કાઝી અબ્દુલ વહ્હાબ

January, 2006

કાઝી અબ્દુલ વહ્હાબ : પાટણ(ગુજરાત)ના ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન શેખ મોહમ્મદ તાહિરના પૌત્ર. મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં પાટણના મુફતી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ઔરંગઝેબે તેમને પોતાના સૈન્યના કાઝી અને પાછળથી કાઝી-ઉલ-કઝાત (મુખ્ય ન્યાયાધીશ) બનાવ્યા હતા. તે મુસ્લિમ કાયદા ‘ફિક્હ’ના નિષ્ણાત હતા અને પોતાની ફરજો પ્રામાણિકતાથી બજાવતા. કાયદાપાલનની બાબતમાં તેમની સખ્તાઈને લઈને અમીર-ઉમરાવો તેમનો વિરોધ કરીને ખોટા આરોપો મૂકતા હતા પરંતુ ઔરંગઝેબનો તેમના ઉપરનો વિશ્વાસ ઓછો થયો ન હતો. ઔરંગઝેબના શાહજાદા મોહમ્મદ આઝમ, મોહમ્મદ અકબર, સુલતાન ઇઝ્દ બખ્શ અને ખુદ સુલતાનના નિકાહ તેમણે પઢાવ્યા હતા.

રાજ્યની સેવામાં તેમને ઘણા માનચાંદ મળ્યા હતા અને તેમની પાસે ઘણું ધન પણ એકઠું થયું હતું. તેમના અવસાન પછી તેમના પુત્ર શેખ-ઉલ-ઇસ્લામ પણ કાઝી બન્યા હતા. ઔરંગઝેબના સમયના ફારસી ઇતિહાસ ‘મઆસિર-એ-આલમગીરી’માં તેમનો ઉલ્લેખ મળે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી