કાંચીપુરમ્ : ભારતના તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી નૈર્ઋત્યે આવેલો જિલ્લો તથા પાલર નદીને કિનારે આવેલું શહેર તથા કાંચીપુરમ્ જિલ્લાનું વડું મથક. તે કાંચી અથવા કાંચીપુરમ્ કાંજીવરમ્ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 12o 50′ ઉ. અ. અને 79o 43′ પૂ.રે.. આ જિલ્લાનો વિસ્તાર 4,037 ચોકિમી. છે. જ્યારે વસ્તી 39,90,897 (2011), શહેરની વસ્તી 1,64,384 (2011) છે.

ચીનનો પ્રસિદ્ધ મુસાફર હ્યુ-એન-શ્વાંગ સાતમી સદીમાં આ નગરમાં આવ્યો હતો અને તેના કથન અનુસાર તે વખતે તે ન્યાય અને શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતું. ઈ. પૂ. બીજી સદીથી તે ચૌલ વંશની રાજધાની હતું. ત્રીજીથી નવમી સદી સુધી તે પલ્લવ રાજાઓનું પાટનગર રહ્યું અને દશમીથી તેરમી સદી સુધી તે ફરીથી ચૌલ વંશના રાજાઓનું વડું મથક બન્યું. સત્તરમીથી અઢારમી સદીમાં મુસ્લિમ અને મરાઠા લશ્કરોએ કાંચીપુરમ્ કબજે કર્યું હતું. અઢારમી સદીમાં બ્રિટિશરોએ તેના પર કબજો જમાવ્યો હતો.

કૈલાસનાથ મંદિર, કાંચીપુરમ્

કાંચીપુરમ્ દક્ષિણ ભારતનું હિંદુઓનું મુખ્ય તીર્થસ્થાન રહ્યું છે. અગાઉ તે જૈન અને બૌદ્ધ વિદ્યાલયોનું પણ મથક હતું. પ્રખર હિંદુ તત્વચિંતક રામાનુજાચાર્યે પણ અહીં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે હાલ ભારતનાં સાત મહાન પવિત્ર હિંદુ શહેરોમાંનું એક છે. અહીં પલ્લવ રાજાઓએ બંધાવેલાં 108 શૈવ અને 18 વૈષ્ણવ મંદિરો છે. અહીં જૈનૌનું અત્યંત પુરાણું પ્રસિદ્ધ મંદિર પિલ્લાપલૈયમ્ પણ આવેલું છે. તે હાથસાળ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે અને કાંજીવરમ છાપવાળી સુતરાઉ તથા રેશમી સાડીઓ દેશવિદેશમાં પ્રખ્યાત છે.

રસેશ જમીનદાર

હેમન્તકુમાર શાહ