કાકતી, બનિકાન્ત (જ. 15 નવેમ્બર 1894, બારપેટ્ટા, આસામ; અ. 15 નવેમ્બર 1952, ગૌહતી) : અસમિયા ભાષાના અગ્રણી વિવેચક અને ભાષાવિજ્ઞાની. ડૉ. કાકતી ગૌહતી યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક હતા અને સાહિત્ય ભણાવતા. પ્રાચીન અસમિયા સાહિત્ય વિશેનાં તેમનાં અધ્યયનો પ્રથમ ‘ચેતના’ સામયિકમાં પ્રકાશિત થયેલાં અને પછી ‘પુરાણી અસમિયા સાહિત્ય’(1940)માં તે સંગૃહીત થયાં છે. એમણે કેટલાક સાંપ્રત અસમિયા કવિઓનું પણ અધ્યયન કર્યું છે. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું એમનું જ્ઞાન ઊંડું હતું. ‘અસમિયા : ભાષા, તેનું ઘડતર અને વિકાસ’ એ તેમની ચિરસ્મરણીય સંશોધનાત્મક કૃતિ છે. અસમિયા ભાષા અને વ્યાકરણ વિશેનું તે પ્રમાણભૂત અધ્યયન છે. પોતે પૂર્વ અને પશ્ચિમના સાહિત્યના સારા વિદ્વાન હતા તેથી અસમિયા સાહિત્યનું તેમનું સમીક્ષાત્મક વિવેચન ગંભીર, સમૃદ્ધ અને ચિત્તાકર્ષક છે. જૂના અસમિયા સાહિત્ય વિશેના તેમના નિબંધો સરસ છે. એમણે અસમ દેશના પુરાણા સાહિત્યના સાહિત્યિક સૌંદર્ય, તત્વદર્શનની ખૂબીઓ અને શૈલીગત વિશેષતાઓનું સંશોધન કર્યું. એમને હાથે અસમિયા ગદ્યને પરિપક્વતા સાંપડી અને તે આધુનિક વિચારની અભિવ્યક્તિનું યોગ્ય વાહન બન્યું. ડૉ. કાકતીએ અસમ દેશનાં ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યને વૈજ્ઞાનિક ઢબે પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે. તેમની કૃતિઓમાં પ્રાચીન કામરૂપની ધર્મધારા (1955), પ્રાચીન અસમિયા સાહિત્ય (1940), કલિતા જાતિનું ઇતિવૃત્ત ‘ધ મધર ગૉડેસ કામાખ્યાન’, ‘આસામિઝ : ઇટ્સ ફૉર્મેશન ઍન્ડ ડેવલપમેન્ટ’, ‘આસ્પેક્ટ્સ ઑવ્ અર્લી આસામિઝ લિટરેચર’(સંપાદિત)નો સમાવેશ થાય છે.
પ્રીતિ બરુઆ