કાકીનાડા (જિલ્લો)

January, 2024

કાકીનાડા (જિલ્લો) : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જેનું પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી નિર્માણ કરાયું છે. (26 જાન્યુઆરી, 2022)

ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 16 93´ ઉ. અ. અને 82 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લો, દક્ષિણે બંગાળનો  ઉપસાગર અને યાનમ જિલ્લો, પૂર્વે અનકાપલ્લી જિલ્લો અને પશ્ચિમે પૂર્વ ગોદાવરી, ડૉ. બી. આર. આબેંડકર કોનાસીમા જિલ્લા આવેલા છે. કાકીનાડા સમુદ્રકાંઠાથી હોપ આઇલૅન્ડ વચ્ચેનું અંતર આશરે 11.5 કિમી. છે. જેની લંબાઈ 16 કિમી. છે. આ જિલ્લો નદીઓના કાંપ-માટીના નિક્ષેપથી રચાયેલો છે. પરિણામે સમતળ અને સપાટ છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ ગોદાવરી અને પુશકારા છે. આ સિવાય પેલુરુ, થાનડાવા, પંપા છે.

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 35 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 29 સે. જેટલું અનુભવાય છે. સમુદ્રકિનારો નજીક હોવાથી લગભગ વર્ષભર વરસાદ અનુભવાતો રહે છે. મહત્તમ વરસાદ સપ્ટેમ્બર–ઑક્ટોબર માસમાં અનુભવાય છે. જેની માત્રા 200થી 250 મિમી. જેટલી રહે છે. અહીં અવારનવાર ચક્રવાત અનુભવાતા રહે છે.

કિનારાના વિસ્તારો કે જે ગોદાવરીના નિક્ષેપનને કારણે નિર્માણ પામ્યા હોવાથી અહીં મુખ્ય વૃક્ષોમાં સુંદરી, મૅન્ગ્રોવ, તાડ, નાળિયેરી, રોજોફરોશ, સોનેરિટા, ફિનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. કિનારાથી દૂરના વિસ્તારમાં છોડોનું વૈવિધ્ય જોવા મળે છે. સુવર્ણ શિયાળ તેમજ દરિયાકિનારે જળબિલાડી અને મત્સ્યનું પ્રમાણ અધિક છે. પક્ષીઓની પણ વિવિધતા રહેલી છે.

અર્થતંત્ર : નદીઓનાં કાંપ-માટીના નિક્ષેપણથી રચાયેલાં મેદાનો ફળદ્રૂપ છે. અહીં ડાંગરની ખેતી મુખ્ય છે. આ સિવાય રાગી, બાજરી, જુવાર, કઠોળ અને ટોપિયાકોની ખેતી લેવાય છે. રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, તમાકુ અને તેલીબિયાં છે. બાગાયતી ખેતીનો વિકાસ જોવા મળે છે. પરિણામે અહીં નાળિયેરી, કૉફી, મરી, કાજુના બગીચા આવેલા છે. નારંગી, લીંબું, ફણસ, પાઇનેપલ અને શાકભાજીની ખેતી થાય છે. ફૂલોનું બજાર અહીં સારું છે.

અહીં ખાદ્યપ્રકમણ, રેશમી અને સુતરાઉ કાપડ બનાવવાના, કૃષિ ઓજારો, રસાયણો, દવાઓ બનાવવાના તેમજ ચર્મ ઉદ્યોગ પણ વિકસ્યા છે. આ સિવાય પ્રવાસન ઉદ્યોગને વધુ પ્રાધાન્ય મળ્યું છે. તેનું મુખ્ય કારણ જંગલો અને અભયારણ્યો છે. સંસ્કૃતિને આધારે પ્રવાસન ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળ્યું છે.

આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 216 પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લાના માર્ગો આવેલા છે. રાજ્ય સરકારની  અને ખાનગી બસો ઉપલબ્ધ છે. અહીં ફક્ત કાકીનાડા રેલવે જંકશન છે. એક જ બ્રૉડગેજ લાઇન આવેલી છે. જે કાકીનાડા – સમાકોટાને સાંકળે છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,019 કિમી. છે જ્યારે વસ્તી (2011 મુજબ) 20,92,374 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1007 મહિલાઓ છે. શહેરી વસ્તીનું પ્રમાણ 31.67% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 15.82% અને 1.47% છે. અહીં હિન્દુઓની વસ્તી 96.78% છે, મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી અનુક્રમે 1.47% અને 1.40% છે અને 0.35% અન્ય વસ્તી છે.

અહીંની સત્તાવાર ભાષા તેલુગુ છે. જેની ટકાવારી 98.41% છે. આ સિવાય ઉર્દૂ 1.14% અને અન્ય 0.45% છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાને બે મહેસૂલી વિભાગમાં વિભાજિત કરેલ છે, જેમાં કાકીનાડા અને પેહાપુરમ્ છે. આ બંનેને 21 ઉપ-વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.

જોવાલાયક સ્થળો :

સમાલકોટ : નવમી સદીનું શિવમંદિર, ટલુપુલામ્મા લોવા : સ્વયંભૂ શિવમંદિર, પન્ડાવુલા મેટ્ટા : જંગલમાં આવેલી ટેકરી, અન્નાવરમ્ : તિરુપતિ પછી વધુ જાણીતું મંદિર, ગોલ્લાલા મમીદાદા : જાણીતું ગોપુરમ્, કુકુટેશ્વરા સ્વામી મંદિર, થોલી તિરુપતિ : 9000 વર્ષ જૂનું મંદિર, આંધ્ર સબારીમાલા મંદિર, અડુરુ બૌદ્ધ સ્તૂપ : 2400 વર્ષ જૂનો, સમરલાકોટ : શિવમંદિર

હોપટાપુ : આ ટાપુ 16 97´ ઉ. અ. અને 82 35´ પૂ. રે. ઉપર આવેલો છે. આશરે 200 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો. આ ટાપુની લંબાઈ આશરે 16 કિમી. જેટલી છે. કાકીનાડાના કિનારાથી ટાપુ સુધીનો જળવિસ્તાર ‘કાકીનાડા અખાત’ તરીકે ઓળખાય છે. આ અખાત આશરે 100 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલો છે. આ ટાપુને કારણે કાકીનાડાનો કિનારો ચક્રવાતથી ભરતી/ત્સુનામીથી સુરક્ષિત રહે છે. આ ટાપુ કાકીનાડા માટે કુદરતી ‘Break Water Wall’ બન્યો છે. પરિણામે અહીં જહાજો સુરક્ષિત રીતે લાંગરી શકે છે. આમ કુદરતી બંદર કાકીનાડા આજે સૌથી સુરક્ષિત બંદર તરીકે ઓળખાય છે.

કોરિંગા વન્યજીવ અભયારણ્ય : આ અભયારણ્ય કાકીનાડા – યનમ રાજ્ય ધોરી માર્ગ ઉપર કાકીનાડાથી 20 કિમી. દૂર આવેલું છે. આ અભયારણ્યમાંથી ગોદાવરી નદી વહે છે. આ કોરિંગા અભયારણ્ય ગોદાવરી અભયારણ્યનો ભાગ છે. આ અભયારણ્યનો વિસ્તાર 235.7 ચો.કિમી. છે. નદી અને તેની શાખાનદીઓને કારણે સમગ્ર વિસ્તાર કાદવ-કીચડવાળો બનેલો છે. મોટા ભાગના અભયારણ્યમાં મૅન્ગ્રોવ વૃક્ષો છવાયેલાં છે. અહીં 18 કિમી. લાંબી રેતીટેકરી આવેલી છે. આંધ્રપ્રદેશનો સૌથી મોટો મૅન્ગ્રોવ જંગલોનો આ વિસ્તાર છે.  1978માં રાજ્ય સરકારે આ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો.

કાકીનાડા (શહેર) : આંધ્રપ્રદેશ રાજ્યના નવા રચાયેલા કાકીનાડા જિલ્લાનું પાટનગર અને શહેર.

ભૌગોલિક સ્થાન : તે 16 93´ ઉ. અ. અને 82 22´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેરમાંથી 82 પૂ. રે. પસાર થાય છે. આ શહેર સમુદ્રસપાટીથી આશરે 2 મીટરની  ઊંચાઈએ આવેલું છે. શહેરનો કેટલોક ભાગ સમુદ્રની સપાટીથી પણ નીચો આવેલો છે.

આ શહેર બે ભાગમાં વહેંચાયેલ છે પરંતુ તે પુલોથી સંકળાયેલ છે.  શહેરનો દક્ષિણનો ભાગ જગન્નાધાપુરમ્ જે બંકીગહામ નહેરથી જુદો પડે છે. શહેરની વાયવ્યે મેડાલાઇન ટાપુ નહેર અને શાખાઓ કાકીનાડા શહેરની સીમા રચે છે.

આબોહવા : અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની ગણાય. સમગ્ર વર્ષ દરમિયાન વાતાવરણ ગરમ અને ભેજવાળું અનુભવાય છે. અહીં સૌથી વધુ ગરમી મે અને જૂન માસ દરમિયાન રહે છે. મહત્તમ તાપમાન 38 સે.થી 42 સે. અનુભવાતું હોય છે. જાન્યુઆરી માસમાં તાપમાન નીચું રહે છે. જે લગભગ 18 સે.થી 20 સે. હોય છે. શહેરમાં વરસાદ મોટે ભાગે નૈર્ઋત્યના પવનોને આભારી છે. મધ્ય ઑક્ટોબર અને મધ્ય ડિસેમ્બર માસમાં ઈશાની પવનો પણ વરસાદ લાવે છે. આ શહેર અવારનવાર બંગાળના ઉપસાગરમાં ઉદભવતા નીચા દબાણનાં કેન્દ્રોને કારણે ચક્રવાતનો ભોગ બને છે. આ શહેરમાં સરેરાશ 1100થી 1150 મિમી. જેટલો વરસાદ પડે છે.

અર્થતંત્ર : શહેરનું અર્થતંત્ર ખેતપેદાશો, મત્સ્ય અને ઔદ્યોગિક એકમો પર નિર્ભર છે. ડાંગર અને નાળિયેરનું સૌથી મોટું ખરીદ-વેચાણનું કેન્દ્ર  છે. અહીં ખાદ્યતેલ, રિફાઇનરી, ફર્ટિલાઇઝર અને કુદરતી વાયુના સંદર્ભમાં સંકુલો આવેલાં છે. વીસમી સદીના મધ્ય ભાગમાં આ શહેર ખેતપેદાશો અને મત્સ્યનું મોટું કેન્દ્ર ગણાતું હતું, પરંતુ 21મી સદીના પ્રારંભથી અહીં કાપડ, ઑટોપાર્ટ્સ, યાંત્રિક સાધનો બનાવવાના એકમો સ્થપાયા હતા. આજે તો આ શહેર I.T., પાવર જનરેશન, કુદરતી વાયુ, પેટ્રોલિયમ અને આડપેદાશોનું મોટું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે.

પરિવહન : આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 216 પસાર થાય છે. અહીં પાકા રસ્તાની લંબાઈ 720 કિમી. છે. રાજ્ય ધોરી માર્ગ 42 જે કાકીનાડાને અન્ય શહેરો સાથે સાંકળે છે. રાજ્ય સરકાર સાગરમાલા યોજના હેઠળ નવા રસ્તાઓનું આયોજન કરી રહી છે. અહીં રાજ્ય સરકાર અને ખાનગી બસોની સુવિધા છે. ટૅક્સી, રિક્ષા, મોટરસાઇકલ જેવાં વાહનોનું પ્રમાણ અધિક છે.

કાકીનાડા રેલવે જંકશન શહેરનું પ્રવેશદ્વાર છે. કાકીનાડા ટાઉન અને કાકીનાડા પૉર્ટ એ મુખ્ય રેલવેસ્ટેશનો છે. આ રેલવેસ્ટેશન વિજયવાડા રેલવે વિભાગમાં આવે છે.

કાકીનાડા બંદર બંગાળના ઉપસાગરમાં મહત્ત્વનું કુદરતી બંદર ગણાય છે. રાષ્ટ્રીય  જળમાર્ગ નં. 4 સાથે તે સંકળાયેલ છે. આ જળમાર્ગ પ્રવાસન અને માલસામાનની હેરફેર  માટે ઉપયોગી છે. આ બંદરનો કિનારો ઊંડો છે માટે જહાજને જેટી પાસે સરળતાથી લાંગરી શકાય છે. ભારતનાં નાનાં 40 બંદરોમાં આ બંદર સૌથી  મોટું ગણાય છે. આ બંદરેથી ડાંગર, મકાઈ, રસાયણો, લોહઅયસ્ક, બૉક્સાઇટ, ખાદ્યપ્રકમણની નિકાસ વધુ  થાય છે.

આ જિલ્લાનું મહત્ત્વનું હવાઈ મથક રાજહુમેન્દ્રી હવાઈ મથક છે, જે કાકીનાડાથી 55 કિમી. દૂર છે.

વસ્તી : આ શહેરનો વિસ્તાર 152.51 ચો.કિમી. છે. જ્યારે મેટ્રો શહેરની વસ્તી (2011 મુજબ) 4,43,028 જેટલી છે. સાક્ષરતાનું પ્રમાણ 81.23% છે. અહીં 101 ઝૂંપડપટ્ટીઓ જોવા મળે છે. જે કુલ વસ્તીના 41% જેટલી થવા જાય છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 990  મહિલાઓ છે.

આંધ્રપ્રદેશનું સૌથી મોટું શૈક્ષણિક કેન્દ્ર છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. શહેરની આસપાસ અનેક ખાનગી સંસ્થાઓ જે વિવિધ અભ્યાસક્રમોનુ અધ્યાપન કરાવે છે. જેમાં એન્જિનિયરિંગ, મેડિકલ, ટૅકનિકલ, વાણિજ્યને લગતા વિષયો મુખ્ય છે. અહીં જવાહર નહેરુ ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટી, રંગવર્મા મેડિકલ કૉલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉરેન ટ્રેડ, મિનિસ્ટર ઑફ કૉમર્સ ઍન્ડ ટ્રેડ, મિનિસ્ટર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ, બી. આર. ગવર્નમેન્ટ કૉલેજ વગેરે આવેલાં છે.

ઇતિહાસ : કાકીનાડા પહેલાં કાકી નંદીવાડા તરીકે ઓળખાતું હતું. અહીં ડચ પ્રજાએ વસાહત સ્થાપી હતી. તે વખતે કોકાન્ડા તરીકે ઓળખાતું. તેલુગુ ભાષાનો શબ્દ Koka અથવા Coca તે બ્રિટિશરોએ તેને કોકાન્ડા તરીકે ઓળખાવ્યું હતું.

બ્રિટિશરોના સમયમાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનું કાર્યાલય ઊભું કર્યું હતું. 1759માં અહીં જહાજ બનાવવાનો અને મરામત કરવાનો પ્રારંભ બ્રિટિશરોએ કર્યો હતો. ગોદાવરી નદીની શાખાનદી કોરિંગા નદીના મુખનો વિસ્તાર બ્રિટિશરોને પસંદ પડ્યો હતો. 1787ના વર્ષમાં ચક્રવાતને કારણે 20,000 જેટલા માનવીઓ ગુમ થયા હતા. 1802માં રૉયલ નેવીનું મથક બન્યું હતું. 1832, 1839માં ચક્રવાતે પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું. 1839ના ચક્રવાતને કારણે 20,000 જેટલાં વહાણોનો નાશ થયો હતો. એશિયાટિક સોસાયટી ઑફ બૅંગાલ સંસ્થામાં હેનરી પીડ્ડીંગટોન(Henry Piddington)એ સૌપ્રથમ વાર ‘CYCLONE’ – ચક્રવાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી ભારતમાં આવા વાતાવરણીય તોફાનની ‘ચક્રવાત’ તરીકે  એક ઓળખ ઊભી થઈ છે. 1901માં રેતીના નિક્ષેપને કારણે નદીનાળામાં કોઈ જહાજ આવી શકતું ન હતું. 1925 સુધી ગોદાવરી જિલ્લાનું વડું મથક રાજહુમેન્દ્રી બની રહ્યું હતું. ત્યારબાદ પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી એ બે જિલ્લા નિર્માણ પામ્યા હતા. 4 એપ્રિલ, 2022થી પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી કાકીનાડાને એક નવા જિલ્લા તરીકે જુદો પાડવામાં આવ્યો છે.

નીતિન કોઠારી

શિવપ્રસાદ રાજગોર