કવિ શ્રીપાલ (બારમી સદી) : સિદ્ધરાજ જયસિંહના સમયના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ. એ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ સરોવર વિશે એમણે સંસ્કૃતમાં પ્રશસ્તિકાવ્ય રચેલું, તે શિલા પર કોતરાવી એના કીર્તિસ્તંભમાં મૂકેલું. એનો એક નાનો ટુકડો પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણેલો છે. સિદ્ધરાજે સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેની પ્રશસ્તિ પણ શ્રીપાલે રચી હતી. આનંદપુર(વડનગર)ને ફરતો કુમારપાલે વપ્ર (કોટ) બંધાવ્યો તેની પ્રશસ્તિ એ કોટની અર્જુનબારીમાં લગાવેલી છે. એમાં જણાવ્યું છે કે સિદ્ધરાજે એમને પોતાના ભાઈ માન્યા હતા ને એમણે એક મહાપ્રબંધ (પ્રાય: ‘વૈરોચનવિજય’) એક દિવસમાં રચ્યો હતો.
તેમની રચનાઓમાં ‘દુર્લભસરોરાજ-પ્રશસ્તિ’, ‘સહસ્રલિંગસર-પ્રશસ્તિ’, ‘રુદ્રમહાલય-પ્રશસ્તિ’, ‘વૈરોચન-પરાજય’ કાવ્ય ‘વડનગર પ્રાકાર-પ્રશસ્તિ’ અને ‘ચતુર્વિશતિ જિનસ્તુતિ’નો સમાવેશ થાય છે. તેમણે કેટલાંક સુભાષિતો પણ રચેલાં છે. તેમની કૃતિઓ કવિત્વકૌશલથી ભરપૂર છે.
મહારાજ સિદ્ધરાજ શ્રીપાલને ‘કવીન્દ્ર’ અને ‘ભ્રાતા’ કહીને માનસહિત સંબોધતા હતા. વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્ય વચ્ચે ઈ. સ. 1125માં થયેલા વિવાદ-પ્રસંગે શ્રીપાલ કવિ પ્રમુખ હતા. શ્રીપાલ વાદિ દેવસૂરિની પાંડિત્યપ્રતિભાના ઉપાસક હતા.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
જયકુમાર ર. શુક્લ