કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે.

તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને 45 સેમી.થી 60 સેમી. (ઊંચી જાતો, 85 સેમી.થી 150 સેમી.) જેટલી ઊંચાઈ ધરાવે છે. તે યુરોપ અને એશિયાની મૂલનિવાસી છે અને સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, અખંડિત કે શૂલિકામય-દંતુર (spinulose-serrate) હોય છે. પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) પ્રકારનો, નારંગી-લાલ, કેટલીક વાર સફેદ અથવા પીળો અને ગોળાકાર હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું, ચતુષ્કોણીય અને રોમગુચ્છ(pappus)રહિત હોય છે.

કસુંબીની પર્ણ-પુષ્પ સાથેની શાખા

કૃષ્ટ કસુંબીનો સેફ્રન થિસલ (C. lanatus) અથવા જંગલી કસુંબી(C. oxyacantha)માંથી ઉદભવ પ્રાથમિકપણે ઇથિયોપિયા અને અફઘાનિસ્તાનના પર્વતીય પ્રદેશોમાં અને દ્વિતીયકપણે ભારત અને મ્યાનમારનાં મેદાનોમાં થયો હોવાનું મનાય છે. પ્રાચીન ઇજિપ્શિયન મમીનાં કબરનું કાપડ કસુંબીના રંગ વડે રંગવામાં આવતું હતું. ભારત ઉપરાંત મુખ્યત્વે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ, તુર્કસ્તાન, મેક્સિકો, ઇથિયોપિયા, સ્પેન અને કૅનેડામાં તેની ખેતી થાય છે. વિશ્વમાં મેક્સિકોમાં તેનું ઉત્પાદન મહત્તમ થાય છે; ભારતનો દ્વિતીય ક્રમ (4.97 લાખ મેટ્રિક ટન) આવે છે. તેલીબિયાંના પાક તરીકે ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં કુલ 80.70 લાખ હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. તે પશ્ચિમ બંગાળના કેટલાક શુષ્ક પ્રદેશોમાં અને કુમાઉનની ટેકરીઓ પર વાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, ખેડા, ભરૂચ અને ભાવનગર જિલ્લાના ભાલ પ્રદેશમાં, અમરેલી જિલ્લાના ખારાપાટ વિસ્તારમાં, જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં અને સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં બિનપિયત ખેતી તરીકે વિકસાવવાની ઘણી ક્ષમતા છે.

કસુંબીની જનીનિક સુધારણામાં બીજ-ઉત્પાદન, તૈલી દ્રવ્ય, પ્રતિ વનસ્પતિએ સ્તબકની સંખ્યા, પ્રત્યેક સ્તબકે બીજની સંખ્યા, બીજનું વજન, બીજાવરણનું પ્રમાણ વગેરે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. ‘MS 49’, ‘US 104’, ‘S 144’ અને ‘A1’ જાતો સ્તબકનું સારું ઉત્પાદન આપતી જાતો છે. ‘G 1157’ બીજની સંખ્યા પ્રતિ સ્તબકનું વધારે ઉત્પાદન આપતી સર્વશ્રેષ્ઠ સામાન્ય સંયોજક (combiner) જાત છે. બીજાવરણના પ્રમાણ સાથે તૈલી દ્રવ્યનો આધાર રહેલો છે. સુધારેલી ‘AC1’, ‘Frio’, ‘Rio’, ‘Royal’ અને ‘VFstp1’ જાતોમાં બીજાવરણનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે; તેથી તેઓમાં તૈલી દ્રવ્યનું પ્રમાણ વધે છે. U-121 જાત ફાઇટોફ્થૉરા દ્વારા થતો મૂળનો સડો અને કસુંબીના ગેરુની અવરોધક જાત છે. વાવેતરમાં લેવાતી કસુંબીની જાતોને કાંટાવાળી અને કાંટા વિનાની જાતોમાં વહેંચવામાં આવે છે. કાંટાવાળી જાતો બીજ માટે અને કાંટા વિનાની જાતો રંગ તેમજ ચારા માટે પસંદ કરવામાં આવે છે. કસુંબીની કેટલીક સુધારેલી જાતો, વાવેતરનો પ્રદેશ, ઉત્પાદન અને તૈલી દ્રવ્યનું પ્રમાણ સારણી 1માં દર્શાવવામાં આવ્યું છે :

સારણી 1 : કસુંબીની કેટલીક સુધારેલી જાત, વાવેતરનો પ્રદેશ, ઉત્પાદન અને તૈલી દ્રવ્યનું પ્રમાણ

જાતનું

નામ

વાવેતરનો

પ્રદેશ

ઉત્પાદન

ક્વિન્ટલ/હેક્ટર

તૈલી દ્રવ્યનું

પ્રમાણ (%)

‘ભીમા’ (‘S-4’) મહારાષ્ટ્ર 12-15 (મહારાષ્ટ્ર)

15-20 (રાજસ્થાન)

30-30.5
‘APRR3’ આંધ્રપ્રદેશ 10-15 35.7
(‘સાગરા મુથ્યાલુ’) બિહાર
‘JSF1’ મધ્યપ્રદેશ 30.0
‘HUS-305’

(‘માલવિયા કુસમ’)

ઉત્તરપ્રદેશ 20 36-38
‘નિરા’ (‘NRS-209’) મહારાષ્ટ્ર 16. 25-25 32.5
‘APRR1’ બિહાર 6-13 31.0

ભારતના શુષ્ક પ્રદેશોમાં કસુંબી એક પરંપરાગત તટસ્થ દિવસી (day neutral), શુષ્કતા-સહિષ્ણુ (drought tolerant) રવીપાક છે. વાર્ષિક 375 મિમી.થી 500 મિમી. વરસાદ પૂરતો ગણાય છે, છતાં સારા ઉત્પાદન માટે 600 મિમી. વરસાદ જરૂરી છે. 1000 મિમી. વધારે વરસાદ વૃદ્ધિ માટે ઉપયોગી નથી. ઉત્તર અને દ્વીપકલ્પીય (peninsular) ભારતમાં વાવણીની આદર્શ ઋતુ શિયાળો છે. વૃદ્ધિના બધા તબક્કાઓમાં વધુ પડતો વરસાદ કે સાપેક્ષ ભેજ ફૂગ દ્વારા થતા રોગોને કારણે નુકસાન પહોંચાડે છે. બીજાંકુર હિમ-સહિષ્ણુ હોવા છતાં વિસ્તરણ અને પુષ્પનિર્માણના તબક્કાઓ દરમિયાન હિમ-સંવેદી છે.

કસુંબીના પાક માટે ફળદ્રૂપ, વધારે ઊંડી, ભેજધારક (moisture-retentive) અને સારા નિતારવાળી મૃદા જરૂરી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં તેનું કાળી કપાસ-મૃદામાં અને અન્ય રાજ્યોમાં ગોરાડુ અને હલકી જલોઢ (alluvial) મૃદામાં શુષ્ક તેમજ સિંચિત (irrigated) પ્રદેશોમાં વાવેતર કરવામાં આવે છે. પાક લવણતા-સહિષ્ણુ (salinity-tolerant) છે. નીચાણવાળા ભાગોમાં તેનું વાવેતર કરવામાં આવતું નથી, કારણ કે પંકિલ મૃદામાં પાકને મૂળનો સડો અને સુકારા જેવા રોગો થાય છે. એકલા કસુંબી કરતાં અન્ય શિયાળુ પાક જેવા કે જુવાર, ઘઉં, અળસી, ધાણા કે ચણા સાથે મિશ્ર અથવા આંતરપાક તરીકે કસુંબી વધારે પ્રચલિત છે. તેમ છતાં એકલા પાક તરીકે પણ તે વધુ લાભદાયી પુરવાર થઈ શકે તેમ છે.

શુષ્ક પ્રદેશોમાં બેવડો પાક (double cropping) ભાગ્યે જ લેવામાં આવે છે છતાં કસુંબીનું 2 મી.થી 2.5 મી. ઊંડું અને સક્ષમ મૂળતંત્ર હોવાથી બેવડો પાક લઈ શકાય છે. કસુંબીમાં લેવાતા બેવડા પાકની માહિતી સારણી 2માં આપવામાં આવી છે :

સારણી 2 : કસુંબીમાં બેવડો પાક

પ્રદેશ પાકક્રમ
કર્ણાટકના ઓછા વરસાદવાળા ચણા-કસુંબી, સંકર જુવાર
વિસ્તારો (‘CSH1’)-કસુંબી સેટારિયા કસુંબી.
ઉત્તર તેલંગાણા ચણા-કસુંબી, સંકર જુવાર-કસુંબી, મકાઈ-કસુંબી.
મહારાષ્ટ્રના પૂરતા ભેજવાળા ચણા-કસુંબી, અડદ-કસુંબી, સંકર
વિસ્તારો જુવાર-કસુંબી, મગફળી (‘ફૂલ-પ્રગતિ’)- કસુંબી, તલ-કસુંબી
મહારાષ્ટ્રના શુષ્ક વિસ્તારો ચણા-કસુંબી, અડદ-કસુંબી

કસુંબીના સતત વાવેતરથી ખેતરમાં ફૂગના રોગોનું પ્રમાણ વધે છે; અને લાંબા ગાળાની મૃદા-ઉત્પાદકતાને અસર થાય છે. તેથી કસુંબીનો પાક સતત લેવાતો નથી અને ખરીફ-રવી પાકની ફેરબદલી કરવામાં આવે છે. માટે સામાન્યત: શિંબી પાકની પસંદગી આપવામાં આવે છે, જેથી મૃદાની ફળદ્રૂપતા વધે છે અને તે પછીના પાકને લાભ મળે છે.

વાવેતર પૂર્વે સુધારેલી કસુંબીની જાતની પસંદગી કરવામાં આવે છે અને તેને 3 ગ્રા. એગ્રોસન GN અથવા સેરેસન ફૂગનાશક્ધાી ચિકિત્સા આપવામાં આવે છે. સારું અંકુરણ મેળવવા 24 કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે છે. બિનપિયત જમીનમાં તેનું વાવેતર સપ્ટેમ્બરના અંતમાં અથવા ઑક્ટોબરની શરૂઆતમાં કરાય છે, જ્યારે પિયત જમીનમાં તે ઑક્ટોબરના અંતમાં વાવવામાં આવે છે. મિશ્ર પાક તરીકે પ્રતિ હેક્ટરે 4.5 કિગ્રા.થી 13.5 કિગ્રા. બીજની અને શુદ્ધ પાક તરીકે 17.0 કિગ્રા.થી 20.0 કિગ્રા. બીજની જરૂરિયાત રહે છે. તેની ગુચ્છિત (rosette) અવસ્થા દરમિયાન તે અપતૃણ-સંવેદી છે. કસુંબીનાં ખેતરોમાં અપતૃણ નિયંત્રણ માટે વાવણી પછી તરત ઍલેક્લોર (1.5 લિ./હેક્ટર) અને નાઇટ્રોજનનો છંટકાવ કરવામાં આવે છે. પાકને લગભગ બે મહિના થાય ત્યારે તેની ટોચ કાપી લેવામાં આવે છે, જેથી શાખાઓનું સર્જન ઉત્તેજાય છે. તેનાથી પુષ્પનિર્માણની ક્રિયા પ્રેરાય છે અને બીજનું ઉત્પાદન વધે છે. જ્યાં ઓછો વરસાદ થાય છે, તેવા પ્રદેશોમાં 25 કિગ્રા.થી 30 કિગ્રા. / હેક્ટર અને પૂરતો વરસાદ થાય છે તેવા વિસ્તારોમાં 40 કિગ્રા.થી 50 કિગ્રા. / હેક્ટર નાઇટ્રોજન અને 20 કિગ્રા.થી 30 કિગ્રા. P2O5/હેક્ટર આપવામાં આવે છે. વધારે સારું ઉત્પાદન મેળવવા માટે ખાતર મૃદાની 10 સેમી.થી 15 સેમી. ઊંડાઈએ આપવું જરૂરી છે. મૃદાના પ્રકાર અને તેમાં રહેલા ભેજને આધારે 3થી 4 વાર પિયત આપવામાં આવે છે. કસુંબી લવણ-જલ માટે સહિષ્ણુ છે; જોકે તેની અંકુરણક્ષમતા ઘટે છે. ‘SF-5’ જાત અન્ય જાતો કરતાં વધારે સારી છે. ચારાના અને બીજના ઉત્પાદનમાં ખાસ કરીને ‘N 7’, ICo 11852 અને ‘S7-B-3’ જાતોમાં સુધારણા નોંધાઈ છે.

Sclerotonia sclerotiorum દ્વારા સુકારાનો રોગ થાય છે. સ્વચ્છ વાવેતર, અપતૃણનાશન અને ચેપગ્રસ્ત છોડના નાશ દ્વારા રોગનું નિયંત્રણ થાય છે. Fusarium solani અને F. oxysporum દ્વારા પણ કસુંબીને સુકારો લાગુ પડે છે, જેથી તેની આંતરગાંઠો વધારે ટૂંકી બનતાં છોડ વામન બને છે અને પર્ણો પર દાતરડા આકારનાં બદામી ટપકાં જોવા મળે છે. F. equiseti દ્વારા અંકુરોને આર્દ્ર પતન(damping off)નો રોગ થાય છે. ચેપગ્રસ્ત અંકુર જમીન પર ઢળી પડી અંતે નાશ પામે છે. Lercospora carthami દ્વારા પાનનાં ટપકાંનો રોગ લાગુ પડે છે, જેથી પર્ણો પર અનિયમિત આકારનાં ઘેરાં બદામી ટપકાં ઉત્પન્ન થાય છે. ઓરિયોફંજિન પ્રતિજૈવિક ઔષધ આ રોગનો સૌથી અસરકારક ઉપાય છે. બૉર્ડો મિશ્રણ (1 %) દ્વારા પણ રોગને નિયંત્રિત કરી શકાય છે. Ramularia carthami અને Alternaria દ્વારા પણ પાનનાં ટપકાંનો રોગ થાય છે. તેનું નિયંત્રણ ડાઇથેન M-45 (0.25 %) અથવા કૉપર ઑક્સિક્લૉરાઇડ (1.25 કિગ્રા / 500 લિ. પાણી/હેક્ટર) દ્વારા કરી શકાય છે. ‘JLA 1753’ જાત આ રોગની અવરોધક છે.

Puccinia carthami દ્વારા કસુંબીને ગેરુનો રોગ થાય છે. લણણી પછી વનસ્પતિ-અવશેષોને બાળી નાખવાથી, બીજને એગ્રોસન GNની ચિકિત્સા આપવાથી કે ઍક્ટિડોનના દ્રાવણમાં બીજને 30 મિનિટ પલાળી રાખવાથી અને જંગલી કસુંબીનો નાશ કરવાથી આ રોગનું નિયંત્રણ થાય છે. ધાન્ય સાથે તેની પાક-ફેરબદલી રોગને અટકાવવાનો એક સારો ઉપાય છે.

Phytophthora drechsleri દ્વારા મૂળનો કોહવારો અને Erysiphe cichoracearum દ્વારા ભૂકી છારાનો રોગ થાય છે. ભૂકી છારાનું નિયંત્રણ સલ્ફર-પાઉડર દ્વારા થાય છે. કસુંબીને વાઇરસ દ્વારા મોઝેક રોગ થાય છે. રોગગ્રસ્ત છોડ મોઝેક કર્બુરણ (mottling) અને વામનતા દર્શાવે છે. વાઇરસનું વહન વનસ્પતિરસ અને કીટકો (Myzus persicae, Aphis gossypii અને A. craccivora) દ્વારા થાય છે.

કસુંબીને ગંભીર નુકસાન પહોંચાડતા 25 જાતના કીટકોમાં મુખ્ય ઍફિડનો સમાવેશ થાય છે. તેનાથી છોડ વામન બને છે અને બીજના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે. પાયરોકોલોઇડ (1 : 1000) કે નિકોટિન સલ્ફેટ(1 : 800)નો છંટકાવ કરવાથી કીટકોનું નિયંત્રણ થાય છે.

કસુંબી પર થતી માખી (Acanthiophilus helianthi) કસુંબીની વહેલા અને મોડા વવાતી જાત પર પુષ્પકલિકાઓને ચેપ લગાડે છે, જેથી તેમને કોહવારો થાય છે. રોગગ્રસ્ત કલિકાઓ કાઢી નાખવાથી અને અવરોધક જાતોના વાવેતરથી આ કીટકનું નિયંત્રણ થાય છે. Chrysopa virgestes જેવા પરભક્ષીઓ (predators) દ્વારા જૈવનિયંત્રણ કરી શકાય છે. Melanagromyza obtusa નામની માખી જો છોડની શરૂઆતની વૃદ્ધિ દરમિયાન લાગુ પડે તો તેઓ જીવી શકતા નથી. તેના નિયંત્રણ માટે ફૉલીડોલ(0.02 %)નો માખીના પહેલા આક્રમણ પછી બે વાર છંટકાવ કરવામાં આવે છે. પાન અને ફળ ખાઈ જતી ઇયળો (Perigaea capensis, Chloridea obsoleta, Eublemma rivula) પણ છોડનું વિપત્રણ (defoliation) કરે છે. લેડ આર્સેનેટ, પૅરિસ ગ્રીન, BHC વગેરેના છંટકાવથી અસરકારક નિયંત્રણ થાય છે.

કસુંબીનો પાક આશકે 4-4 માસમાં તૈયાર થાય છે, તે સમયે પર્ણો અને પ્રકાંડ પીળા રંગનાં બને છે. લણણી દરમિયાન છોડને ખેંચી લેવાય છે અને તેના ઢગલા કરી થોડા દિવસ સૂકવવામાં આવે છે. ખળામાં લાકડી વડે વનસ્પતિનું નિસ્તુપન (threshing) કરી બીજ મેળવવામાં આવે છે. થડના અને પર્ણોના ટુકડાઓને સામાન્ય રીતે બાળી નાખવામાં આવે છે અથવા કેટલીક વાર તેનું જૈવ ખાતર (compost) બનાવવા ઉકરડામાં લઈ જવાય છે.

રંગ માટે પૂર્ણવિકસિત સ્તબકો (capitulum) તે કરમાઈ જાય તે પહેલાં દર બીજા કે ત્રીજા દિવસે એકત્રિત કરવામાં આવે છે. તેમાં મોડું કરવાથી અથવા વાદળવાળું વાતાવરણ હોય કે વરસાદ પડે તો રંગના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. લણણીની આ ક્રિયા એક માસ સુધી ચાલે છે. સ્તબકો સૂકવવામાં આવે છે ત્યાર પછી તેમને તોડીને ખુલ્લા કરાય છે. સરળતાથી દ્રાવ્ય રંગને દૂર કરવા પુષ્પોને ધોવામાં આવે છે. બાકી રહેલો ગર સ્થાયી રંગ ધરાવે છે. તેને સૂકવીને નાના ઘન બનાવવામાં આવે છે.

કેટલીક વાર આ પાક રંગ અને તેલ – એમ બંનેના ઉત્પાદન માટે ઉગાડાય છે. ફલન થઈ ગયા પછી દલપત્રો એકત્રિત કરી લેવામાં આવે છે અને બીજને પાકવા દેવામાં આવે છે.

સરેરાશ ફળદ્રૂપતા ધરાવતી મધ્યમથી માંડી હલકી મૃદામાં પાકનું ઉત્પાદન 10થી 12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, મધ્યમથી ભારે અને વરસાદી પાણી મેળવતી મૃદામાં 20થી 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય છે. જોકે હવે તેનું ભારતમાં ઉત્પાદન 35થી 40 ક્વિન્ટલ/ હેક્ટર મેળવી શકાયું છે. ખાતરો, વનસ્પતિ-સંરક્ષણ, યોગ્ય જાતની પસંદગી અને સમયસરનું વાવેતર સુધારેલી ટૅક્નૉલૉજીમાં ઘણાં મહત્વનાં છે. કસુંબીના સંપૂર્ણ પાકમાંથી પ્રતિ હેક્ટરે આશરે 90થી 135 કિગ્રા. સૂકાં દલપત્રો મેળવી શકાય છે.

કસુંબીના દાણામાં 30 %થી 32 % જેટલા પ્રમાણમાં બહુ-અસંતૃપ્ત ચરબી (poly-unsaturated fat) ધરાવતું ઉચ્ચ ગુણવત્તાવાળું ખાદ્ય તેલ હોય છે; જે હૃદયરોગના દર્દીઓમાં રુધિરમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ નીચું રાખવામાં ઉપયોગી છે. આ તેલ વાર્નિશ, રંગ, આલ્કાઇડ અને યુરેથેન, રાળ, લાપી, સાબુ બનાવવામાં અને રબર-ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ રોશની માટે થાય છે. કસુંબીના તેલમાં લિનોલિક ઍસિડનું દ્રવ્ય વધારે હોવાથી વિલેપન-ઉદ્યોગ (coatings industry) માટે વધારે યોગ્ય ગણાય છે. તેના તેલમાંથી મેળવેલાં રંગ અને વાર્નિશ અળસીના તેલમાંથી બનાવેલી આવી નીપજો કરતાં વધારે સારી ગુણવત્તાવાળાં હોય છે. કસુંબીના તેલનો ઉપયોગ લિનોલિયમ અને આફ્રિદી મીણ બનાવવામાં થાય છે, જેનો ગ્લાસ-સિમેંટ તરીકે ઉપયોગ થાય છે અને સુશોભન માટે ટાઇલ કે પથ્થરો ગોઠવવા માટે પ્લાસ્ટર ઑવ્ પૅરિસની અવેજીમાં વપરાય છે. તેનું તેલ ઊંજણના તેલ તરીકે તેમજ ગૅસોલિન અને ડીઝલ-બળતણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો પ્રવાહીમય ક્ષીરરસ ઇથાઇલ એક્રિલેટનો સહબહુલક (copolymer) ધરાવે છે, જેનો કસુંબીના તેલ સાથે બંધક કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. વધારે પ્રમાણમાં તેલ ધરાવતી જાતના બીજમાંથી મેળવેલા ફૅટી ઍસિડો N, N- દ્વિપ્રતિસ્થાપિત (disubstituted) ફેટી ઍસિડ – પૉલિવિનાઇલ ક્લોરાઇડ સુઘટ્યતાકારક (plasticizer) બનાવવામાં ઉપયોગી છે. બળી ગયેલું કસુંબીનું તેલ વ્રણ રૂઝવવામાં અને સંધિવામાં વપરાય છે.

બીજના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે પાણી 5.5 %, પ્રોટીન 13.5 %, કાર્બોદિતો 17.9 %, રેસો 34.9 % અને ખનિજ 2.68 %; કૅલ્શિયમ 236 મિગ્રા., ફૉસ્ફરસ 823 મિગ્રા./100 ગ્રા., કૅલરીમૂલ્ય 356 કે. / 100 ગ્રા. ધરાવે છે. અપરિપક્વ બીજમાં છ પ્રકારના પૉલિએસિટિલિન હોય છે. બીજમાં ફૉસ્ફેટિડિલ કોલાઇન, ફૉસ્ફેટિડિલ ઇથેનોલેમાઇન, ફૉસ્ફેટિડિલ ઇનોસિટોલ અને ફૉસ્ફેટિડિલ સેરિન નામના ફૉસ્ફેટિડની હાજરી નોંધવામાં આવી છે. વળી તે ટ્રેકીલોસાઇડ અને મોલિબ્ડેનમ ધરાવે છે. બીજાંકુરમાં 1, 8, 11, 14 – હેપ્ટાએડેકેટેટ્રિન હોય છે અને તેઓ ગ્રામ-ઋણાત્મક બૅક્ટેરિયા સામે સક્રિયતા દાખવે છે. મૂળમાં પણ પૉલિએસિટિલિન હોય છે.

બીજનો છાલરહિત (decorticated) ખોળ ઢોરોને તેમજ મરઘાં-બતકાંને ખોરાક તરીકે આપવામાં આવે છે. છાલયુક્ત ખોળ ખાતરમાં વપરાય છે. ખોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન (25 %થી 30 %) હોય છે. ‘ધાન્ય-આધારિત માનવઆહારમાં પણ તે સારો સંપૂરક (supplement) બની શકે તેમ છે. તે કડવો અને મંદ વિરેચક (cathartic) છે.

કસુંબીનાં પુષ્પો બે રંગદ્રવ્યો ધરાવે છે – ચમકતું લાલ રંગદ્રવ્ય કાર્થેમોન (જે પહેલાં કાર્થેમિન અથવા ‘સોફ્લાવર કાર્મિન’ તરીકે જાણીતું હતું.) અને કાર્થેમિન (જે પહેલાં ‘સોફ્લાવર યલો’ તરીકે જાણીતું હતું.). બીજો નિયૉ-કાર્થેમિન નામનો રંગહીન ફ્લેવેનોન પુષ્પોમાંથી અલગ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ સુતરાઉ અને રેશમી કાપડ રંગવામાં થાય છે. તે લાલ, ગુલાબી, સિંદૂરી કે ચળકતો લાલ રંગ આપે છે. તે મંદ રંગ છે અને પ્રકાશ અને હવામાં ઊડી જાય છે. તે આલ્કલી, ક્લોરિન અને સલ્ફયુરસ ઍસિડ માટે સંવેદી છે. જોકે સુતરાઉ અને રેશમી કાપડના રંગ તરીકેનું તેનું મહત્ત્વ સાંશ્લેષિક રંગોની પ્રાપ્યતાને કારણે ઘટ્યું છે; છતાં ભારતમાં તેનો કાપડ રંગવામાં અને ઉત્સવોમાં હજુ પણ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ મીઠાઈ અને રમકડાં રંગવામાં થાય છે. કસુંબીનો પીળો રંગ કેસરને મળતો આવતો હોવાથી તેની અવેજીમાં કે કેસરના અપમિશ્રક (adulterant) તરીકે તેનો ઉપયોગ થાય છે.

તેનાં શુષ્ક પુષ્પોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 13.3 %, લિપિડ 5.2 %, રેસો 14.8 % અને ભસ્મ 7.7 %; વિટામિન ‘E’ 16.3 મિગ્રા. / 100 ગ્રા., અને β-કૅરોટિન 32.8 માઇક્રોગ્રામ / 100 ગ્રા. પુષ્પો ઉત્તેજક, શામક (sedative) અને આર્તવજનક (emmenagogue) છે અને વધારે માત્રામાં આપવાથી રેચક છે.

તેના કોમળ પ્રરોહોનો શાકભાજી અને કચુંબર બનાવવામાં ઉપયોગ થાય છે. કસુંબીનાં કોમળ પર્ણોમાં લોહ અને કૅરોટિન અન્ય ભાજીની તુલનામાં સારા પ્રમાણમાં હોય છે. કસુંબીનો ઉપયોગ શુષ્ક પ્રદેશોમાં લીલા ચારા તરીકે થાય છે. લીલો પાક તેની શરૂઆતની અવસ્થામાં માંસલ અને સ્વાદુ હોય છે. તેના શુષ્ક ચારામાં અશુદ્ધ પ્રોટીન 12.8 %, ઈથર-નિષ્કર્ષ 1.8 %, અશુદ્ધ રેસો 31.7 %, નાઇટ્રોજન મુક્ત 44.2 %, ભસ્મ 9.5 %, કૅલ્શિયમ 1.4 %, ફૉસ્ફરસ 0.21 % અને મૅગ્નેશિયમ 0.43 % હોય છે.

આયુર્વેદ અનુસાર કસુંબી વાતુલ, રુક્ષ, વિદાહી અને તીખી છે. તે મૂત્રકૃચ્છ્ર, કફ અને રક્તપિત્તનો નાશ કરે છે. તેનાં પુષ્પ સ્વાદુ, ત્રિદોષનાશક, ભેદક, રુક્ષ, ઉષ્ણ, પિત્તકર, કેશરંજક, કફનાશક અને લઘુ છે. કસુંબીનાં બીજ અનુલોમિક, મૂત્રલ અને બલ્ય છે. કસુંબીની ભાજી મધુર, નેત્ર્ય, ઉષ્ણ, તીખી, અગ્નિદીપક, અતિ રુચિકર, રુક્ષ, ગુરુ, સારક, પિત્તકર, ખાટી અને ગુદરોગકારક છે અને કફ, મળ, મૂત્ર તેમજ મેદનો નાશ કરે છે. કસુંબીનું તેલ બળકર, ખારું, કડવું, વિદાહી, અચક્ષુષ્ય, ગુરુ, તીક્ષ્ણ, મલસ્તંભક, કફપિત્તકારક, ખાટું, ત્રિદોષકારક અને કૃમિ તેમજ વાયુનું નાશક છે.

કસુંબીની બીજી જાતિનું વૈજ્ઞાનિક નામ Carthamus lanatus Linn. (સેફ્રન થિસલ) છે. તે નાનો, 15 સેમી.થી 45 સેમી. ઊંચો છોડ છે. તેનાં પર્ણો ઘનરોમિલ (hispid) હોય છે. તે કાશ્મીરમાં 1500થી 1800 મી.ની ઊંચાઈએ થતી જાતિ છે. તેના બીજમાંથી આછા પીળા રંગનું શુષ્કન (drying) તેલ (આશરે 16 %) જેટલું પ્રાપ્ત થાય છે. તે પ્રસ્વેદક (sudorific, જ્વરહર (febrifuge) અને કૃમિહર (anthelmintic) છે.

નટવરલાલ પુ. મહેતા

વલ્લભભાઈ જીવરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ

પરબતભાઈ ખી. બોરડ

પી. એ. ભાલાણી