કાકિનાડા : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. તેનું જૂનું નામ કોકનદ છે. સ્થાન : 16o 56′ ઉ. અ. અને 22o 15′ પૂ. રે.. કાકિનાડા વિશાખાપટનમથી દક્ષિણે 128 કિમી., ચેન્નાઈથી ઉત્તરે 592 કિમી. તેમજ વિજયવાડા અને હૈદરાબાદથી અનુક્રમે 202 અને 440 કિમી. દૂર છે. આંધ્રના કિનારાનો અગ્રભાગ (head land) તથા નદીમુખની નજીક આવેલ હોપ ટાપુને કારણે કાકિનાડાનું બંદર વાવાઝોડા તથા પવનનાં તોફાનોથી સુરક્ષિત છે. તેનું બારું વહાણવટા માટે બારે માસ ખુલ્લું રહે છે. ગોદાવરીની નહેરના કાંઠે આવેલું બારું 70 મી. પહોળું છે. ઈશાની અને નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે તથા દરિયાઈ પ્રવાહોને લીધે નદીનું મુખ પૂર્વ તરફ ખસતું રહ્યું છે. આ ઘસારાને રોકવા ધૂણા (groynes) બાંધવામાં આવ્યા છે. બંદરનું લંગરસ્થાન 8થી 10 કિમી. દૂર છે. શહેર હાવરા-ચેન્નાઈ બ્રૉડગેજ રેલવેના સામલકોટ સ્ટેશનથી 16 કિમી. દૂર છે. ભૂમિમાર્ગે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો દ્વારા રાજમહેન્દ્રી, યેનામ, રાજનગર વગેરે શહેરો સાથે જોડાયેલું છે. તુલી અને વિજયવાડા વચ્ચેની પૂર્વઘાટની પર્વતમાળા સુધી વિસ્તરેલી સાંકડી પટ્ટી તેનો પીઠપ્રદેશ છે. પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લા, કૃષ્ણા જિલ્લો અને હૈદરાબાદ તેના પીઠપ્રદેશમાં સમાવિષ્ટ છે.

ત્રિકોણાકાર મેદાનની અત્યંત ફળદ્રૂપ જમીનમાં ડાંગર, શેરડી, તમાકુ, નાળિયેરી વગેરે થાય છે. અંદરના સૂકા ઉચ્ચપ્રદેશમાં કપાસ, બાજરી, કઠોળ, તેલીબિયાં, એરંડા થાય છે. કિનારાના પ્રદેશમાં તાડ અને ફળાઉ વૃક્ષો મોટા પ્રમાણમાં છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. પીઠપ્રદેશમાં લોખંડ, મૅંગેનીઝ, ગ્રૅફાઇટ, સિલિકા, અબરખ વગેરે ખનિજો નીકળે છે.

શહેરમાં કાપડ, મોટરના છૂટક ભાગો, ખાંડ, શાર્ક માછલીનું તેલ તથા મીઠાનાં કારખાનાં છે. પંદર કરોડ રૂપિયાની વિશ્વબૅન્કની સહાયથી કાકિનાડાનો મત્સ્ય બંદર તરીકે વિકાસ થયો છે. યાંત્રિક હોડીઓ આ ઉદ્યોગમાં રોકાયેલી છે. હાલમાં ત્યાં સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં તેલ અને કુદરતી વાયુનો જથ્થો મળી આવ્યો છે. આ શોધ ગુજરાત રાજ્ય સંચાલિત ગુજરાત સ્ટેટ પેટ્રોટેક કમિશન (GSPC) દ્વારા થઈ છે.

બૈરામ તથા જગ્યા પેઠનું લોહઅયસ્ક કાકિનાડાથી જાપાન જાય છે. કપાસિયા, રેપસીડ, નાઇજરસીડ વગેરેનું તેલ તથા ખોળ, મગફળી, ચામડાં, હાડકાં, ચોખા, સિલિકા રેતી, અબરખ, ગ્રૅફાઇટ, મૅંગેનીઝ, તાડનાં પાન, આંબલી, મરચાં, તમાકુ, માછલી, પાઇનૅપલનો જામ, સિગારેટ વગેરેની નિકાસ થાય છે. ખાતર, ગંધક, પોટાશ, રૉક ફૉસ્ફેટ, અનાજ, સિમેન્ટ, મીઠું, યંત્રો વગેરે આયાત થાય છે. અહીં બંદર ખાતાની કચેરી તથા અન્ય કચેરીઓ તથા ઉચ્ચશિક્ષણની ત્રણ સંસ્થાઓ, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ છે. અંદાજિત વસ્તી મેટ્રોપોલિટન શહેર-5,14,000 (2020) છે.

શિવપ્રસાદ રાજગોર