કાકતીય વંશ : આંધ્ર પ્રદેશનો પ્રસિદ્ધ રાજવંશ. કાકતી દેવીના ઉપાસક હોવાથી વંશનું આ નામ પડ્યું છે. બીજા મંતવ્ય પ્રમાણે કાકતીયપુરના રહેવાસી હોવાથી તેમના વંશનું આ નામ પડ્યું છે. કાકતીયોના પૂર્વવૃત્તાંત માટે ઘણો મતભેદ છે. ગારુવપાડાના અગ્રહારના દાનપત્રમાં કાકતીય રાજા સૂર્યવંશી હતા એવો ઉલ્લેખ છે, જ્યારે ભારતીય વિદ્યાભવનના ઇતિહાસગ્રંથમાં તેઓ શૂદ્ર હતા એમ જણાવાયું છે. કાકતીય વંશનો પહેલો ઉલ્લેખ માંગલ્લૂના તામ્રપત્ર (945)નો છે. ગુડનાર્યે એક બ્રાહ્મણને માંગલ્લૂ ગામનું દાન આપેલ. તેના બાપનું નામ રાષ્ટ્રકૂટ અપાયેલ છે. ડૉ. આલ્તેકર રાષ્ટ્રકૂટ નામ મોટા જમીનદારો માટે વપરાતું હતું એમ જણાવે છે. એટલે કાકતીય રાજા રાષ્ટ્રકૂટ જમીનદાર હશે.

કાકતીય વંશનો પ્રથમ શાસક બેત પહેલો અને તેનો વારસદાર અને પુત્ર પ્રોલ પહેલો પ્રથમ પલ્લવ રાજના અને ત્યારબાદ કલ્યાણીના ચાલુક્યના માંડલિક હતા. કાકતીય બેતરાજ પહેલાનો સમય ઈ. સ. 1000-1050 અને પ્રોલ પહેલાનો સમય 1050થી 1080 છે. ચાલુક્યો વતી ચોલરાજના માંડલિકો સાથે યુદ્ધ ખેલી વિજય મેળવીને ચાલુક્યરાજ સોમેશ્વરની સહાનુભૂતિથી તેને અન્મકોંડ વિષયનો પ્રદેશ ભેટ મળ્યો હતો. તેનો પુત્ર બેતરાજ બીજો (1080-1115) ચાલુક્યાધિપ વિક્રમાદિત્યનો સહાયક હતો. પરમાર ઉદયાદિત્ય અને તાંજોરના રાજા કુલોત્તુંગને હરાવવાથી તેના પરાક્રમથી પ્રસન્ન થયેલા ચાલુક્યરાજે સબ્બિનાડૂનો પ્રદેશ ભેટ આપ્યો. તેણે અન્મકોંડમાં તેના રાજ્યની રાજધાની કરી. તેણે અનેક મંદિરો બંધાવ્યાં હતાં. વિક્રમાદિત્ય છઠ્ઠાના મૃત્યુ બાદ ચાલુક્યો નબળા પડતાં પોલરાજ બીજાએ (1115-1158) તેની સ્વતંત્રતા જાહેર કરી અને વેંગીના ચાલુક્યોના તાબાનાં નાનાં રાજ્યો જીતી લીધાં. આ કારણે તૈલપ ત્રીજાએ તેલંગણ ઉપર હુમલો કર્યો. તૈલપ આ લડાઈમાં કેદ પકડાયો અને તેના સામંતની સહાયથી સંધિ કરી મુક્ત થયો.

પોલરાજ બીજાના મૃત્યુ પછી રુદ્ર અથવા પ્રતાપરુદ્ર (1158-97) પહેલો ગાદીએ આવ્યો. તેણે તૈલપને મારી ચાલુક્ય વંશનો નાશ કર્યો. તેણે સામંતોનું બંડ દબાવી દીધું અને રાજ્યનો ઉત્તમ બંદોબસ્ત કર્યો. તેણે આંધ્રનો કુર્નૂલ જિલ્લો જીતી લીધો. તે વિદ્વાન હતો અને ‘નીતિસાર’નો લેખક હોવાનું મનાય છે. તેણે ત્રણ સુંદર મંદિરો બંધાવ્યાં. તેના સમયમાં વારંગલ સમૃદ્ધિની ટોચે હતું.

રુદ્રના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ શિવભક્ત મહાદેવ ગાદીએ આવ્યો (1197). તેનો વહીવટ નબળો હતો. તેની નબળાઈનો લાભ લઈને યાદવરાજ કૃષ્ણે તેની ઉપર ચડાઈ કરી. મહાદેવ તેની સામે લડતાં વીરગતિને પામ્યો. તેનો પુત્ર ગણપતિ (1199-1261) ગાદીએ બેઠો. તે મહાપ્રતાપી હતો. તેણે કાંચી, ચિંગલપેટ, નેલ્લોર, ચીતુર, ગોદાવરી, કૃષ્ણા, મહેબૂબનગર, નલગોંડા, વારંગલ, કુડડપાટ વગેરે જિલ્લા જીતી લીધા. ગણપતિએ પરદેશી વેપારીઓ ઉપરનો કર રદ કર્યો અને વેપારને ઉત્તેજન આપ્યું હતું. મોટુપલ્લી મોટું બંદર હતું. ગણપતિએ અનેક મંદિરો બંધાવ્યાં હતાં.

ગણપતિના મૃત્યુ પછી તેની પુત્રી રુદ્રામ્બા ગાદીએ બેઠી (1261–1296). યાદવરાજ મહાદેવ સાથેની લડાઈમાં તેની હાર થઈ હતી. 1293માં માર્કો પોલોએ મોટુપલ્લીની મુલાકાત લીધી હતી. તેણે રુદ્રામ્બાના વહીવટનાં વખાણ કર્યાં છે.

રુદ્રામ્બા પછી તેની બહેનનો પુત્ર પ્રતાપાદિત્ય (1296–1326) ગાદીએ બેઠો. તેણે ગુમાવેલો ઘણો પ્રદેશ પાછો મેળવ્યો પણ મલેક કાફુર અને ઉલૂઘખાનના આક્રમણ સામે તે ટકી શક્યો નહિ. તે કેદ પકડાયો અને દિલ્હી લઈ જવાતાં રસ્તામાં મૃત્યુ પામ્યો. આ સાથે 1326માં કાકતીય વંશના ત્રણસો વર્ષના શાસનનો અંત આવ્યો.

કાકતીય રાજાઓ પૈકી પ્રોલ બીજા સુધીના રાજાઓ જૈન ધર્મી હતા. તેમણે અનેક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. પણ ત્યારબાદ જૈન અને બૌદ્ધ ધર્મનું વર્ચસ્ ઘટ્યું અને મધ્ય અને ઉત્તર આંધ્રમાં શૈવ પંથનો અને દક્ષિણ આંધ્રમાં રામાનુજના વૈષ્ણવ પંથ તથા લિંગાયત પંથનો ઉદય થયો. કાકતીય રાજાઓ અને તેમના સામંતો વિદ્યા તથા કલાના ઉપાસકો હતા. વારંગલમાં હજાર સ્તંભોવાળું મંદિર બંધાવાયું હતું. આ અને બીજાં મંદિરો કાકતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.

પ્રિયબાળાબહેન શાહ

શિવપ્રસાદ રાજગોર