કાંટાશેળિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barleria prionitis Linn. (સં. કુરંટક; મ. કોરાંટી; હિં. કટશરૈયા; ક. ગોરટેં; બં. કાંટા જાટી; તે. ગોરેડું) છે. તે બહુશાખી કાંટાળો ક્ષુપ છે અને વધુમાં વધુ 3 મી. સુધી ઊંચો જોવા મળે છે. ભારતના ઉષ્ણપ્રદેશોમાં તે બધે જ થાય છે. ઉદ્યાનોમાં સામાન્યત: વાડના છોડ તરીકે ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, ઉપવલયી, ટોચેથી અણીદાર, અરોમિલ અથવા નીચેની સપાટીએથી રોમિલ હોય છે. કક્ષીય પર્ણાભ (foliaceous) નિપત્રોની કક્ષમાં નારંગી-પીળા કે આછા પીળા રંગનાં દ્વિઓષ્ઠી પુષ્પો ઉત્પન્ન થાય છે. ફળો પ્રાવર પ્રકારનાં, 2.5 સેમી. જેટલાં લાંબાં, અંડાકાર અને ટોચેથી ચાંચ આકારનાં, 2 બીજ ધરાવતાં હોય છે. બીજ ચપટાં, અંડાકાર અને રેશમી રોમો વડે આવરિત હોય છે.
તેનાં પર્ણો અને પ્રકાંડમાં પાંચ ઇરિડોઇડ ગ્લુકોસાઇડ હોય છે; તે પૈકી ઍસિટિલ બાર્લેરિન (C21H30O13×H2O, 6, 8-ડાઇ-ઓ-ઍસિટિલ શૅન્ઝિસાઇડ મિથાઇલ ઍસ્ટર), બાર્લેરિન (C19H28O12×1.5H2O, 8-0-ઍસિટિલ શૅન્ઝિસાઇડ મિથાઇલ ઍસ્ટર) અને શૅન્ઝિસાઇડ મિથાઇલ ઍસ્ટર ઓળખી શકાયાં છે. પુષ્પોમાં ફ્લેયૉન ગ્લાઇકોસાઇડ, સ્ફુટેલેરેઇન 7-નિયૉહેસ્પરિડોસાઇડ હોય છે. વનસ્પતિમાં b-સિટોસ્ટૅરોલની હાજરી નોંધાઈ છે.
આ વનસ્પતિ પ્રતિરોધી (antiseptic) ગુણધર્મો ધરાવે છે. તેના કાઢાનો જલંદર(dropsy)ના પ્રક્ષાલ (wash) માટે અને મૂળનો જ્વરહર (febrifuge) તરીકે ઉપયોગ થાય છે. દાંતના દુ:ખાવામાં તેના કાઢાના કોગળા કરવામાં આવે છે. તેનો મલમ દાઝ્યા પર અને ગ્રંથિઓના સોજા પર લગાડવામાં આવે છે. તેની સૂકી છાલ ઊંટાટિયામાં આપવામાં આવે છે. છાલનો તાજો રસ diaphoretic અને કફઘ્ન (expectorant) ગણાય છે અને સર્વાંગ શોફ(anasarca)માં આપવામાં આવે છે. પર્ણો અને પુષ્પીય શાખાની ટોચો પોટૅશિયમના દ્રાવ્ય ક્ષારો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે અને તે મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગી છે. મધ કે ખાંડ સાથે મિશ્ર કરેલો પર્ણનો રસ બાળકોને તાવ અને શ્લેષ્મપટલશોથ(catarrh)માં આપવામાં આવે છે. તે મૂત્રપિંડ અને લકવાની અસરો અને જઠરના રોગોમાં ઉપયોગી છે. ભેજવાળા વાતાવરણમાં પગના તળિયામાં ઊખડી જતી ચામડી પર લગાડવામાં આવે છે. કોપરેલ સાથે તે ચહેરા પર થતા ખીલ પર લગાડાય છે. વળી તીક્ષ્ણ ઓજારથી ઉત્પન્ન થયેલા ઘા પર પણ લગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સંધિવાના દુ:ખાવા પર અને ખૂજલીમાં પણ થાય છે.
આયુર્વેદ અનુસાર ધોળો કાંટાશેળિયો કડવો, કેશ્ય, સ્નિગ્ધ, મધુર, તીખો, ઉષ્ણ અને દાંતો માટે હિતાવહ ગણાય છે. તે વલિપલિત, કોઢ, વાત, રક્તદોષ, કફ, કંડૂ (ખરજ), વિષ, દારુણાનો નાશ કરે છે. રાતો કાંટાશેળિયો કડવો, વર્ણકારક, ઉષ્ણ અને તીખો હોય છે. તે સોજો, તાવ, વાતરોગ, કફ, રક્તવિકાર, પિત્ત, આધ્માન, શૂલ, દમ અને ઉધરસનો નાશ કરે છે. પીળો કાંટાશેળિયો ઉષ્ણ, કડવો, તૂરો અને અગ્નિદીપક હોય છે અને વાયુ, કફ, સોજો, કંડૂ, શૂલ, કોઢ, વ્રણ અને ચામડીના રોગોનો નાશ કરે છે.
તેનો ઉપયોગ બાળકોનાં સળેખમ અને ઉધરસ ઉપર; વીર્યપતન, પિત્ત, દુખતી દાઢ અને મોઢું આવ્યું હોય તે ઉપર; ગર્ભધારણ માટે, દાંતમાંથી લોહી આવતું હોય તો; દંતકૃમિ, વાતરોગ, સોજો, વીંછીનો દંશ અને સુવાના રોગ પર થાય છે.
કાંટાશેળિયાનાં પાંચ અંગમાં સિદ્ધ કરેલું એરંડ તેલ વ્રણરોપક તરીકે ખૂબ જ અસરકારક હોય છે. ટ્રૉપિકલ અલ્સર કે મદ્રાસી ગૂમડાં ઉપર આ સિદ્ધ તેલ લગાડવાથી વ્રણનું રોપણ થાય છે. તે સિફિલિસનાં ચાંદાં-ઘારાં અને રક્તસ્રાવમાં ઉપયોગી છે.
ગુજરાતમાં કાંટાશેળિયાની સાત જાતિઓ નોંધાઈ છે :
B. acanthoides Vahl કચ્છ, થાનથી વાંકાનેર સુધીમાં ક્વચિત્ જ; B. cristata L. પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં; B. cuspidata Heyne ગુજરાતમાં તૂટેલા ખડકો પર, B. gibsoni Dalz. સાપુતારામાં; B. lawii T. Anders ડાંગમાં; B. prattensis S. કચ્છ સિવાય બધે B. prionitis Linn.. કાંટાશેળિયાની અન્ય જાતોમાં ધોળા, રાતા, કથ્થાઈ અને ભૂરા કાંટાશેળિયાનો સમાવેશ થાય છે.
પ્રાગજી મો. રાઠોડ
બળદેવભાઈ પટેલ