કસુંબીની જીવાત : કસુંબી(કરડી)ના પાકને નુકસાન પહોંચાડનાર કીટકો. મહત્વનો તૈલી પાક ગણાતી કસુંબીનું વાવેતર ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ પાકને સરકારે મહત્વ આપતાં આજે તેનું વાવેતર ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં નાના પાયા પર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન કસુંબીનું વાવેતર મુખ્યત્વે ગુજરાતના ખેડા, ભરૂચ અને સુરત જિલ્લામાં કરવામાં આવે છે.
કસુંબીના પાકને આશરે 25 જાતના કીટકો નુકસાન કરે છે. ખાસ કરીને કસુંબીનો મોલો પાકને ઊગતાંની સાથે નુકસાન કરે છે. આ મોલો, પાકની કાપણી સુધી છોડના કુમળા ભાગમાંથી રસ ચૂસ્યા કરે છે. પરિણામે પાકને 70 % સુધી નુકસાન થતું હોય છે. પુખ્ત છોડ પર થ્રિપ્સ, ઘોડિયા ઇયળ, તીતીઘોડા અને થડ કાપી ખાનાર ઇયળોનો ઉપદ્રવ જોવા મળે છે. ફૂલ અને ડોડવા પર શરૂઆતથી જ શીંગમાખી, કસુંબીના ડોડવાને નુકસાન કરતી માખી, કસુંબીના ડોડવાને કોરી ખાતી ઇયળો તેમજ ચણાના પોપટા કોરી ખાનાર લીલી ઇયળનો ઉપદ્રવ થતો હોય છે. કસુંબીની જીવાતો પાકને આમ વિવિધ રીતે નુકસાન કરતી હોય છે.
પરબતભાઈ ખી. બોરડ
પી. એ. ભાલાણી