કાકડ (ખુસિંબ)

January, 2006

કાકડ (ખુસિંબ) : દ્વિદળી વર્ગમાં આવેલા બસૅરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garuga pinnata Roxb. (સં. કર્કટક; મ. કાંકડ, કુડક; હિં. કાંકડ, ગંગેરુઆ, ખાખટ; ક. વાલિગે; તે. ગરૂગ ચેટ્ટ; તા. કરિબેંબુ મરમ્; બં. જૂમ; ગુ. કાકડિયો, કડકાડુ.) છે. તે એક મધ્યમ કદનું 15 મી. જેટલું ઊંચું વૃક્ષ છે અને લગભગ સમગ્ર ભારતમાં વિતરણ પામેલું છે. ગુજરાતમાં ડાંગ, વાસદ પાસે મહીનાં કોતરોમાં, ઇડર, પહાડા, મહુડી, તારંગા, ગિરનાર વગેરે સ્થળોએ જોવા મળે છે. તેનું પ્રકાંડ સીધું, નળાકાર હોય છે અને કેટલીક વાર 6 મી.થી 7.5 મી.ની ઊંચાઈ અને 1.8 મી.નો ઘેરાવો ધરાવે છે. તેની છાલ ભૂખરી બદામી હોય છે અને તેનું મોટા અનિયમિત પડો સ્વરૂપે અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો અયુગ્મ એકપિચ્છાકાર (imparipinnate) હોય છે. તેઓ ઘણી વાર લાલ રંગની પિટિકાઓ (galls) ધરાવે છે. પર્ણિકાઓ અંડાકાર હોય છે. તેની નીચેની બાજુએ સુંવાળી રુવાંટી આવેલી હોય છે. પુષ્પો પીળાં કે લીલાશ પડતાં સફેદ અને બહુસંગમની (polygamous) હોય છે અને ઝૂમખામાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બેસે છે. ફળો ફેબ્રુઆરીથી મે સુધી રહે છે. તેઓ અષ્ઠિલ (drupe) પ્રકારનાં, માંસલ પીળાશ પડતા લીલાથી માંડી કાળા રંગનાં અને ગોળ (આશરે 0.8 સેમી.) હોય છે.

તે મિશ્ર પાનખરનાં જંગલોમાં છૂટુંછવાયું થાય છે અને સાગ અને સાલની સાથે ઊગે છે. તે તીવ્ર પ્રકાશાપેક્ષી (light demander) છે અને હિમ અને શુષ્કતાસંવેદી અને અગ્નિરોધી (fire-resistant) છે. તેનું ઝાડીવન (coppice) સારી રીતે થાય છે અને મૂલ-અંત:ભૂસ્તારિકા (root sucker) દ્વારા પ્રજનન કરે છે. તેનાં ફળો જમીન પર પડે છે, જે પછીના ચોમાસામાં બીજ-અંકુરણ પામે છે અને કેટલાંક બીજ બે વર્ષ પછી અંકુરિત થાય છે. તેનાં બીજ ધરુવાડિયામાં સૂકી ઋતુમાં વાવવામાં આવે છે. તેઓ ચોમાસાની શરૂઆતમાં અંકુરણ પામે છે. રોપા 1.5થી 2.0 માસના બને ત્યારે તેમનું રોપણ કરવામાં આવે છે. તેના બીજના સીધા વાવેતર દ્વારા સારાં પરિણામો મળ્યાં છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે.

રસકાષ્ઠ (sapwood) વધારે પ્રમાણમાં અને સફેદ રંગનું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) રતાશ પડતું બદામી રંગનું હોય છે અને તેમાં ભૂખરા કાળા રંગના લહરદાર (sinuate) વિભાગો સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય છે. તે હલકાથી માંડી મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.64; 657 કિગ્રા./ઘમી.), મજબૂત, અસમ (uneven) કણિકાયુક્ત અને જાડા ગઠનવાળું (textured) હોય છે. અંત:કાષ્ઠનું સારી રીતે વાયુ-સંશોષણ (air-seasoning) થઈ શકે છે, પરંતુ રસકાષ્ઠનું સંતોષકારક વાયુ-સંશોષણ થઈ શકતું નથી. તેથી તેના જલસંશોષણ(waterseasoning)ની ભલામણ કરવામાં આવે છે. અંત:કાષ્ઠ સારું એવું ટકાઉ હોય છે, પરંતુ રસકાષ્ઠ સડો પામે છે. કાષ્ઠ સરળતાથી વહેરી શકાય છે અને કારીગરી થઈ શકે છે. સાગના સંદર્ભમાં તેના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 85, પાટડા તરીકેનું સામર્થ્ય 70, પાટડાની દુર્નમ્યતા (stiffness) 65, થાંભલાની ઉપયુક્તતા 65, આઘાત-અવરોધક્ષમતા (shock resisting capacity) 80, આકારની જાળવણી 85, વિરૂપણ 115 અને ર્દઢતા 85.

અંત:કાષ્ઠ રાચરચીલું બનાવવામાં ઉપયોગી છે. રસકાષ્ઠને સંશોષણ અને યોગ્ય સારવાર આપ્યા પછી બાંધકામના ઉપયોગમાં લઈ શકાય છે. કાષ્ઠ વ્યાપારિક અને ટી-ચેસ્ટ પ્લાયવૂડ, દીવાસળીઓ અને સસ્તી પેન્સિલ બનાવવામાં ઉપયોગી છે. કાષ્ઠનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તે સારી ગુણવત્તાવાળો કોલસો આપે છે. તેના અને Lannea grandis અને Boswellia serrataના કાષ્ઠના મિશ્રણમાંથી વીંટાળવાના બદામી કાગળો બનાવી શકાય છે.

કાકડનાં ફળો કાચાં, રાંધીને કે અથાણા-સ્વરૂપે ખાદ્ય છે. તેઓ ઍસિડિક હોય છે અને શીતળ અને પાચક ગુણધર્મો ધરાવે છે. પ્રકાંડનો રસ નેત્રશ્લેષ્મા(conjuctiva)થી ઉદભવતી અપારદર્શકતા(opacity)ની ચિકિત્સામાં વપરાય છે. મધ અને અન્ય ઘટકો સહિતનો તેના પર્ણનો રસ દમમાં આપવામાં આવે છે. મૂળનો કાઢો ફેફસાંનાં દર્દોમાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર મોટાં ફળ તૂરાં, અગ્નિદીપક, ખાટાં, શીતળ, લઘુ, ઉષ્મ તેમજ નેત્રને હિતાવહ છે. તે રક્તપિત્ત તેમજ કફ કરે છે અને વાતનાશક છે. ફળ પાકવાથી શીતળ, રુચિકારક અને જડ છે અને પિત્ત અને રક્તદોષનો નાશ કરે છે. નાનાં ફળ ગ્રાહક, ખાટાં, પિત્તલ, અગ્નિદીપક, ઉષ્ણ અને લઘુ છે. તે પાકે ત્યારે મધુર, સ્નિગ્ધ, તૂરાં, વાતનાશક અને કફપિત્તકારક છે. તેનો ઉપયોગ વ્રણ ઉપર, આંખમાંનું ફૂલ કાઢવા માટે અને પ્રમેહ પર થાય છે. કાકડ-ગૂગળનો ધૂપ મચ્છરોનો નાશ કરે છે.

પર્ણો અને પ્રરોહોનો ચારા તરીકે ઉપયોગ થાય છે. છાલ અને પર્ણ-પિટિકાઓ ચર્મશોધન(tanning)માં વપરાય છે. જોકે તેમાં ટેનિનદ્રવ્ય ઓછું હોય છે. વૃક્ષ લીલાશ પડતાં પીળાં ગુંદર-રાળ (gum-resin) ઉત્પન્ન કરે છે.

વૃક્ષ અગ્નિરોધી અને ઝડપથી વૃદ્ધિ પામતું હોવાથી તે વનીકરણ(afforestation)ના હેતુઓ માટે મહત્વનું ગણાય છે.

G. gamblei King. મોટું વૃક્ષ છે અને તે પૂર્વ હિમાલય, આસામ અને પશ્ચિમ ઘાટમાં મળી આવે છે. તેના આર્થિક ઉપયોગો કાકડ જેવા જ છે.

મ. દી. વસાવડા

બળદેવભાઈ પટેલ