કાઝી નજરૂલ ઇસ્લામ

January, 2006

કાઝી નઝરુલ ઇસ્લામ (જન્મ 24 મે 1899, ચુરુલિયા, બંગાળ પ્રેસિડેન્સી, ભારત; અ. 29 ઑગસ્ટ 1976 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ ,લેખક, નાટ્યકાર, સંગીતકાર, સૈનિક, ફિલ્મ અભિનેતા અને સ્વાતંત્ર્યસેનાની.

બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ, ભારત)ના બર્દવાન જિલ્લામાં બંગાળી મુસ્લિમ કાઝી પરિવારમાં જન્મેલા નઝરુલ ઇસ્લામના પિતાનું નામ કાઝી ફકીર અહેમદ અને માતાનું નામ ઝાહિદા ખાતુન હતું. તેમના પિતા કાઝી ફકીર અહેમદ સ્થાનિક પીરપુકુર મસ્જિદ અને હાજી પહેલવાન દરગાહના ઇમામ હતા. નઝરુલ ઇસ્લામે મદરસામાં કુરાન, હદીસ, ઇસ્લામિક ફિલસૂફી અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1908માં તેમના પિતાનું અવસાન થતાં તેમણે મસ્જિદની સંભાળ રાખનાર તરીકે તેમના પિતાનું સ્થાન લીધું. બાદમાં તેમણે મસ્જિદમાં મુઆઝ્ઝીન તરીકે કામ કર્યું.

લોકનાટ્ય તરફ આકર્ષાઈને તેઓ તેમના કાકા દ્વારા ચલાવવામાં આવતી ‘લેટોર ડોલ’માં જોડાયા. તેઓ અભિનય શીખ્યા. નાટકો માટે ગીતો અને કવિતાઓ લખી. તેમણે બંગાળી અને સંસ્કૃત સાહિત્ય તેમજ પુરાણો જેવા હિંદુ ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેમણે મંડળ માટે ‘ચાશા શોંગ’ (ખેડૂતનું નાટક), ‘શેકુનીબોધ’ (શકુનિની હત્યા),  ‘રાજા યુધિષ્ઠિરેર શોંગ’ (રાજાયુધિષ્ઠિર), ‘દાતા કોર્ણો’ (પરોપકારી કર્ણ), ‘અકબર બાદશાહ’ (સમ્રાટ અકબર),  ‘કોબી કાલિદાસ’ (કવિ કાલિદાસ) વગેરે લોકનાટકો લખ્યાં.

1910માં તેઓ રાનીગંજની સીરસોલ રાજ હાઈસ્કૂલમાં જોડાયા. બાદમાં માથરુન હાઈ ઇંગ્લિશ સ્કૂલમાં ગયા. શાળાની ફી ચૂકવવામાં અસમર્થ હોવાથી તેમણે શાળા છોડી અને એક ખ્રિસ્તી રેલવે ગાર્ડના ઘરે રસોઈયા તરીકે, એક બેકરીમાં અને આસનસોલમાં ચાની દુકાનમાં નોકરી શરૂ કરી. 1914માં તેમણે મેમનસિંહ જિલ્લાના ત્રિશાલમાં આવેલી દરીરામપુર સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે બંગાળી, સંસ્કૃત, અરબી, ફારસી સાહિત્ય અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. નઝરુલ ઇસ્લામે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ પ્રિ-મેટ્રિક્યુલેશન પરીક્ષા આપી નહીં. 1917માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 49મી બંગાળ રેજિમેન્ટમાં જોડાયા. તેમને કરાચી છાવણીમાં મૂકવામાં આવ્યા. ત્યાં તેમણે તેમનું પ્રથમ ગદ્ય અને કવિતા લખી. આ સમયગાળા દરમિયાન તેમણે રવીન્દ્રનાથ ટાગોર અને શરતચંદ્ર ચેટર્જીની તેમજ ફારસી કવિઓ હાફિઝ, ઓમર ખય્યામ અને રૂમીની રચનાઓનો અભ્યાસ કર્યો. તેમણે રેજિમેન્ટના પંજાબી મૌલવી પાસેથી પર્શિયન કવિતા શીખી, સંગીતનો અભ્યાસ કર્યો. 1920માં જ્યારે 49મી બંગાળ રેજિમેન્ટને વિખેરી નાખવામાં આવી ત્યારે તેમણે બ્રિટિશ ઇન્ડિયન આર્મી છોડી અને કોલકતામાં સ્થાયી થયા. તેઓ બંગાળી મુસ્લિમ લિટરરી સોસાયટીના સ્ટાફમાં જોડાયા. 1920માં તેમણે તેમની પ્રથમ નવલકથા ‘બંધન-હારા’ પ્રકાશિત કરી.

તેમણે 12 ઑગસ્ટ, 1922ના રોજ ‘ધૂમકેતુ’ નામનું દ્વિ-સાપ્તાહિક સામાયિક શરૂ કર્યું જે બ્રિટિશ સામ્રાજ્યની ટીકા કરતું હતું. સપ્ટેમ્બર 1922માં પોલીસે ‘ધૂમકેતુ’ની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. 23 જાન્યુઆરી 1923ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં લાંબી દલીલ રજૂ કરી. 14 એપ્રિલ, 1923ના રોજ તેમને આલીપોર જેલમાંથી હુગલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે બ્રિટિશ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા દુર્વ્યવહારના વિરોધમાં 40દિવસના ઉપવાસની શરૂઆત કરી. એક મહિના કરતાં વધુ સમય પછી તેમણે ઉપવાસ છોડ્યા અને ડિસેમ્બર 1923માં જેલમાંથી મુક્ત થયા. તેમણે તેમના જેલવાસ દરમિયાન અસંખ્ય કવિતાઓ અને ગીતોની રચના કરી. 1920ના દાયકામાં બ્રિટિશ ભારત સરકારે તેમના ઘણા લખાણો પર પ્રતિબંધ મૂક્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરે 1923માં તેમનું નાટક ‘બસંત’ નઝરુલ ઇસ્લામને સમર્પિત કર્યું હતું. તેમણે ટાગોરનો આભાર માનવા માટે ‘અજ સૃષ્ટિ શુખેર ઉલ્લાસે’ કવિતા લખી હતી. ઑગસ્ટ 1924માં પ્રકાશિત તેમના પુસ્તક ‘બિશેર બંશી’ પર બ્રિટિશ રાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નઝરુલ ઇસ્લામ ખિલાફત ચળવળના ટીકાકાર હતા. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય પાસે પૂર્ણ રાજકીય સ્વતંત્રતા ન સ્વીકારવા બદલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ટીકા કરી હતી. 16 ડિસેમ્બર, 1925ના રોજ તેમણે ‘લંગલ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને તેના મુખ્ય સંપાદક તરીકે સેવા આપી.

1921માં તેઓ બંગાળી હિંદુ મહિલા પ્રમિલા દેવીને મળ્યા. એની સાથે પ્રેમમાં પડ્યા અને 25 એપ્રિલ, 1924ના રોજ લગ્ન કર્યા. બ્રહ્મસમાજે લગ્ન કરવા બદલ બ્રહ્મસમાજની સભ્ય પ્રમિલાની ટીકા કરી અને મુસ્લિમ ધર્મગુરુઓએ નઝરુલ ઇસ્લામની હિંદુ મહિલા સાથેના લગ્ન માટે ટીકા કરી હતી.

નઝરુલ ઇસ્લામે બંગાળીમાં ગઝલોને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપ્યો હતો. તેમણે હિન્દુ દેવી કાલી પર ભક્તિગીતો પણ લખ્યાં હતાં. તેમણે હિંદુ ભક્તિમય સંગીતને જોડીને સંખ્યાબંધ નોંધપાત્ર શ્યામસંગીત,  ભજન અને કીર્તનની રચના પણ કરી હતી. 1928માં તેમણે હિઝ માસ્ટર વૉઇસ ગ્રામોફોન કંપની માટે ગીતકાર, સંગીતકાર અને સંગીત નિર્દેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમના દ્વારા લખાયેલાં ગીતો અને સંગીત ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપની સહિત સમગ્ર ભારતમાં રેડિયો સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવ્યાં હતાં.

નઝરુલ ઇસ્લામને બંગાળી સાહિત્યના મહાન કવિઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ હતા. રાજકીય અને સામાજિક ન્યાય માટે તેમની સક્રિયતા માટે ‘બિદ્રોહી કવિ’નું બિરુદ મળ્યું. તેમણે હજારો ગીતો લખ્યાં જે ‘નઝરુલ ગીતી’ તરીકે ઓળખાય છે. તેમણે 500થી વધુ હિંદુ ભક્તિગીતો લખ્યાં હતાં. મુસ્લિમ હોવા છતાં તેમણે તેમના પુત્રોનાં નામ કૃષ્ણ મોહમ્મદ, અરિંદમ ખાલેદ, કાઝી સબ્યસાચી અને કાઝી અનિરુદ્ધ એમ હિન્દુ અને મુસ્લિમ બંને નામોથી રાખ્યા હતા.

1930માં તેમના પુસ્તક ‘પ્રલયશિખા’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 1931માં મુક્ત કરવામાં આવ્યા હતા. 1928 અને 1935 દરમિયાન તેમણે 800 ગીતો ધરાવતા 10 ખંડ પ્રકાશિત કર્યા, જેમાંથી 600 કરતાં વધુ શાસ્ત્રીય રાગો પર આધારિત હતા. તેમની કવિતાનો અંગ્રેજી, સ્પેનિશ અને પોર્ટુગીઝ ભાષાઓમાં અનુવાદ થયો છે.

તેમની દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ધ્રુવ ભક્ત’ હતી. તેમણે નારદનો અભિનય કર્યો હતો અને ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તેમણે તેના માટે ગીતો પણ કંપોઝ કર્યા, સંગીતનું દિગ્દર્શન કર્યું અને પ્લેબેક સિંગર તરીકે સેવા આપી. 1936માં ફિલ્મ ‘વિદ્યાપતિ’ તેમના રેકોર્ડ કરેલા નાટકના આધારે બનાવવામાં આવી હતી અને તેમણે ટાગોરની નવલકથા ‘ગોરા’ના ફિલ્મ રૂપાંતરણ માટે સંગીત નિર્દેશક તરીકે સેવા આપી હતી. 1939માં તેમણે કલકત્તા રેડિયો માટે કામ કરવાનું શરૂ કર્યું.

1939માં તેમનાં પત્ની પ્રમિલા દેવી ગંભીર રીતે બીમાર પડ્યાં. તેમને કમરથી નીચે તરફ લકવો થયો. પત્નીની સારવાર માટે તેમણે ગ્રામોફોન રેકોર્ડ્સ અને સાહિત્યિક કૃતિઓની રોયલ્ટી 400 રૂપિયામાં ગીરો રાખી હતી. બંગાળી રાજકારણી એ.કે. ફઝલુલ હક દ્વારા સ્થપાયેલા દૈનિક અખબાર ‘નબજુગ’ના મુખ્ય સંપાદક તરીકે તેઓ 1940માં પત્રકારત્વમાં પાછા ફર્યા.

1942માં 43 વર્ષની ઉંમરે તેમને એક અજાણ્યો રોગ થયો. આથી તેમણે પોતાનો અવાજ અને યાદશક્તિ ગુમાવી દીધાં. વિયેનામાં તબીબી ટીમે તેમને દુર્લભ અસાધ્ય પીક રોગ થયાનું જાહેર કર્યું. રાંચીની માનસિક હૉસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેમનો પરિવાર તેમને બાંગ્લાદેશ લઈ ગયો અને 1972માં ઢાકામાં સ્થાયી થયો. ચાર વર્ષ પછી 29 ઑગસ્ટ, 1976ના રોજ તેમનું અવસાન થયું. તેમને ઢાકા યુનિવર્સિટીની સેન્ટ્રલ મસ્જિદની બાજુમાં દફનાવવામાં આવ્યા. બાંગ્લાદેશે બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવ્યો હતો અને ભારતની સંસદે તેમના માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું.

બાંગ્લાદેશ સરકારે 1972માં તેમને ‘રાષ્ટ્રીય કવિ’નો દરજ્જો આપ્યો હતો. તેમને 1945માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા બંગાળી સાહિત્યમાં કામ કરવા માટેનું સર્વોચ્ચ સન્માન ‘જગત્તારિણી સુવર્ણચંદ્રક’ અને 1960માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. તેમને 1974માં ઢાકા યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લિટ. અને 1976માં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ જસ્ટિસ અબુ સદાત મુહમ્મદ સયેમ દ્વારા ‘એકુશે પદક’ એનાયત કરવામાં આવ્યા હતા.

તેમની યાદમાં માર્ગો, યુનિવર્સિટીઓ, કૉલેજો, સંસ્થાઓ, પુસ્તકાલયો, એરપોર્ટ, સ્ટેશન વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીમાં તેમના નામ પર એક ખુરશીનું નામ આપવામાં આવ્યું છે.

અનિલ રાવલ

શિવપ્રસાદ રાજગોર