કસ્ક્યુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક પરોપજીવી કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર : પૉલિમોનિયેલિસ, કુળ : કસ્ક્યુટેસી. આ કુળ કૉન્વોલ્વ્યુલેસીમાંથી અલગ પાડવામાં આવ્યું છે. આ કુળ એક-પ્રજાતીય (monogeneric) છે. તે Cuscuta નામની પ્રજાતિ અને તેની 150 જેટલી જાતિઓ ધરાવે છે. આ જાતિઓ પરોપજીવી, નીલરસવિહીન, વેષ્ટનશીલ કે આરોહી લતા-સ્વરૂપે હોય છે. તેની ગુજરાતમાં ત્રણ જાતિઓ મળે છે. તે પૈકી Cuscuta reflexa (અનંતવેલ અમરવેલ) નવેમ્બરથી એપ્રિલ સુધી પુષ્પો અને ફળ આપે છે. C. hyalina Roth કચ્છ અને સૌરાષ્ટ્રમાં ક્વચિત જ જોવા મળે છે. તે ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી પુષ્પો અને ફળ આપે છે. C. chinesis Lam. (અમરવેલ) ઑગસ્ટથી ઑક્ટોબર સુધી પુષ્પો અને ફળ આપે છે. તે સપાટ મેદાનો કે રસ્તાની બંને બાજુએ આવેલાં વૃક્ષો કે વાડો પર ફેલાયેલી હોય છે.

તેનું પ્રકાંડ સૂત્રવત્, પીળું, નારંગી કે ગુલાબી-બદામી રંગનું અને અરોમિલ (glabrous) હોય છે. પર્ણો અત્યંત નાનાં અને શલ્કી હોય છે. તે મૂળ જેવાં ચૂષકાંગો(haustoria)ને યજમાન વનસ્પતિની વાહકપેશીઓમાં દાખલ કરીને ખોરાક અને પાણીનું શોષણ કરે છે.

આકૃતિ 1 : કસ્ક્યુટેસી. Cuscuta reflexa (અમરવેલ) : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પનો ઊભો છેદ, (ઇ) પુંકેસર, (ઈ) સ્ત્રીકેસરચક્ર, (ઉ) બીજાશયનો આડો છેદ, (ઊ) પુષ્પીય આરેખ.

પુષ્પવિન્યાસ એકાકી અથવા ટૂંકા અપરિમિત (racemose) ગુચ્છ-સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પુષ્પ સંપૂર્ણ (complete), નિયમિત (actinomorphic), દ્વિલિંગી, પંચાવયવી (pentamerous), અધોજાયી (hypogynous), ચક્રીય (cyclic), સદંડી (pedicillate) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્ર 5 (વજ્ર)પત્રોનું બનેલું; મુક્ત વજ્રપત્રી (polysepalous) હોય છે અને પંચકી (quincuncial) પ્રકારનો કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. દલપુંજ 5 (દલ)પત્રોનો બનેલો; યુક્તદલપત્રી (gamopetalous) અને ઘંટાકાર (campanulate) હોય છે અને ધારાસ્પર્શી (valvate) પ્રકારનો કલિકાન્તરવિન્યાસ ધરાવે છે. દલપુંજના તલભાગે પુંકેસરો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલા પુષ્પમુકુટીય (coronary) બહિરુદ્ભેદો (outgrowths) ધરાવે છે. પુંકેસરચક્ર 5 પુંકેસરોનું બનેલું હોય છે. તેઓ દલલગ્ન (epipetalous), સમાન અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. પરાગાશય દ્વિખંડી, તલબદ્ધ (basifixed) અને અંતર્ભૂત (introse) હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત-સ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને દ્વિકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી (axile) જરાયુ (placenta) પર 2થી 4 અંડકો ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી અથવા તેનો અભાવ હોય છે. પરાગાસન દ્વિશાખી હોય છે. પ્રત્યેક શાખા (reflexed) હોય છે. અધોજાયી, મધુગ્રંથિમય (necteriferous), લાલ રંગનું બિંબ (disc) જોવા મળે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. પુષ્પીય સૂત્ર (floral formula) :

તેનાં બીજમાં રહેલો ભ્રૂણ લાંબું આદિમૂળ ઉત્પન્ન કરે છે. અંકુરણ પામ્યા પછી યજમાન વનસ્પતિ સાથે સંપર્ક થતાં મૂળ નાશ પામે છે. તેનો ફેલાવો રોકવામાં ન આવે તો તે ઘણાં વૃક્ષોનો નાશ કરે છે.

બળદેવભાઈ પટેલ