કાકાની શશી (1928) : ગુજરાતી સુખાન્ત નાટક (comedy). લેખક કનૈયાલાલ મુનશી. યૌવનસુલભ ભાવુકતા અને ભાવનાશીલતા ધરાવતી, સ્વપ્નશીલ, દુન્યવી વાસ્તવિકતાથી અજાણ અને ભોળી, પુખ્તતામાં પ્રવેશતી શશિકલા અને તેને ઉછેરનાર ને છતાં તેના પ્રત્યે અંતરમાં ઊંડું આકર્ષણ અને સાચો પણ છૂપો પ્રેમ ધરાવનાર મનહરલાલ (કાકા) – એ બે પાત્રોને કેન્દ્રમાં રાખીને આ ત્રિઅંકી નાટક રચાયું છે. તેમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીપુરુષસમાનતાના આધુનિક ધખારા કરતી નારીઓની ભીતરી મનોવૃત્તિની વિડંબના દ્વારા કૃતક આધુનિકતા અને સુધારાપ્રવૃત્તિની પોકળતાને ઉઘાડી પાડી છે. માણસના મનની સ્વાભાવિક વૃત્તિઓને વાસ્તવિકતા અને વ્યવહારુતાથી સમજી સ્વીકારીને જીવનને, ભાવનાઓને અને સંબંધોને નક્કર પાયા પર મૂકવાની વાતને થોડીક ચર્ચા દ્વારા પણ મુખ્યત્વે વિડંબચિત્રો સમાં પાત્રોનાં વર્તન-વ્યવહાર, કટાક્ષો અને હાસ્યોત્પાદક પ્રસંગો દ્વારા આ નાટકમાં રજૂ કરવામાં આવી છે. કાકા અને શશી ગંભીરતાપૂર્વક અને વાસ્તવિક રીતે નિરૂપાયેલાં પાત્રો છે, જ્યારે બાકીનાં કંઈક વ્યંગાત્મક રેખાચિત્રો સમાં પણ વાસ્તવિકતાને જાળવીને આલેખાયેલાં પાત્રો છે. શશિકલાના જન્મદિનના પ્રસંગને કેન્દ્રમાં રાખીને જેમને તેણે વિશ્વાસથી સુશીલ મિત્રો માન્યાં છે તેમના વાસ્તવિક સ્વરૂપના પ્રકટન દ્વારા શશિકલાને નિર્ભ્રાન્ત થતી બતાવી છે. તે સાથે જ તેને પાલક મનહરલાલની લાગણી અને એકલતાનો પણ ખ્યાલ આવે છે. છેવટે તે કાકાને જ પરણવાનો નિર્ણય કરે છે. નાટકનો આ અંત ભાવકને કંઈક આઘાત આપવા જ લેખકે કદાચ પ્રયોજ્યો છે. તે વિવાદાસ્પદ નીવડ્યો છે, પણ એકંદરે સમગ્ર કૃતિ, કૃતક ભદ્રતાની અને મનુષ્યની જંતુવૃત્તિની ઠાવકી ઠેકડીની હળવાશથી સમાજસુધારાના હેતુને સિદ્ધ કરે છે. આખા નાટકમાં જળવાયેલી રંગભૂમિયોગ્ય વાસ્તવિકતા, બૌદ્ધિક વિચક્ષણતા અને સ્વાભાવિક સંવાદરીતિને કારણે તેમજ સાદ્યંત રંગક્ષમતાને લીધે તે ગુજરાતી નાટ્યસાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચે તે કડીરૂપ હોવાથી ‘કાકાની શશી’ ગુજરાતી નાટકના વિકાસમાં સીમાસ્તંભ ગણાય છે.

વિનોદ અધ્વર્યુ