કાકતી, રોહિણીકુમાર

January, 2006

કાકતી, રોહિણીકુમાર (જ. 7 જૂન 1931, ટકૌબારી, જિ. કામરૂપ, આસામ) : અસમિયા ભાષાના ખ્યાતનામ વાર્તાકાર. તેમણે ગુવાહાટી યુનિ.માંથી બી.એસસી. તથા દિબ્રૂગઢ યુનિ.માંથી એલએલ.બી.ની પદવી મેળવી. ટૂંકી વાર્તાથી સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. રામધેનુ યુગના એ ખ્યાતનામ વાર્તાકાર ગણાય છે. (‘રામધેનુ’ ઉચ્ચ કક્ષાનું માસિકપત્ર હતું અને ત્રણેક દસકા સુધી તેણે ઘણા સમર્થ વાર્તાલેખકો અને કવિઓનું ઘડતર કર્યું છે.) પછી એ સફળ નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 1960થી અત્યાર સુધીમાં એમણે આઠ નવલકથાઓ લખી છે : એક નક્ષત્રાર નિશા (1960), શેતા રોદ (ફિક્કો સૂર્યપ્રકાશ) (1965), રોદ આરુ કુવલિ (સૂર્યપ્રકાશ ને ધુમ્મસ) (1967), ભગ્નાંશ (1969), જમુના બાલિ (1970), સાગર સુતિ આરુ ક્લાન્તિ (1970), ભગ્ન દૂત (1979) અને હાંહિ આરુ કુવલિરે (1979).

તેમની નવલકથાઓમાં સમકાલીન સમાજનું પ્રતિબિંબ પડે છે. તેમ છતાં મનુષ્યના વ્યક્તિગત જીવન પર ભાર મૂકવાનો તેમનો પ્રયત્ન હોય છે. એમની વાર્તાઓનું વસ્તુ અનોખું હોય છે. પોતાના સર્જનની મૌલિકતા સ્થાપિત કરવાની ઉત્સુકતા ધ્યાન ખેંચે છે. એમની કેટલીક નવલકથાઓ ખરેખર વિશિષ્ટ સાહિત્યગુણ ધરાવે છે.

પ્રીતિ બરુઆ