કાચકો : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista Linn. syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ, કૂર્બરાક્ષ; હિં. કટુક રંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; તે. ગુચ્ચેપિક્કા કચકાઈ, ગચ્ચા; અં. ફિવર નટ, બોંડક નટ) છે. તેના સહસભ્યોમાં ગલતોરો, શંખાસુર, રામબાવળ, ગરમાળો, અશોક, આંબલી, દેવકંચન વગેરેનો સમાવેશ થાય છે. તે એક મોટો આરોહી (scandent) કાંટાળો ક્ષુપ છે અને ભારત, મ્યાનમાર અને શ્રીલંકાના ઉષ્ણ વિસ્તારોમાં બધે જ થાય છે. તે ખાસ કરીને દરિયાકિનારે અને 750 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનાં પર્ણો દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત હોય છે. તેની પર્ણિકાઓ અંડાકાર હોય છે. પર્ણિકાઓની ઉપરની સપાટી અરોમિલ અને નીચેની સપાટી રોમિલ હોય છે. પુષ્પો અગ્રીય કે કક્ષીય કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં અને પીળા રંગનાં હોય છે. ફળ શિંબી (requme) પ્રકારનું અને કાંટાળું હોય છે અને એક કે બે બીજ ધરાવે છે. ફળને કાચકા અને બીજને કરકચ કહે છે. બીજ લગભગ ગોળાકાર (1.25 સેમી.થી 2.0 સેમી. વ્યાસ), ભૂખરાં, સખત, લીસી અને ચળકતી સપાટીવાળાં હોય છે. કવચ જાડું અને બરડ હોય છે અને પીળાશ પડતા સફેદ, કડવા અને તૈલી મીંજને ઢાંકે છે.
ભારતમાં કાચકાનો ઘણા સમયથી બલ્ય અને જ્વરરોધી (antipyretic) તરીકે ઉપયોગ થાય છે. ભારતના ઔષધકોશ(pharmacopoeia)માં 1868થી કાચકો અધિકૃત બન્યો છે. પર્ણો અને બીજનો ઉપયોગ સોજા મટાડવા થાય છે. પર્ણો અને છાલ આર્તવપ્રેરક (emmenagogue), જ્વરહર (febrifuge) અને કૃમિહર (anthelmintic) છે. બીજમાંથી પ્રાપ્ત કરવામાં આવેલું સ્થાયી તેલ પ્રશામક (emolient) હોવા ઉપરાંત તેનો ઉપયોગ ચહેરા પરથી તલકાં (freckles) દૂર કરવા માટે મર્દનદ્રવ (embrocation) તરીકે અને કાનમાંથી થતા સ્રાવને અટકાવવા માટે થાય છે.
મીંજના ક્લૉરોફૉર્મમાં કરેલા નિષ્કર્ષણથી મેળવેલા તેલમાં કડવો ગ્લાયકોસાઇડ બોંડુસિન (C20H28O8) પાણીમાં અદ્રાવ્ય અને આલ્કોહૉલ, ઍસિટોન, પિરિડિન અને ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય હોય છે. મીંજના આલ્કોહૉલના નિષ્કર્ષમાંથી મેળવેલું કડવું ઘટક પક્ષીના મલેરિયા સામે બિનઅસરકારક રહે છે. કડવા ઘટક ઉપરાંત મીંજ મેદીય તેલ (20 %-24 %), સ્ટાર્ચ, સુક્રોઝ, સિટોસ્ટેરોલ અને હૅપ્ટોકોસેન ધરાવે છે. તેલ જાડું, આછા પીળા રંગનું હોય છે અને ખરાબ વાસ ધરાવે છે.
આયુર્વેદ અનુસાર કાચકો તૂરો, કડવો, ઉષ્ણ અને શોષક છે. તે કફ, પિત્તાર્શ, શૂળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમિ, રક્તાર્શ, વાતાર્શ અને રક્તદોષનો નાશ કરે છે. તે ક્ષય, સુવારોગ અને પેટશૂળ; ઉપદંશવ્યાધિ તથા કૃમિ પડવા ઉપર, વાયુના ગોળા ઉપર, બાળકના પેટમાં લોહીની ગાંઠ બને તે ઉપર, સસણી રોગ અને આમ ઉપર ઉપયોગી છે.
હરડે સાથે કાચકાનો ઘસારો આપવાથી દૂધનું પાચન થાય છે અને અપચાને કારણે પેટ ફૂલતું નથી. તેની કડવાશ એક વિશિષ્ટ પ્રકારની શક્તિ આપે છે. પ્રસૂતાનો થાક, ઝીણો તાવ, અશક્તિ અને મંદાગ્નિમાં તેનું સેવન લાભકારી છે. પ્રસૂતાવસ્થાનો ગર્ભાશયમાં રહેલો વિજાતીય ભરાવો તે ફેંકી દે છે. સિંધવ અને અજમા સાથે લેવો એ હિતાવહ ગણાય છે. પાનનો રસ અને મૂળની છાલ કૃમિઘ્ન, જ્વરઘ્ન અને આમઘ્ન છે.
C. jayabo Maza syn. C. bonduc (Linn.) Roxb., C. crista સાથે કેટલાક પ્રમાણમાં સામ્ય ધરાવે છે અને તેનું ઔષધમૂલ્ય ઓછું ગણાય છે.
પ્રાગજી મો. રાઠોડ
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ