કાંટાળાં વન : બ્રશ કે છાંછાળાં (bristle) તેમજ સીમિત વૃદ્ધિવાળાં વૃક્ષ કે ક્ષુપ(shrub)ના વનસ્પતિ-સમૂહના વિસ્તારો. આવાં વનનાં વૃક્ષ કે ક્ષુપ કંટકમય હોય તે સામાન્ય બાબત હોવાથી વ્યાપક અર્થમાં કાંટાળાં વનમાં અંગ્રેજીમાં જેને ‘થૉર્ન ફૉરેસ્ટ’ તેમજ ‘સ્ક્રબલૅન્ડ’ કહે છે તે બંનેનો સમાવેશ થઈ જાય છે.

આબોહવા : કાંટાળાં વનો શીતોષ્ણ કટિબંધ કરતાં ઉષ્ણ કટિબંધમાં વિશેષ પ્રસરેલાં છે. તે વિસ્તારોની ભેજ પરિસ્થિતિ એક તરફ મરુ (xerophytes) અને સવાના વનસ્પતિ-સમૂહ તેમજ બીજી તરફ વરસાદી વન વચ્ચેની છે. કાંટાળાં વન વિશ્ર્વના ઘણા વિસ્તારોમાં પ્રસરેલાં છે, જ્યાં તેના ફેલાવાનો આધાર મુખ્યત્વે વરસાદના પ્રમાણ અને તાપમાન ઉપર છે. સામાન્ય રીતે વરસાદનું પ્રમાણ પ્રતિવર્ષ 250 મિલિ.થી 900 મિલિ.ની વચ્ચે રહે છે, પરંતુ 250 મિલિ.થી 500 મિલિ. વરસાદ પ્રતિવર્ષ હોય તેવા અર્ધશુષ્ક (semi-arid) અને 250 મિલિ. પ્રતિવર્ષથી ઓછા વરસાદવાળા શુષ્ક અથવા રણ (arid or desert) વિસ્તારોમાં પણ ઝાંખરાં (scrubs) અને કાંટાળાં ક્ષુપો અને કેટલાંક વૃક્ષો ઊગે છે. આ પ્રકારના વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ટૂંકા સમય પૂરતો મર્યાદિત તેમજ અનિશ્ચિત અને છૂટોછવાયો હોય છે. આથી, ભેજમય ઋતુ ટૂંકી અને શુષ્ક ઋતુ ઘણી જ લાંબી એટલે કે સાત કે તેથી વધુ માસ સુધીની હોય છે. શુષ્ક કાળમાં જલઘટ ઘણી તીવ્ર રહે છે. વનસ્પતિ પર પર્ણો અને પુષ્પો ભેજમય ટૂંકી ઋતુ દરમિયાન ઊગે છે. આ ટૂંકી ઋતુ દરમિયાન ઘાસ-ફૂસ જેવા છોડવા (herbs) પણ વૃક્ષો અને ક્ષુપોની વચ્ચેની ખુલ્લી જગ્યામાં ઊગી નીકળે છે જેથી ટૂંકા ભેજમય કાળમાં વનસ્પતિની વૃદ્ધિ સીમિત રહે છે.

શુષ્ક કાળમાં હવામાં તાપમાનનું પ્રમાણ વિશેષ રહે છે અને સામાન્યત: તાપમાન 43o સે.થી 46o સે.ની વચ્ચે રહે છે, પરંતુ રાત્રિ દરમિયાન તાપમાન ઘણું ઘટી જાય છે. શુષ્ક કાળ દરમિયાન પ્રભાતના ઠંડા ભેજમય હવામાન, ઝાકળ અને ધુમ્મસમાંથી પણ સારા એવા પ્રમાણમાં વનસ્પતિ ભેજ મેળવે છે, પરંતુ દિવસ દરમિયાનના ઉચ્ચ તાપમાનથી મોટાભાગનું જળ બાષ્પીભવન કે બાષ્પોત્સર્જન (evapotranspiration) દ્વારા વાતાવરણમાં પરત થાય છે. આથી, જે થોડું જળ વનસ્પતિને પ્રાપ્ત થાય છે તે દ્વારા વનસ્પતિ શુષ્ક પ્રદેશની તેની લાક્ષણિકતા જાળવી શકે છે.

ઉષ્ણ કટિબંધમાં ઉપસ્થિત હવામાન અને કાંટાળાં વનથી વિકાસ પામતી કે મળતી માટી રેતાળ અથવા ચૂનામય હોવાથી જલપારગમ્ય હોય છે.

કાંટાળાં વનો મરુભૂમિ તરફ શુષ્કતાના અણુપ્રવણ દર્શાવે છે, જેથી મરુભૂમિની ફરતે કે કિનારે આવેલાં કાંટાળાં વનો વિવિધ નામે ઓળખાય છે, જેમ કે મરુ કાંટાળાં વનો (desert scrubland).

ઉત્પત્તિ : કાંટાળાં વનો પ્રાકૃતિક રીતે ફક્ત અર્ધશુષ્ક આબોહવા-વાળા પ્રદેશમાં વિકસે છે, પરંતુ ચરમ અવસ્થાના ઘટાદાર સમૃદ્ધ વનપ્રદેશોમાં વૃક્ષછેદન, જંગલની કપાઈ, સાફ કરેલાં જંગલોમાં આગ લગાવી કરાતી ખેતી (ઝૂમ, શિફ્ટિંગ અથવા સ્વીડન ખેતી), ત્યજી દેવાયેલાં ખેતરો, પાલતુ પશુ દ્વારા સઘન ચરાણ, અગ્નિ વગેરે જેવી માનવોની ખંડનાત્મક પ્રવૃત્તિ દ્વારા ઊભી થયેલી અસરોથી ચરાણ પ્રદેશ, કાંટાળાં ક્ષુપ, સવાના, સવાના સ્ક્રબ, કચ્છ, મરુ વગેરે પ્રકારના વાનસ્પતિક ભૂ-જૈવિક સમુદાયો વિકાસ પામ્યા છે. ચરાણ પ્રદેશમાં પશુ દ્વારા વધુ પ્રમાણમાં ચરાણ થતું હોય તો તેમાં કાળક્રમે કાંટાળાં ક્ષુપો અને છોડ વિકાસ પામી કાંટાળાં ક્ષુપ-વનનું નિર્માણ કરે છે.

વિશ્વના વન-વર્ગીકરણમાં ભારતની મુખ્ય વનસ્પતિ વરસાદી અને શુષ્ક વન, કાંટાળી ઝાડી તેમજ સવાના પ્રકારમાં દર્શાવેલ છે. પશ્ચિમ ભારતમાં રાજસ્થાનનો રણપ્રદેશ અર્ધશુષ્ક અને શુષ્ક પ્રકારમાં છે, જ્યારે બાકીનો વિસ્તાર ઝાંખરાંનો વિસ્તાર (scrubland) છે; તે ઉત્તરમાં પંજાબ સુધી અને પડોશમાં પાકિસ્તાનમાં પ્રસરેલો છે અને ઘાસનું (steppe) વન બનાવે છે. તે ઝાંખરાના મરુ વિસ્તારનો પ્રકાર છે, જેમાં વૃક્ષો નથી, પરંતુ શુષ્કતાનુકૂલિત ક્ષુપ વીખરાયેલાં હોય છે. આ પ્રકારનાં ઘાસવન સિંધુ સંસ્કૃતિના વિકાસ સમયથી અસ્તિત્વમાં છે (સમય આશરે ઈ.પૂ. 3000થી 2500 વર્ષ) એટલે કે વૈદિક યુગ અને આર્યોના ભારતમાં આગમન પહેલાં તે વિકસ્યાં હતાં. તે સમયે હરપ્પાની આસપાસમાં આછા ઘાસ(scrub)નો તથા સઘન ઘાસનો ઉચ્ચ પ્રદેશ તેમજ નાના કચ્છ એટલે કે નદીતટના વનપ્રદેશ સહ-અસ્તિત્વ ધરાવતા હતા.

ભારતના ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણના પ્રદેશોમાં આજના સમયે જોવા મળતાં કાંટાળાં વન મનુષ્યોની યુગજૂની ખંડનાત્મક પ્રવૃત્તિના પરિપાકરૂપે અસ્તિત્વમાં આવેલાં છે, જે હવે ઘન જંગલોમાં વિકાસ પામવાની ક્ષમતા ગુમાવી બેઠેલાં છે; જ્યારે હિમાલયની વૃક્ષરેખાની ઉપરની તરફના શીતોષ્ણ ‘સ્ક્રબલૅન્ડ’ આજે પણ લગભગ પ્રાકૃતિક પ્રકારમાં છે.

વિસ્તરણ : કાંટાળાં વનોનું પ્રસરણ વિશ્વમાં નીચેના પ્રદેશોમાં છે : ઉત્તર બ્રાઝિલ, ઉષ્ણ અને સમઉષ્ણ-કટિબંધીય અમેરિકા, મધ્ય અમેરિકા, મેક્સિકો, કૅરિબિયન ટાપુઓ, સુદાન, એડનના અખાતનો વિસ્તાર, ઉત્તર-મધ્ય-પૂર્વ-પશ્ચિમ અને નૈર્ઋત્ય આફ્રિકાના પ્રદેશો તથા પૂર્વ ઑસ્ટ્રેલિયા.

હિમાલયમાં મળતાં કાંટાળાં વનો બે પ્રકારનાં છે : (1) ભેજમય આલ્પાઇન સ્ક્રબ – ક્ષુપો નીચાં, પરંતુ ઘનતા વધારે હોય, (2) શુષ્ક આલ્પાઇન સ્ક્રબ – ખુલ્લા વિસ્તારોમાં પ્રસરેલાં, મરુ-અનુકૂલિત પ્રકારનાં ક્ષુપો છે.

ઉત્તર ભારતમાં પ્રસરેલાં કાંટાળાં વનો છ પ્રકારથી ઓળખાય છે : (1) ઉત્તરીય મરુ-કાંટાળાં વન, (2) ઉત્તરીય ઍકેસિયા સ્ક્રબ, (3) ઉત્તરીય થોરિયા (euphorbia) સ્ક્રબ, (4) દ્વિતીયક શુષ્ક પ્રપાતી વન, (5) દ્વિતીયક શુષ્ક પ્રપાતી સ્ક્રબ અને (6) શુષ્ક સવાના.

ઉપરના (4) અને (6) પ્રકારમાં કાંટાળી જાતિઓનું પ્રમાણ ઓછું રહે છે, પરંતુ મનુષ્યની ખંડનાત્મક પ્રવૃત્તિને કારણે તે વધી જાય છે. લાક્ષણિક પ્રકારનાં સવાના – કાંટાળાં વનો અને સવાના કાંટાળાં ક્ષુપો ભારતમાં જોવા મળતાં નથી.

દક્ષિણી કાંટાળાં વનો ત્રણ પ્રકારમાં ઓળખાય છે : (1) દક્ષિણી કચ્છ કાંટાળાં વનો, (2) કર્ણાટકી છત્રી-કાંટાળાં વનો અને (3) દક્ષિણી યુફોર્બિયા અર્ધમરુ સ્ક્રબ.

પાદપીય (floristic) ર્દષ્ટિએ ઉત્તર કે દક્ષિણી કાંટાળાં વનોમાં ખાસ મોટો તફાવત નથી.

વર્ગીકરણ : ફૉસબર્ગ (1961) દ્વારા વિશ્વની વનસ્પતિનું વર્ગીકરણ વનસ્પતિની સઘનતા, અંતર, સદાપર્ણી કે પ્રપાતી એવા ભેદના નિષ્કર્ષ ઉપર થયેલું છે, એમાં ‘સ્ક્રબલૅન્ડ’ને કુલ 51 પ્રકારોમાં વર્ગીકૃત કર્યા છે. ફૉસબર્ગની પદ્ધતિના આધારે યુનેસ્કો(1973)એ સ્વીકૃત વન-વર્ગીકરણમાં મુખ્ય પાંચ પ્રકારના અને સામાન્ય 36 પ્રકારનાં ‘સ્ક્રબલૅન્ડ’ દર્શાવેલા છે. તે નીચે પ્રમાણે છે :

(1) મુખ્યત્વે સદાપર્ણી સ્ક્રબ : ક્રમાંક 98થી 104 (કુલ 7 પ્રકાર).

(2) મુખ્યત્વે પ્રપાતી સ્ક્રબ : ક્રમાંક 105થી 112 (કુલ 8 પ્રકાર).

(3) ચરમ શુષ્કતાનુકૂલિત (ઉપમરુ) ક્ષુપલૅન્ડ : ક્રમાંક 113થી 119 (કુલ 7 પ્રકાર).

(4) વામન-સ્ક્રબ અને સંબંધિત સમુદાય : ક્રમાંક 120થી 124 (કુલ 5 પ્રકાર).

(5) મુખ્યત્વે પ્રપાતી વામન સ્ક્રબ : ક્રમાંક 125થી 133 (કુલ 9 પ્રકાર).

7 + 8 + 7 + 5 + 9 = 36

પાદપીય : કાંટાળાં વનમાં તેના પાદપીય ઘટકોમાં કાંટાળાં ક્ષુપ અને મધ્યમ કદનાં કાંટાળાં વૃક્ષો મુખ્ય છે, જે પરસ્પર વીખરાયેલાં છે. કાંટાળાં ક્ષુપવનમાં થોડાં કાંટાળાં વૃક્ષોની ઉપસ્થિતિ અને તેથી વિરુદ્ધ કાંટાળાં વનમાં કાંટાળાં ક્ષુપોની હાજરી વાસ્તવિક હોવાથી કાંટાળાં ક્ષુપવનોનો સમાવેશ કાંટાળાં વનમાં કરવામાં આવે છે. આ વીખરાયેલી કાંટાળી વનસ્પતિઓની વચ્ચેના ખુલ્લા જમીનવિસ્તારમાં વિવિધ પ્રકારનું ઘાસ (family poaceae) વરસાદી ઋતુમાં ઊગી નીકળે છે. જો ઘાસનો વિસ્તાર વિસ્તૃત બને અને કાંટાળાં ક્ષુપ અને વૃક્ષો ઓછાં થઈ જાય (કારણ કે બળતણનાં લાકડાં તરીકે મનુષ્યો દ્વારા આવી વનસ્પતિ સતત કપાતી રહે છે.) તો આવાં કાંટાળાં વન પછી ‘સવાના સ્ક્રબલૅન્ડ’ નામે ઓળખાય છે.

કાંટાળાં વનમાં થતા ઘાસના મુખ્ય જનેરા એરિસ્ટિડા, એન્ડ્રોપૉગોન, ક્લોરિસ, પૅનીસેટમ, સિમ્બોપૉગોન, ડેસ્મોસ્ટેક્યા, સ્પૉરોબોલસ, હીટરોપૉગોન અને સૅહીમા વગેરે મુખ્ય છે. ઘાસનું ચરાણ વધી જાય ત્યારે તેમાં કાંટાળા છોડ જેવા કે ડ્રેગોનિયા, સૉલૅનમ, બાર્લેરિયા વગેરેનું પ્રમાણ વધી જાય છે. કંટકી ક્ષુપોમાં જોવા મળતા જનેરા નીચે મુજબ છે :

બાવળ (ઍકેસિયા), ખીજડો (પ્રૉસોપિસ), બોર-પ્રકાર (ઝિઝિપસ), કેરડા (કૅપેરિસ), ઇંગોરિયો (બૅલેનાઇટિસ), મોરધૂંધિયું (ડાયક્રોસ્ટેકિસ) વગેરે.

સ્ક્રબલૅન્ડમાં જોવા મળતાં કાંટાળાં વૃક્ષો સિવાયનાં બિનકાંટાળાં વૃક્ષોમાં મુખ્યત્વે ધાવડો (એનોગાઇસિસ), ડોયોસ્પારોસ, આંબળાં (emblica), બૉસવેલિયા વગેરે છે.

ભારતમાં કાંટાળાં વનો : હિમાલયની આશરે 400 મીટરની ઊંચાઈએ થતાં આલ્પાઇન મરુપ્રદેશ અને સ્ક્રબલૅન્ડમાં મળતી મુખ્ય વનસ્પતિઓ નીચે મુજબ છે :

(1) પશ્ચિમ હિમાલયમાં : જૂનિપર્સ, વામનવિલો; (2) પૂર્વ હિમાલયમાં : રોડોડ્રેન્ડ્રોન મેક કાબિનમ; (3) મધ્ય હિમાલય-સિક્કિમ : રો. એન્થોપૉગોન, સૅલીક્સ સ્ક્લૅરોફાયલા : આ બે વનસ્પતિઓ તેની કાષ્ઠમય શાખા-પ્રશાખાના જમીન ઉપરના પ્રસરણથી વિશિષ્ટ પ્રકારના ગાલીચા જેવી રચના કરે છે.

દક્ષિણ ભારતનાં કાંટાળાં વનોમાં નીચે મુજબની જાતિઓ સામાન્ય રીતે જોવા મળે છે : (નોંધ : વૃ = વૃક્ષ, ઝાં = ઝાંખરા).

(1) બાવળ [ઍકેસિયા નિલોટિકા (Bth.) Brenan] વૃ.
(2) ગોબિતા [ઍ. પોલિયાકાન્થા (Willd)] વૃ.
(3) ખેર [ઍ. ચૂન્દ્રા (Roxb. ex Rottl) Willd] વૃ.
(4) કેરડો [કૅપેરિસ ડૅસિડ્યુઆ (Edgew)] ઝાં.
(5) કે. ઝેયલાનિકા (L) ઝાં.-આરોહી
(6) ઇંગોરિયો [બૅલેનાઇટિસ ઇજિપ્ટિયાકા (L) Del] ઝાં.
(7) ગરગૂગળ [ફ્લૅકોર્શિયા ઇન્ડિકા (Burm. f)] વૃ.-ઝાં.
(8) વીકળો [મેટેનસ ઇમાર્જિનાટા (Willd) D. Hou] ઝાં.
(9) ખીજડો [પ્રૉસોપિસ સાઇનેરેરિયા (L) Druce] વૃ.
(10) ચણીબોર [ઝિઝિફસ નુમ્મુલારિયા (W & A)] ઝાં.
(11) બોર [ઝી. મૌરિશિયાના (Lam.)] વૃ.
(12) ઘોટ બોર [ઝી. ઝાયલોપાયરા (Retz.) Willd] ઝાં.
ઉપર્યુક્ત જાતિઓ ઉપરાંત વાતાવરણમાંના ભેજની વધઘટ પ્રમાણે જાતિસંગઠનમાં ફેરફાર થતો જોવાય છે. ભેજની માત્રા વધુ હોય તેવાં કાંટાળાં વનમાં નીચે મુજબની અન્ય જાતિઓ પણ હોય છે :
(13) બીલી [ઇગલ માર્મિલોસ (L) Corr] વૃ.
(14) કરમદાં [કેરિસ્સા કૉન્જેસ્ટા (Wt)] ઝાં.
(15) ડાયક્રોસ્ટેકિસ સાઇનેરિયા [(CL) W & A] મઢૂર ઝાં.
(16) કોઠી [લાઇમોનિયા ઍસિડિસિમા (L)] વૃ.
(17) કાસી [માઇમોસા હેમાટા (Willd)] ઝાં.
ઉપર્યુક્ત જાતિઓ ઉપરાંત નીચેની બિનકંટકી જાતિઓ પણ કાંટાળાં વનની ઘટક છે :
(18) ધાવડો [એનોજીસસ લૅટિફોલિયા (Roxb.) Wall ex Bedd] વૃ.
(19) ઘાવ, ધવડો [એ. પેન્ડ્યુલા (Edgew)] વૃ.
(20) જખ્મી ડોડોનિયા વિસ્કોસા [(L) Tacq] ઝાં.
(21) કડવો ઇન્દ્રજવ [હોલારહિના ઍન્ટિડિસેન્ટેરિકા (Wall)] વૃ. ઝાં.

ભેજ ઓછો હોય અને જમીન વધુ ખડકાળ હોય તેવા વિસ્તારોમાં ઉપર્યુક્ત જાતિઓના બદલે યુફોર્બિયા નિવ્યુલિયા (Buch-Ham) મોટા પ્રમાણમાં ફેલાયેલી હોય છે, જેની સાથે કૅપેરિસ, ઝિઝિફસ વગેરે જેવી જાતિઓ પણ જોવા મળે છે.

પ્રપાતી વન-વિસ્તારોમાંના બામ્બૂ બ્રેક્સની જાતિ ડેન્ડ્રોકૅલેમસ સ્ટ્રીક્ટસ (Nees) છે. આ વિસ્તારો પણ સ્ક્રબલૅન્ડમાં સમાવેશ પામે છે, પરંતુ તેમાં અન્ય ઘટક જાતિઓ ઓછી હોય છે અને તેમાં કાંટાળી જાતિનું પ્રમાણ નહિવત્ રહે છે.

ઉત્તર ભારતનાં કાંટાળાં વનમાં પણ ઉપર મુજબની જ જાતિઓ છે, પરંતુ તેમાં ઍકેસિયા ઓછાં છે અને પ્રૉસોપિસ વધુ છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં પ્રો. જ્યુલિફ્લોરા [(SW) DC] (ગાંડો બાવળ) વ્યાપક ફેલાવો ધરાવે છે. વધુમાં, કૅપેરિસ, પીલુડો-સાલ્વાડોરા, થોર (Euphorbia) વગેરેનું પ્રમાણ પણ દક્ષિણનાં કાંટાળાં વન કરતાં વધુ છે. એકંદરે દક્ષિણનાં કાંટાળાં વનોની વૃદ્ધિ ઉત્તરનાં કાંટાળાં વનો કરતાં વધુ છે.

ગુજરાતનાં કાંટાળાં વનો : પ્રાકૃતિક રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો શુષ્ક કે અર્ધશુષ્ક પ્રકારના વરસાદના પ્રમાણ પર આધારિત હોવાથી તેમાં થતી કાંટાળી વનસ્પતિની જાતિઓનું પ્રમાણ મોટું છે; તેનો કાંટાળાં વનમાં સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રનું ગીર વન અપવાદરૂપ છે, પરંતુ તેમાં કાંટાળી વનસ્પતિઓનું પ્રમાણ ઠીક એવું છે.

સૌરાષ્ટ્રના દ્વારકા (Borgensen, 1929) અને બેટ-દ્વારકા (Puri and Vasavada, 1957), ઉત્તર ગુજરાત (Saxton & Sedgwick, 1918) તેમજ કચ્છ(Pandya and Sidha, 1985)ના દર્શાવેલ વિસ્તારોનાં વનોના વિવરણ ઉપરથી ગુજરાતનાં કાંટાળાં વનમાં નીચે મુજબની કાંટાળી વનસ્પતિઓ મળી આવે છે :

ઉપર દર્શાવેલ ક્રમાંક 1, 3, 4, 6, 8થી 12, 15 અને 17 દ્વારા દર્શાવેલ વનસ્પતિ જાતિ ઉપરાંત અન્ય જાતિઓ પણ ખાસ જોવા મળે છે, જે નીચે મુજબ છે :

(22) રાતો બાવળ [ઍકેસિયા જૅક્વિમોન્શી (Bth.)] ઝાં.
(23) હર્મોબાવળ [એ. લ્યુકોફલિયા (Willd)] વૃ.
(24) ગોરડિયો બાવળ [એ. સેનેગલ (Willd)] વૃ.
(25) ગાંડો બાવળ [પ્રૉસોપિસ (SW) DC.] વૃ.
(26) થોર [યુફોર્બિયા નેરિફોલિયા (Buch-Ham)] ઝાં.

કચ્છ વિસ્તારમાં યુ. નિવ્યુલિયા થોરનાં ઝુંડ પથરાળ વિસ્તારમાં પથરાયેલાં છે.

આ ઉપરાંત, સાલ્વાડોરા, કોમિફોરા વ્હાટી (Engl) (ગૂગળ), ફૅગોનિયા અને બાર્લેરિયા પણ મળે છે, જ્યારે રેતાળ વિસ્તારોમાં એલો વેરા (Webb & Berth) (કુંવારપાઠું) અને ટમારિક્સની જાતિઓ ઊગે છે. ખાસ કરીને, પ્રો. જ્યુલિફ્લોરા બાહ્ય પ્રદેશની (exotic) જાતિઓ છે. તેને લીધે કચ્છ વિસ્તારની પ્રજાના બળતણની સમસ્યાનું નિરાકરણ થયું છે, પરંતુ તે હવે એટલી ઝડપથી તે વિસ્તારોમાં ફેલાતો જાય છે કે જેથી ચરાણ પ્રદેશ તથા તેનું ઘાસ ઓછાં થતાં જાય છે અને તે વિસ્તારનાં પાળેલાં પશુના આહાર-ઘાસનું પ્રમાણ ઘટી જાય છે.

આર્થિક ઉપયોગિતા : અર્ધશુષ્ક વિસ્તારનાં કાંટાળાં વનોનું ખેતરોમાં રૂપાંતર કરીને બાજરો, જુવાર, વગેરે મોટાં ધાન્યોની વરસાદી ખેતી તે વિસ્તારના લોકોની સામાન્ય પ્રવૃત્તિ રહી છે, જેમાં સઘન સિંચાઈ દ્વારા વિસ્તૃત ખેતી થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અર્ધશુષ્ક પ્રદેશના વિશિષ્ટ વિકાસ માટે અને તે વિસ્તારો મનુષ્યની ખંડનાત્મક પ્રવૃત્તિથી મરુ વિસ્તારમાં પરિવર્તન પામતા અટકે તે માટે વિવિધ યોજનાઓ કરે છે.

અર્ધશુષ્ક અને મરુ પ્રદેશનાં કાંટાળાં વનોમાં પશુઉછેર સામાન્ય વ્યવસાય છે. વરસાદના ટૂંકા ગાળામાં પુષ્કળ પ્રમાણમાં ચરાણયોગ્ય ઘાસચારો મળે છે. વળી મોટાં ધાન્યોની ખેતીમાંથી ચારો પણ પૂરતા પ્રમાણમાં મળતાં પશુઉછેર વિકસ્યો છે. સઘન ખેતી શક્ય છે તેવા વિસ્તારોમાં પશુઉછેર મુખ્ય છે. કાંટાળાં વનોનાં ઘણાં વૃક્ષો અને ક્ષુપોનાં પર્ણો તથા બીજ બિન-વરસાદી શુષ્ક ઋતુકાળમાં ચારા તરીકે વપરાય છે, જેમાં ખીજડો, બોરડીનાં પાન અને ગાંડા બાવળની શિંગો મુખ્ય છે. ઘણાં કાંટાળાં વૃક્ષો બળતણયોગ્ય લાકડું પણ આપે છે. બાવળનું થડ હળ જેવાં ખેતી-ઉપયોગી સાધનો બનાવવા માટે ખૂબ જ વપરાય છે.

કાંટાળાં વનની કેટલીક જાતિઓ મનુષ્યને આર્થિક રીતે ઉપયોગી પેદાશો પણ આપે છે, જે નીચે પ્રમાણે દર્શાવી છે :

વળી ખેર, વીકળો, કડવો ઇંદ્રજવ, ઇંગોરિયો વગેરેમાંથી ઔષધિઓ પણ મળે છે.

કાંટાળાં વનો અતિ ઉગ્ર હવામાનની પરિસ્થિતિને કારણે તેમજ મનુષ્યની ખંડનાત્મક પ્રવૃત્તિના પરિપાકરૂપે પ્રપાતી વનોમાંથી વિકસેલાં છે, જેથી તે હવે મરુપ્રદેશમાં ફેરવાઈ ન જાય તે રીતે તેની વ્યવસ્થા ગોઠવવાની તાતી જરૂરિયાત ઊભી થયેલી છે.

સુરેન્દ્ર મ. પંડ્યા