કાચકાગળ (sand paper) : અપઘર્ષક (abbrasive) તરીકે વપરાતો કાગળ. તેની બનાવટમાં જાડા કાગળની એક બાજુએ રેતીના કણો ગુંદર કે તેના જેવા અન્ય પદાર્થની મદદથી ચોંટાડેલા હોય છે. રેતી ખૂબ જ કઠિન અને સારો અપઘર્ષક પદાર્થ છે. સામાન્ય રેતીને બદલે કાચકાગળની બનાવટમાં કવાર્ટ્ઝ વપરાય છે. ક્વાર્ટ્ઝના કણ ખૂબ જ નાના હોવાથી તીક્ષ્ણ ધાર તરીકે કામ આપે છે. તેનાથી સપાટી લીસી બને છે અને તેના પર ચકચકિત પૉલિશ થઈ શકે છે. હાલમાં ક્વાર્ટ્ઝની જગ્યાએ ઍલ્યુમિનિયમ ઑક્સાઇડના કણો વપરાય છે; છતાં તે ‘કાચકાગળ’ તરીકે જ ઓળખાય છે. 20 મેશ(mesh)થી 325 મેશ માપ સુધીના ક્વાર્ટ્ઝના કણ વાપરવામાં આવે છે. 20 મેશના માપના ક્વાર્ટ્ઝમાંથી બનાવેલ કાગળ નંબરના કાચકાગળથી ઓળખાય છે. તે જ પ્રમાણે , 2, , 0, 00 અને 0000 નંબરની સંજ્ઞાથી કાચકાગળ ઓળખાય છે. 0000 નંબરના કાચકાગળનો ઉપયોગ અતિશય લીસી સપાટી બનાવવા માટે કરવામાં આવે છે.

એન. જે. માણેક