કાંચનજંઘા : નેપાળમાં આવેલ હિમાલય ગિરિમાળાનું જગતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર. આ પહાડી ક્ષેત્રનું નામ, મૂળ તિબેટિયન ભાષાના ‘Kangchen-dzo-nga’ અથવા ‘Yangchhen-dzo-nga’ પરથી ઊતરી આવ્યું છે. તેની ટોચનાં પાંચ શિખરોને કારણે તિબેટના લોકોએ તેને ‘બરફના પાંચ ભંડારો’ ઉપનામ આપ્યું છે.

તેનું નેપાળી નામ કુંભકર્ણ લંગૂર છે. તે નેપાળ અને સિક્કિમની સરહદે, દાર્જીલિંગથી વાયવ્યે 74 કિમી. દૂર 27o 42′ ઉ. અ. અને 88o 6′ પૂ.રે. ઉપર આવેલું છે. તેની ઊંચાઈ 8598 મી. છે. ઈશાન બાજુ ઝેમુ, અગ્નિ ખૂણે તલુંગ, નૈર્ઋત્ય બાજુએ યલુંગ અને વાયવ્ય બાજુએ કંચનજંઘા એમ ચાર હિમનદીઓ આવેલી છે.

રીનઝીન નામગ્યાલ નામના વિદ્વાન સંશોધકે ઓગણીસમી સદીના મધ્યભાગમાં તેનો વર્તુળાકાર કાચો નકશો બનાવ્યો હતો. 1848 અને 1849માં સર જોસેફ હુકર નામના વનસ્પતિશાસ્ત્રીએ સૌથી પહેલી મુલાકાત લઈને તેનું વર્ણન કર્યું હતું. પર્વતારોહક-સંશોધક ડગ્લાસ ફ્રેશફીલ્ડે પર્વતની આસપાસ અનેક પ્રવાસો ખેડ્યા હતા. ઍંગ્લો-સ્વિસ ટુકડીએ 1905માં યલુંગની ખીણ મારફત ચડાણ કરવા જતાં હિમપ્રપાતને કારણે ચાર માણસો ગુમાવ્યા હતા. પૉલ બાઉરના નેતૃત્વ નીચેની બવેરિયન ટુકડીએ 1929 અને 1931માં ઝેમુ ખીણ બાજુથી ચડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. 1930માં ગુન્તુર-ઓ-ડાયહ્નેન્ફર્થે કંચનજંઘા હિમનદી તરફથી પ્રયાસ કર્યો હતો. આ પર્વતારોહણ દરમિયાન 7700 મી. સુધી જઈ શકાયું હતું. પ્રાણઘાતક અકસ્માતોને કારણે તેનું ચડાણ મુશ્કેલ અને ભયંકર ગણાવા લાગ્યું. તેથી ઘણા વખત પછી ગીલમૌર લેવિસે યલુંગ હિમનદીની 1951, ’53 અને ’54માં મુલાકાત લીધા બાદ ‘આલ્પાઇન ક્લબ’ અને ‘રૉયલ જ્યૉગ્રોફિકલ સોસાયટી’ના ઉપક્રમે ચાર્લ્સ ઇવાન્સની ચાર માણસની ટુકડી શિખરની ટોચથી એક મીટર નીચે સુધી સહેલાઈથી પહોંચી શકી હતી. નેપાળ અને સિક્કિમના લોકોની ધાર્મિક માન્યતા ન દુભાય અને તેની પવિત્રતાનો ભંગ ન થાય તે કારણે ટોચથી તેઓ દૂર રહ્યા હતા. 1955માં એક બ્રિટિશ ટુકડીએ કરેલો આરોહણનો પ્રયાસ સફળ રહેલો. 1977માં ભારતીય લશ્કરની 19 સભ્યોની ટુકડી પણ તેમાં સફળ રહેલી. જેમાં કર્નલ પ્રેમચંદ અને કર્નલ નરેન્દ્રકુમારની કામગીરી યશસ્વી હતી. રશિયન કલાકાર નિકોલસ રોરિકે તેનું સુંદર ચિત્ર બનાવ્યું છે, જે વડોદરાના સંગ્રહસ્થાનમાં છે. દાર્જીલિંગથી તેનાં સુવર્ણ મઢેલાં શિખરોની પ્રભાતે સુંદર ઝાંખી થાય છે.

શિવપ્રસાદ રાજગોર