કાકડા (tonsils) : ગળામાં બંને બાજુએ આવેલી લસિકાભપેશી(lymphoid tissue)નો પિંડ. તેને ગલતુંડિકા પણ કહે છે. નાકની પાછળ અને ગળાની પાછલી દીવાલ પર આવેલી લસિકાભપેશીના પિંડને નાસાતુંડિકા, નાસાગ્રસની કાકડા કે કંઠનાસિકાકીય કાકડા (adenoids) કહે છે. જીભના પાછલા ભાગમાં આવેલી લસિકાભપેશીને જિહવાકીય (lingual) કાકડા કહે છે. કાકડા નાનપણમાં મોટા હોય છે અને તે શ્વસનમાર્ગમાં સૂક્ષ્મ જીવોને પ્રવેશતાં અટકાવીને તેમનો ચેપ લાગવા દેતા નથી. આમ તે દ્વારપાળનું કાર્ય કરે છે. ઉંમર વધતાં તે નાના થઈ જાય છે.

તેના ચેપને કારણે કાકડામાં સોજો, દુખાવો અને પરુ થાય છે. તેને કાકડાશોથ (tonsillitis) અથવા ‘કાકડા આવવા’ કહે છે. તે કોઈ પણ ઉંમરે અને સ્ત્રી-પુરુષ બંનેમાં સરખે ભાગે થાય છે, પરંતુ તેનો સૌથી વધારે ચેપ 15 વર્ષથી નાનાં બાળકોમાં લાગે છે. ઠંડા પદાર્થોનું સેવન, ગળાના ચેપનો વાવર, ગીચ વસ્તી તથા અપોષણ કાકડાના ચેપના ફેલાવાનાં મુખ્ય કારણો છે. તે મોટેભાગે રેખગોલાણુ (streptococcl) નામના જીવાણુથી થાય છે, પરંતુ તેનાં કારણોમાં વિષાણુઓ અને ડિફથેરિયાના જીવાણુઓનો પણ સમાવેશ થાય છે. સ્ટ્રૅપ્ટોકોકલ જીવાણુજન્ય ચેપ અને અન્ય પ્રકારના ચેપ વચ્ચે નિદાનલક્ષી તફાવત શોધવો જરૂરી ગણાય છે. લોહીના શ્વેતકોષોની સંખ્યા ઘટી જાય ત્યારે પણ કાકડાનો ચેપ લાગે છે અને ગળા તથા કાકડા પર ચાંદાં પડે છે. (જુઓ કણિકાકોષ-અલ્પતા.)

પૂરેપૂરા ખોલેલા મોઢામાં દેખાતું કાકડાનું સ્થાન. ગળાના કાકડા અને તેના કેટલાક રોગો : (અ) સામાન્ય સ્થિતિ, (આ) પરિકાકડા ગૂમડું, (ઇ) સપૂય કાકડાશોથ, (ઈ) ડિફથેરિયા. (1) ઉપલો હોઠ, (2) નીચલો હોઠ, (3) દાંત, (4) કઠણ તાળવું, (5) મૃદુ તાળવું, (6) અગ્રકાકડા સ્તંભ, (7) પશ્ચકાકડા સ્તંભ, (8) ગળાના કાકડા, (9) જીભ, (10) પરિકાકડા ગૂમડું, (11) કાકડાની સપાટી પર પરુ, (12) કાકડા અને મૃદુ તાળવા પર ડિફ્થેરિયાની સપૂય પોપડી.

કાકડાશોથના દર્દીને ગળા, કાન અને માથામાં દુખે છે. ખોરાક ગળતાં તકલીફ પડે છે, ખૂબ તાવ આવે છે અને તેથી એક વર્ષથી નાના શિશુમાં ક્યારેક ખેંચ પણ આવે છે. કાકડા સૂજીને લાલઘૂમ અને મોટા થાય છે. ક્યારેક તેના પર પરુ બાઝેલું હોય છે. ગળાની દીવાલ પણ સૂજીને લાલ થઈ ગઈ હોય છે. ગળાના બહારના ભાગમાં આવેલી લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ચેપ પ્રસરતાં તે ગરમ અને મોટી થાય છે તથા દુખે છે. તેને ‘વેળ ઘાલવી’ કહે છે. તેના રોગને 3 અવસ્થાઓમાં વર્ણવવામાં આવે છે : (1) પ્રથમ તબક્કો મોટો, લાલ અને દુખતા કાકડાનો છે, (2) બીજો તબક્કો કાકડા પર સફેદ અથવા પીળા રંગના પરુના ગઠ્ઠાનો છે; ત્યારે તાવ અને શારીરિક દુખાવો જોવા મળે છે અને (3) પરુના ગઠ્ઠા ભેગા થઈને મોટી ચાંદી જેવું ચકામું કરે છે ત્યારે ત્રીજો તબક્કો ગણાય છે. દર્દીમાં થૂંકબિંદુ દ્વારા ચેપ ફેલાય છે. આવા સમયે અશક્ત દર્દીને આરામ આપવો જરૂરી બને છે. ક્યારેક કાકડા સડીને ખરી પડે તો તે જોખમકારક છે.

સારવાર માટે પુષ્કળ પાણી પીવાનું, સંપૂર્ણ આરામ, ઍસ્પિરિન કે પૅરાસિટેમોલ જેવાં પીડાનાશકો અને તાવ ઉતારનારાં ઔષધો તથા જો પેનિસિલીનની ઍલર્જી ન હોય તો તે કે ઍરિથ્રોમાઇસીન જેવી ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ સૂચવાય છે. શરીરની રોગ-પ્રતિકારશીલતા પૂરતી હોય ત્યારે ઝડપથી રૂઝ આવે છે. સારવાર વગર કે અતિક્ષમતા (virulence) ધરાવતા જીવાણુનો ચેપ મધ્યકર્ણમાં, ફેફસાંમાં કે સ્થાનિક ધોરણે કાકડાના આવરણની બહાર પ્રસરે છે અને તેથી અનુક્રમે મધ્યકર્ણશોથ (otitis media), ન્યુમોનિયા (ફેફસીશોથ) કે પરિકાકડા ગૂમડું (quinsy અથવા peritonsillar abscess) થાય છે (જુઓ : કર્ણશોથ.) ક્યારેક પ્રતિરક્ષાલક્ષી (immune) વિકારો પણ થાય છે. ઉગ્ર આમવાતી જ્વર (acute rheumatic fever) અને ઉગ્ર મૂત્રપિંડશોથ (acute nephrits) તેનાં ઉદાહરણો છે. કાકડાની ઉપલી ટોચ પાસે કાકડાના આવરણની બહાર જ્યારે પરુ ભરાય ત્યારે તેને પરિકાકડા ગૂમડું કહે છે. તે ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. બાળક દુખાવાને કારણે મોં પણ ખોલી શકતું નથી. ઍન્ટિબાયૉટિક દવાનો સમયસર ઉપયોગ કરવાથી તેને અટકાવી શકાય છે. તેની સારવાર માટે શસ્ત્રક્રિયા દ્વારા પરુ કાઢવું જરૂરી છે. કેટલાક દર્દીઓમાં કાકડાને વારંવાર ચેપ લાગે તો શસ્ત્રક્રિયા દ્વારા તે દૂર કરાય છે.

શિલીન નં. શુક્લ

શૈલેષ દત્ત