારતો હતો. એવામાં એક યોગી ત્યાં આવ્યો અને એણે લોહને મોહરા દેશની રાજકુમારી ચન્દ્રાણીનું ચિત્ર બતાવ્યું. ચન્દ્રાણીનું લગ્ન કજોડું હતું. લોહ એના ચિત્રને જોઈને એના મોહમાં પડે છે અને મોહરા જઈ છાનોછપનો ચન્દ્રાણીને મળે છે. ચન્દ્રાણી પણ એને જોતાં જ એના પ્રેમમાં પડે છે અને એની જોડે ભાગે છે. એનો પતિ એનો પીછો કરે છે. લોહ અને એની વચ્ચે દ્વંદ્વયુદ્ધ થાય છે, તેમાં ચન્દ્રાણીનો પતિ માર્યો જાય છે. ચન્દ્રાણીના પિતા પણ લોહને જમાઈ તરીકે સ્વીકારે છે અને તેને રાજ્યાધિકાર પણ આપે છે.
પતિની ઉપેક્ષાને કારણે લોહની પત્ની મયના અત્યંત દુ:ખી છે. એ દુ:ખમોચન માટે દુર્ગાની આરાધના કરે છે અને એના પતિને પાછો લાવી આપવાની દુર્ગાને વિનવણી કરે છે. એવામાં સાતન નામે એક વણિકપુત્ર મયનાને જોઈ એની પર મુગ્ધ થયો. તેણે મયનાને લઈ આવવા દૂતી મોકલી. દૂતી મયનાને સાતન પ્રત્યે આકર્ષી શકી નહિ. એને અપમાનિત થઈ, માર ખાઈ પાછા જવું પડ્યું. પછી મયનાએ એક વિશ્વાસુ બ્રાહ્મણને પોતાનો પાળેલો પોપટ આપી પતિની શોધમાં મોકલ્યો. બ્રાહ્મણ અનેક સ્થળે ભટકી મોહરા પહોંચ્યો. પોપટને જોઈ લોહને મયનાનું સ્મરણ થયું. એટલે પુત્રને રાજગાદી સોંપી ચન્દ્રાણીને લઈ એ વતન પાછો ફર્યો.
દૌલત કાઝીએ સમગ્ર કથા અત્યંત રસપ્રદ રીતે નિરૂપી છે. દૌલત ભિન્ન ભિન્ન કાવ્યશૈલીથી સુપરિચિત સમર્થ કવિ હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન પણ સારું હતું. કેટલીક ઉપમાઓ કાલિદાસમાંથી લીધી છે અને છંદોરીતિ જયદેવમાંથી. વૈષ્ણવ કવિતાથી તો એ પૂરા રંગાયા હતા. કથામાં એમણે મયનાની બારમાસી પણ ગૂંથીને એમાં પ્રકૃતિનાં બદલાતાં રૂપો વિરહિણીના ચિત્ત પર કેવો પ્રભાવ પાડે છે તે અસરકારક રીતે આલેખ્યું છે. કથામાં કરુણ અને શૃંગાર બે પ્રધાન રસો છે, જેનું નિરૂપણ એમની ઉચ્ચ શ્રેણીની કવિત્વશક્તિનું દ્યોતક છે.
નિવેદિતા બસુ