કવિતા (1981) : આધુનિક અસમિયા કવિ નીલમણિ ફૂકનનો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. નીલમણિ ફૂકન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા. ત્યાં આધુનિકતમ સાહિત્યિક પ્રવાહોનું અધ્યયન કર્યું, અને આસામમાં પાછા ફરીને કાવ્યસર્જન કર્યું. તેમના આ પ્રથમ કાવ્યસંગ્રહે પુરસ્કાર પામીને તેના કવિને પ્રતિષ્ઠા અપાવી. ભારતની અન્ય ભાષાઓના આધુનિકતમ સાહિત્યની જેમ એમાં પણ યંત્રયુગની વિષમતા, માનવમૂલ્યોનો હ્રાસ, નવીન કલ્પનો અને પ્રતીકો, અછાંદસ, પ્રવર્તમાન પરિસ્થિતિ સામે આધુનિક માનવની આક્રોશયુક્ત સંવેદના ઉપરાંત તેમની કાવ્યશૈલીમાં પણ પ્રયોગશીલતા ર્દષ્ટિએ પડે છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1997ના વર્ષનો આસામ વેલી લિટરરી એવૉર્ડ તથા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવૉર્ડ આપવામાં આવ્યા.

પ્રીતિ બરુઆ