કાકડા-ઉચ્છેદન

January, 2006

કાકડા-ઉચ્છેદન (tonsillectomy) : શસ્ત્રક્રિયા વડે કાકડા કાઢી નાખવા તે. તેની જરૂરિયાત વિશેના મુદ્દાઓમાં વિવિધ વિચારો દર્શાવાયેલા છે. કેટલીક પરિસ્થિતિઓમાં તે જરૂરી ગણાય છે (સારણી 1).

સામાન્ય રીતે જ્યારે કાકડાનો ઉગ્ર અથવા ટૂંક સમયનો સક્રિય ચેપ લાગ્યો હોય ત્યારે કાકડાના ઉચ્છેદનની શસ્ત્રક્રિયા કરાતી નથી. તેવી જ રીતે બાળલકવા(poliomyelitis)ના વાવર વખતે પણ આ શસ્ત્રક્રિયા કરાતી નથી. દર્દીને લોહી વહેવાનો કે લોહીની ઊણપ હોવાનો રોગ હોય તો પહેલાં તેની સારવાર કરીને તેને કાબૂમાં લેવામાં આવે છે.

સારણી 1 : કાકડા કાઢી નાખવાની જરૂરિયાત સૂચવતા વિકારો

1. વારંવાર થતો ઉગ્ર કાકડાશોથ (tonsillitis)
2. સતત રોગગ્રસ્ત કાકડા
3. શ્વસનમાર્ગમાં અવરોધ
4. કાકડાશોથને કારણે વારંવાર મધ્યકર્ણમાં ચેપ પ્રસરવો
5. ક્યારેક કાકડાની બાજુમાં પરિકાકડા ગૂમડું (quinsy) થયા પછી
6. કૅન્સર થયાની શંકા હોય તો

દર્દીને બેભાન કરીને શ્વાસનળીમાં નળી નાખીને સાવચેતીપૂર્વક કાકડા કઢાય છે. ક્યારેક કાકડા સહિત ગળાને બહેરું કરીને પણ આ શસ્ત્રક્રિયા થઈ શકે છે. ત્યારબાદ કપાયેલી લોહીની નસોને ધ્યાનપૂર્વક બાંધવામાં આવે છે. જો નાસાગ્રસની કાકડા પણ કાઢી નાખવાના હોય તો તેમને પહેલાં દૂર કરાય છે; ત્યારબાદ લોહી વહેતું નથી કે શ્વાસમાં મુશ્કેલી પડતી નથી તેની વારંવાર તપાસ રખાય છે. દર્દી થોડા કલાકોમાં મોંએથી પ્રવાહી લઈ શકે છે. જો તેને ગળા, કાન કે ફેફસાંમાં ચેપ હોય તો તાવ આવે છે. ઘણા દર્દી કાનમાં દુખાવાની ફરિયાદ કરે છે. 12 કલાક પછી તે સ્થળે 10-14 દિવસ માટે પીળી પોપડી બને છે. તે પરુની બનેલી હોતી નથી. ચેપ લાગતો અટકાવવા ઍન્ટિબાયૉટિક ઔષધો લેવાનું તથા કોગળા કરવાનું સૂચવાય છે. અપૂરતો કઢાયેલો કાકડો, સ્થાનિક ચેપ કે ટાંકો નીકળી જવાથી ખૂલી ગયેલી નસ ફરીથી રુધિરસ્રાવ કરાવે છે. સતત દબાણ આપવાથી કે ટાંકા લેવાથી લોહી વહેતું અટકે છે.

શિલીન નં. શુક્લ

શૈલેષ દત્ત