કાઝાન્ઝાકિસ, નિકોસ

January, 2006

કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો લેવો પડેલો. જોકે કાઝાન્ઝાકિસે યુનિવર્સિટી ઑવ્ ઍથેન્સમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરેલો. (1902-06). તેમણે પૅરિસમાં રહી હેનરી બર્ગર્સાં પાસે પણ તત્વજ્ઞાનનો અભ્યાસ કરેલો (1907-09). ત્યારબાદ સ્પેન, ઇંગ્લૅન્ડ, રશિયા, ઇજિપ્ત, પેલેસ્ટાઇન અને જાપાન જેવા દેશોનો લાંબો પ્રવાસ કરેલો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થાય તે પહેલાં ઍજિના ટાપુમાં રહેવાનું શરૂ કર્યું હતું. ગ્રીસની સરકારમાં તેમણે પ્રધાનમંડળમાં રહી પોતાની સેવા આપેલી. પૅરિસમાં યુનેસ્કો(યુનાઇટેડ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન)માં ગ્રીસના પ્રતિનિધિ તરીકે સેવા કરેલી. (1947-48). ત્યારબાદ તેઓ ફ્રાન્સમાં ઍન્ટિબી(Antibes)માં રહેતા હતા.

કાઝાન્ઝાકિસના લખાણનો વ્યાપ વિશાળ છે. તત્વજ્ઞાનના વિવિધ વિષયો પર તેમના લખેલા ચિંતનાત્મક નિબંધો, પ્રવાસવર્ણનો, કરુણાંત નાટકો અને અન્ય ભાષામાંથી આધુનિક ગ્રીક ભાષામાં કરેલા અનુવાદો પ્રશંસનીય છે. દાન્તેના ‘ડિવિના કૉમેડિયા’ (‘ડિવાઇન કૉમેડી’) અને ગેટેના ‘ફાઉસ્ટ’ના અનુવાદો તેમણે કર્યા છે. ઊર્મિકાવ્યોની સાથે તેમણે ‘ઓડિસા’ શીર્ષકથી પ્રાચીન ગ્રીક મહાકાવ્ય ‘ઑડિસી’નો અનુવાદ 1938માં કરેલો, જેની મરણોત્તર આવૃત્તિ 1958માં થયેલી. મહાકવિ હોમરના પ્રાચીન કાવ્ય ‘ઑડિસી’ની પૂર્તિ રૂપે તેમણે 33,333 પંક્તિઓની રચના કરેલી; જેમાં કવિએ પોતાના તત્વજ્ઞાનના વિષયોના પૂરા ચિંતનને આવરી લીધું છે.

કાઝાન્ઝાકિસની નવલકથાઓનાં ભાષાંતર થયાં છે તેમાં ‘વિઑસકેઇ પોલિશિયા તાઉ ઍલેક્સી ઝૉર્મપ્દ’ (1946; ‘ઝૉર્બા ધ ગ્રીક’, 1952); ‘ઑ કૅપ્તેન મિખાલિસ’ (1950; ‘ફ્રીડમ ઑર ડેથ’, 1956); ‘ઑ ક્રિસ્ટોઝ ઝૅનેસ્તેવ્રોદનેતાઈ’ (954; ‘ધ ગ્રીક પૅશન’, 1954) અને ‘ઑ તેલીવ્તૅઑસ પિરાસ્મૉસ’ (1955; ‘ધ લાસ્ટ ટેમ્પ્ટેશન ઑવ્ ક્રાઇસ્ટ’, 1960) નોંધપાત્ર છે. તેમના અવસાન બાદ પ્રગટ થયેલી કૃતિઓ ‘ઍનાફોર્દસ્તૉવ ગ્રીકો’ (1961) અને ‘રિપૉર્ટ ટુ ગ્રીકો’ (1965) આત્મકથનાત્મક છે. તેમની કેટલીક નવલકથાઓ પર આધારિત ચલચિત્રોમાં ‘સેલ્યુઇકી દોઇત મોરિર’ (1958, ‘હી હૂ મસ્ટ ડાય’, ‘ધ ગ્રીક પૅશન’માંથી) અને ‘ઝૉર્બા ધ ગ્રીક’ (1964) છે. તેમનાં બીજાં પત્ની, હેલન કાઝાન્ઝાકિસે પોતાના પતિનું ‘નિકોસ કાઝાન્ઝાકિસ’ (1968) નામનું જીવનચરિત્ર લખ્યું છે.

દિગીશ મહેતા

વિ. પ્ર. ત્રિવેદી