કવિશિક્ષા : શિખાઉ કવિઓ માટે કાવ્યરચનાના કસબની વ્યવહારુ માર્ગદર્શિકાના પ્રકારના સંસ્કૃત ગ્રંથો. એના વિષયો છે કવિની રહેણીકરણી, દિનચર્યા, કાર્યો, જીવન, ચારિત્ર્ય, કેળવણી ઇત્યાદિના નિયમો, કવિસભાઓ, કાવ્યપાઠની પદ્ધતિઓ, વાણીના પ્રકારો, આશ્રયદાતા રાજાની ફરજો, કવિઓના પ્રકારો, પ્રતિભા-વ્યુત્પત્તિ-અભ્યાસનું તારતમ્ય, કવિને અભ્યાસયોગ્ય શાસ્ત્રો-કળાઓ, કાવ્યચૌર્ય, કાવ્યવસ્તુના ઇતિહાસ-પુરાણાદિ સ્રોતો, રાજા-સૈન્ય-યુદ્ધ-નગર-વન આદિ કાવ્યના વર્ણનીય વિષયો, છંદ:સિદ્ધિ, શ્લેષસિદ્ધિ, શબ્દસિદ્ધિ, અર્થાલંકારો માટે જાણીતાં ઉપમાનોની યાદી, દેશવિભાગ, કાલવિભાગ, કવિસમયો વગેરે. મુખ્ય ગ્રંથો છે : રાજશેખર(દશમી સદી)નું ‘કાવ્યમીમાંસા’, ક્ષેમેન્દ્ર(અગિયારમી સદી)નું ‘કવિકણ્ઠાભરણ’, અરિસિંહ(તેરમી સદી)નું ‘કાવ્યકલ્પલતા’, દેવેશ્વર(ચૌદમી સદી)નું ‘કવિકલ્પલતા’.

રાજેન્દ્ર નાણાવટી