કાંચકી (કાંકચ, કાચકા) : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સિઝાલ્પિનિયેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ; હિં. કટુકરંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; અં. બૉંડકનટ, ફીવરનટ) છે. તે મોટી આરોહી (scandent), અંકુશ આકારની છાલશૂળવાળી ક્ષુપ-સ્વરૂપ વનસ્પતિ છે અને ભારત, મ્યાનમાર અને શ્રીલંકાના વધારે ઉષ્ણપ્રદેશોમાં, ખાસ કરીને દરિયાકિનારે અને પહાડીઓ પર 750 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેને ઘણી વાર વાડમાં ઉગાડવામાં આવે છે. પર્ણો યુગ્મપિચ્છાકાર (paripinnate) અને છાલશૂળ ધરાવતા પત્રાક્ષવાળાં હોય છે. ઉપપર્ણો (stipules) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 6-9 જોડ, ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong) હોય છે. પીળાં પુષ્પો અગ્રીય કે અધિકક્ષીય (supra axillary) કલગી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શિંગો લંબગોળ, ચપટી અને કાંટાળી હોય છે. બીજ લગભગ ગોળાકાર (1.5 સેમી.થી 2.0 સેમી. વ્યાસ), ચકચકિત, લીસાં, ભૂખરાં અને સખત હોય છે. તેમનાં કવચ જાડાં અને બરડ હોય છે અને તે પીળાશ પડતા સફેદ, કડવા અને તૈલી મીંજને આવરે છે.
તેના તેલમાંથી કડવો, અસ્ફટિકી (amorphous), ગ્લાયકોસાઇડ, બોંડુસિન (C20H28O8) મળી આવે છે; જે પાણીમાં અદ્રાવ્ય અને આલ્કોહૉલ, ઍસિટોન, પિરિડિન અને ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય હોય છે. મીંજના આલ્કોહૉલીય નિષ્કર્ષમાંથી અલગ કરેલો કડવો ઘટક પક્ષીને થતા મલેરિયા સામે બિનઅસરકારક હોય છે. કડવા ઘટક ઉપરાંત, તે મેદીય તેલ (20 %-24 %), સ્ટાર્ચ, સુક્રોઝ, સીટોસ્ટૅરોલ અને એક હાઇડ્રૉકાર્બન ફાઇટોસ્ટૅરોલ (હેપ્ટોકોસેન) ધરાવે છે. તેલ જાડું અને આછું પીળું હોય છે અને અણગમતી વાસ ધરાવે છે.
કાંચકીને ભારતના ઔષધકોશમાં 1868થી અધિકૃત ઔષધ ગણવામાં આવે છે. તે બલ્ય અને જ્વરહર (antipyretic) તરીકે ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. પર્ણો અને બીજ સોજાઓ પર લગાડવામાં આવે છે. પર્ણો અને છાલ આર્તવપ્રેરક (emmenagogue), જ્વરહર (febrifuge) અને કૃમિઘ્ન (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. બીજમાં મેળવેલું તેલ શામક (emollient) છે અને ચહેરા પરથી તલકાં દૂર કરવા, ધોવા માટે વપરાય છે. તેનો સૌંદર્યપ્રસાધન તરીકે અને કાનમાંથી થતા સ્રાવને અટકાવવા માટે ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર, તે તૂરી, કડવી, ઉષ્ણ અને શોષક છે. તેનો ઉપયોગ કફ, પિત્તાર્શ, શૂળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમિ, રક્તાર્શ, વાતાર્શ અને રક્તદોષમાં થાય છે. તે ક્ષય, સુવારોગ, પેટશૂળ, ઉપદંશવ્યાધિ, વાયુનો ગોળો, તાવ, આમ, લોહીની ગાંઠ, સસણી અને જીભે થતા કાતરામાં ઉપયોગમાં લેવાય છે.
બળદેવભાઈ પટેલ