કાઝી કાઝન

January, 2006

કાઝી કાઝન (જ. 1463; અ. 1551) : મધ્યકાલીન સિંધી કવિ. કાઝી કાઝને જીવનનો અધિક સમય સિંધના બખર નગરમાં વિતાવ્યો હતો અને તે એ નગરના પ્રસિદ્ધ કાઝી હતા. ઉપલબ્ધ મધ્યકાલીન સિંધી સાહિત્યના તે આદિ કવિ ગણાય છે. તે વારાણસીના પ્રસિદ્ધ સૂફી દરવેશ સૈયદ મુહમ્મદના શિષ્ય હતા અને મુસ્લિમ સૂફીઓ ઉપરાંત યોગીઓના સંપર્કમાં રહ્યા હતા. સિંધીમાં તેમના સાત બેત મળ્યા છે જે દોહા-સોરઠાના રૂપમાં રચાયેલા છે. હાલમાં હરિયાણાના એક મઠમાંથી તેમના 112 બેત પ્રાપ્ત થયા છે, જે તત્કાલીન નાગરી લિપિમાં લખાયેલા છે. કાઝી કાઝનના બેત સૂફી મતનાં રત્નો છે. એમનાં પદો ભાષાકીય સંશોધનક્ષેત્રે ઉપયોગી નીવડ્યાં છે. તેમણે કવિતામાં સૂફીવાદ અને વેદાંતદર્શનનો સમન્વય સાધ્યો છે. ફારસી ભાષામાં કાઝી કાઝનનો એક ‘દીવાન’ (કાવ્યસંગ્રહ) મળે છે. સિંધી લોકકથાનાં પાત્રોના સૌપ્રથમ લિખિત નિર્દેશ તેમની કવિતામાં મળે છે.

જયંત રેલવાણી