કાકડા, નાસાગ્રસની (adenoids) : નાકની પાછળના ગળાની ઉપરના ભાગની પાછલી દીવાલ પર આવેલો કાકડો. તેને કંઠનાસાકીય કાકડો અથવા નાસિકાતુંડિકા પણ કહે છે. તે લસિકાભપેશીનો બનેલો છે અને નાનાં બાળકોમાં મોટો હોય છે. તેનું કદ 6-7 વર્ષની વય પછી ઘટે છે અને 15 વર્ષે સાવ ઘટી જાય છે. ક્યારેક મોટો નાસાગ્રસની કાકડો કાનના વચલા ભાગ(મધ્યકર્ણ)ની મધ્યકર્ણનળી(eustachian tube)ને અવરોધે છે. તે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી કરે છે. બાળક રાત્રિ દરમિયાન નસકોરાં બોલાવે છે અને તેની ઊંઘમાં તકલીફ પડે છે. તેમાં વારંવાર ચેપ લાગે તો તે પ્રસરીને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણોમાં પરિનાસાવિવરશોથ (sinusitis) તથા મધ્યકર્ણના પોલાણમાં મધ્યકર્ણશોથ (otitis media) કરે છે. (જુઓ : કર્ણશોથ.) નાસાગ્રસની કાકડામાં વારંવાર ચેપ લાગવાથી બાળકની વૃદ્ધિ ઘટે છે એવું મનાય છે. ગળામાં દર્પણ વડે જોઈને તથા ઍક્સ-રે ચિત્ર વડે નિદાન કરાય છે. ઍન્ટિબાયૉટિક દવાઓ તેના ચેપને રૂઝવે છે. મોટા થઈ ગયેલા નાસાગ્રસની કાકડાને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. શસ્ત્રક્રિયાની જરૂરિયાત વિશે વહેલું નિદાન હિતાવહ ગણાય છે. શસ્ત્રક્રિયા પછી ક્યારેક નાસાગ્રસની કાકડા ફરીથી ઉપદ્રવ કરે છે.
શૈલેષ દત્ત
શિલીન નં. શુક્લ